TP શાખાની નબળી કામગીરીથી રાજકોટ વાસીઓ હેરાન પરેશાન : ગાંધીનગરમાં રાવ
રાજકોટ, તા. 27
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ નવાજૂની ના એંધાણ થઈ રહ્યા છે કારણ કે મહત્વનું એ છે કે મ્યુનિસિપલ કમિશનર એક માસની રજા પર ઉતરી ગયા છે અને હજુ સુધી તેનો ચાર્જ સોપાનો નથી ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા બાંધકામને લઈને જે નવા નિયમો નિયમલ વાળી કરવાનો આદેશ પ્રસિદ્ધ કર્યો તે બાદ અનેકવિધ ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી છે ત્યારે મહાનગરપાલિકાના જાણકાર વર્તુળોમાં એ વાત ચર્ચા રહી છે કે તેઓ એક માસની રજા પરથી જ્યારે પરત આવશે ત્યારે તેમની બદલી પણ થઈ શકે. હાલ મ્યુનિસિપલ કમિશનર ની સાથોસાથ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગના અધિકારી ને બદલવામાં આવે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે. ટીપી વિભાગની કામગીરી અંગે જો વાત કરવામાં આવે તો હાલ છેલ્લા ઘણા સમયથી અનેકવિધ પ્લાન મંજૂર કરવામાં આવ્યા નથી એટલું જ નહીં ઘણા ખરા પ્લાનને બીયુ સર્ટિફિકેટ પણ મળ્યું નથી જેથી છેલ્લા છ થી સાત મહિના ના સમયગાળામાં અનેક પ્રોજેક્ટ ખોરંભે ચડી ગયા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને જ કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પ્રક્રિયામાં બદલાવ કરવાનું નિર્ણય લીધો અને આવતા ની સાથે જ વિવિધ વિભાગોમાં આંતરિક બદલી કરી જે કામગીરી માં પણ જે બદલાવ કર્યો તેનાથી ઘણા ખરા લોકો અને અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ હાલ ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી માં જે રીતે બદલાવ થયો છે તેને જોતા એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હાલ મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ વિભાગના કામગીરીના પગલે બિલ્ડરોને ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં અનેકવિધ યોજનાઓ હેઠળ જે પ્લાન મૂકવામાં આવેલા તેને પણ હજુ સુધી મંજૂર કરવામાં આવ્યા નથી.
જો આ સ્થિતિ યથાવત આગામી એક કે બે માસ સુધી જોવા મળી તો ઘણા ખરા અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે એટલું જ નહીં રાજકોટનો વિકાસ પણ અટકી જાય તો નવાઈ નહીં. પ્રોજેકટની કામગીરી કરવી, જુદા જુદા વિકાસ કામનું મોનીટરીંગ કરવું કે ગેરકાયદે બાંધકામોની માથાકૂટવાળી ફરિયાદો સાંભળવી તે પ્રશ્ન ઉભો થયો છે. મનપાના તમામ વિભાગો ત્રણ ડે.કમિશ્નર હેઠળ ફાળવવામાં આવે છે. આ અધિકારીઓએ પણ ગેરકાયદે બાંધકામની ફરિયાદોના હિયરીંગ કરવા પડે છે. અંતે આ વેરવિખેર થઇ ગયેલા વિભાગની સાચી અને કરવાની થતી કામગીરી પણ કોઇ કરતું નથી. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પારદર્શક વ્યવહાર લાવવા માટેના આ પગલા લેવામાં આવ્યા પરંતુ જ્યારે કામ જ ન થાય તો પારદર્શકતા ક્યાંથી આવે તે પણ સૌથી મોટો પ્રશ્ન હાલ લોકોને સતાવી રહ્યો છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર સુધી આ અંગેની ફરિયાદો ઉઠવા પામી છે અને જે વાતની ગંભીરતાને ધ્યાને લેતા હાલ જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર એક માસ બાદ કદાચ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ અધિકારી ની બદલી કરી નાખવામાં આવે તો નવાઈ નહીં બીજી તરફ હાલ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આગામી સમયમાં યોજાશે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર આ બાબતે નિર્ણય લે તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે.
