અયોધ્યાના રામ મંદિરમાં રવિવારે બપોરે જલાભિષેક દ્વારા વિશ્વના સાત ખંડોમાંથી ૧૫૫ નદીઓમાંથી લાવવામાં આવેલ જળ ચઢાવવામાં આવ્યું હતું. દિલ્હી સ્થિત એનજીઓ ‘દિલ્હી સ્ટડી ગ્રૂપ’ના સભ્યોએ દિલ્હી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય જોલીની આગેવાની હેઠળ વિવિધ દેશોના રાજદૂતો અને એનઆરઆઈના જૂથની હાજરીમાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામના દરબારમાં ૧૫૫ કન્ટેનર પાણી ચઢાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ૪૦ થી વધુ દેશોના NRIઓએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રામ મંદિરમાં જલાભિષેક કાર્યક્રમમાં ફિજી, મંગોલિયા, ડેનમાર્ક, ભૂટાન, રોમાનિયા, હૈતી, ગ્રીસ, કોમોરોસ, કાબો વર્ડે, મોન્ટેનેગ્રો, તુવાલુ, અલ્બેનિયા અને તિબેટના રાજદ્વારીઓએ રામ મંદિરમાં ઐતિહાસિક જલાભિષેકમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ભૂટાન, સુરીનામ, ફિજી, શ્રીલંકા અને કંબોડિયા જેવા દેશોના વડાઓએ પણ આ કાર્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના સંયોજક વિજય જોલીએ તેમના સ્વાગત પ્રવચનમાં દાવો કર્યો હતો કે, મુઘલ સમ્રાટ બાબરના જન્મસ્થળ ઉઝબેકિસ્તાનના આંદીજાન શહેરમાંથી પ્રખ્યાત કશાક નદીના પવિત્ર જળને જલાભિષેક માટે પણ લાવવામાં આવ્યા હતા. આ સાથે યુદ્ધગ્રસ્ત રશિયા અને યુક્રેનથી પાણી અને ચીન અને પાકિસ્તાનથી પણ આ પુણ્ય કાર્ય માટે પાણી લાવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ ઘટના માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ વિશ્વના નાગરિકોની ભગવાન રામના આદર્શોમાં વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે, કોરોનાના સૌથી ખરાબ સમયગાળા દરમિયાન પવિત્ર જળ એકત્ર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જોલીએ દાવો કર્યો હતો કે આ કાર્યમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ વિશ્વના સાતેય ખંડોના મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓએ પણ સહકાર આપ્યો હતો. બીજેપી નેતાએ તેને ઐતિહાસિક અને અવિસ્મરણીય સ્મૃતિ ગણાવી હતી. આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક દિનેશ ચંદ્ર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ રામલાલ અને ઈન્દ્રેશ કુમાર, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ જે.જે. સિંઘ અને જૈન આચાર્ય લોકેશ ઉપસ્થિત રહ્યા હતા.