મુખ્યમંત્રીના હસ્તે  તા.17ના રોજ રામવનનું લોકાર્પણ કરવામાં આવશે:તહેવારોમાં લોકો રામવનમાં ફરવાની મજા માણી શકસે

0
835

મુખ્યમંત્રીના હસ્તે  તા.17ના રોજ રામવનનું લોકાર્પણ કરવામાં આવશે:તહેવારોમાં લોકો રામવનમાં ફરવાની મજા માણી શકસે

રાજકોટ મહાપાલિકા દ્વારા 9.30 કરોડના ખર્ચે આજી ડેમની બાજુમાં બનાવવામાં આવેલા ભવ્ય રામવનનું નિર્માણ કાર્ય સંપન્ન થયું છે અને લોકો તહેવારોના દિવસોમાં રામવન ફરી શકે તે માટે મુખ્યમંત્રીના હસ્તે  તા. 17ના રોજ લોકાર્પણ કરવામાં આવશે
મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષ પહેલા અર્બન ફોરેસ્ટ પ્રોજેકટ બનાવ્યો હતો. તે બાદ રામાયણ યુગને યાદ કરાવતા રામવનનું નિર્માણ જોડવામાં આવ્યું હતું. પૂર્વ રાજકોટના છેડે વોર્ડ નં.15માં આજી ડેમ પાસેના ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં 47 એકર જગ્યામાં 7.61 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યું છે. તો બીજા તબકકામાં રામવન થીમ આધારીત સ્કલ્પચર તથા બ્યુટીફીકેશનનું કામ કરાયું છે. 1.61 કરોડના ખર્ચે આ સ્કલ્પચર અને બ્યુટીફીકેશન કરવામાં આવ્યા છે. જે કામ પૂર્ણ થયા છે.

તાજેતરમાં કમિશ્નર અમિત અરોરા, મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સહિતના તંત્રવાહકોએ રામવન સાઇટની વિઝીટ લીધી હતી. હવે છેલ્લા તબકકાનું  કામ પણ પૂર્ણ થઇ ગયું છે. આ લોકાર્પણ માટે અગાઉ વડાપ્રધાન વર્ચ્યુઅલ જોડાઇ તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તહેવારમાં જ લોકોને આ ભેંટ મળી જાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે.સાતમ-આઠમની રજાઓમાં મેળા ઉપરાંત આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક, ન્યારી ડેમ સહિતના ફરવાના સ્થળો સાથે રામવન ફરવાની મજા પણ લોકો માણી શકશે.

આ જગ્યાએ વિશાળ મુખ્ય ગેટ તીર સાથેનો બનાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજીની જીવંત જેવી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જટાયુ દ્વાર, વનવાસ સહિતના પ્રસંગો, ચાખડી, સંજીવની પહાડ, રામ રાજયાભિષેક, સોફા ટાઇપ કલાત્મક બેંચ, રેલીંગ, ગઝેબો, પુલ, યોગાસન સહિતના સ્કલ્પચર આકર્ષવાના છે.
કુલ 1.92 લાખ ચો.મી. જગ્યામાં 3.4 કિલોમીટરના વિશાળ રસ્તા તૈયાર થઇ ગયા છે. ર4પ0 મીટરની કમ્પાઉન્ડ વોલ અંદર બે મોટા તળાવ છે. કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. રામસેતુ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ, એમ્ફી થિયેટર, રાશીવન, સોલાર લાઇટ વગેરે સાથે પીકનીક પોઇન્ટ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ લોકોને થવાનો છે.