રાજકોટ:સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ માટે યુવાઓ આગળ આવ્યા! મનપાના અહેવાલ મુજબ સ્વિમિંગ પૂલ અને એથ્લેટિક ટ્રેકમાં ૧૫થી ૫૪ ટકાનો વધારો

0
193

રાજકોટ શહેર જ નહિ પણ રાજ્યના અન્ય મહાનગરોમાં હૃદયરોગના હુમલામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને યુવાનો કે જે સ્વસ્થ દેખાતા હોય છે અને અચાનક જ હૃદયરોગને કારણે જીવ ગુમાવવો પડ્યો હોય તેવા કિસ્સા પણ જોવા મળ્યા છે. આ કારણે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે. આ કારણે શરીર સુદૃઢ બનાવવા માટે યુવાઓ આગળ આવ્યા છે. આ જ કારણે મનપાના વિવિધ જિમ્નેશિયમ, એથ્લેટિક ટ્રેક, બાસ્કેટ બોલ કોર્ટ, ટેનિસ કોર્ટ અને સ્નાનાગારમાં રજિસ્ટ્રેશનનું પ્રમાણ ગત વર્ષ કરતા ૧૫થી ૫૪ ટકાનો વધારો નોંધાયો છે.
મનપાના જણાવ્યા અનુસાર ગત એપ્રિલ માસમાં ૩૦ દિવસમાં કુલ ૧૨૨૬૮ રજિસ્ટ્રેશન થયા હતા. જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને ૧૪૧૮૦ થઈ છે. જેમાં સૌથી વધારે સ્વિમિંગ પૂલ અને એથ્લેટિક ટ્રેકમાં વધારો જોવા મળ્યો છે. એથ્લેટિક ટ્રેકમાં ગત વર્ષે ૧૯૮૭ સભ્યો હતા જે આ વખતે વધીને ૨૬૯૫ થયા છે. જ્યારે જિમ્નેશિયમમાં ફક્ત ૬૭૫ સભ્યો હતા જે હવે ૧૦૪૨ થયા છે. આ ફક્ત મહાનગરપાલિકામાં નોંધાયેલી સંખ્યા છે. આ સિવાય ખાનગી જિમ્નેશિયમ તેમજ બગીચાઓ અને વોકિંગ કરવાની સંખ્યામાં તેના કરતા અનેકગણો વધારો નોંધાયો છે.
જે લોકો વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોડાઈ રહ્યા છે તે મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે, કોઇપણ કસરત ઈન્સ્ટ્રક્ચરના માર્ગદર્શન હેઠળ શરૂ કરવી જોઈએ આ ઉપરાંત પોતાની ક્ષમતા મુજબ જ કરવી જોઇએ અને ક્રમશ: વધારો કરવો જોઈએ. કસરત માટે વધુ પડતું બળ વાપરવા દબાણમાં આપવું જોઈએ નહીં. કોઇપણ સમયે છાતીમાં દુખાવો થાય તો તેને જરા પણ અવગણવું જોઈએ નહીં.
વજન ઉતારવા માટે કસરત કરતા હોય તો એકસાથે વજન ઉતારી દેવાનો મોહ ન રાખવો તેનાથી શરીર પર અવળી અસર થાય છે. કસરતની સાથે ભોજનનું પણ ધ્યાન આવશ્યક બની જાય છે, ખૂબ પ્રોટીનવાળો ખોરાક લેવો જોઈએ તેમજ કસરતમાં પરસેવો ખૂબ વળતો હોવાથી પાણી પણ વધારે પીવું જોઈએ.