કેસર કેરીની તાલાલા ગીરમાં આજે સત્તાવાર રીતે મેંગો માર્કેટ યાર્ડમાં એન્ટ્રી થઇ

0
171

કેસર કેરીના રસિયાઓ માટે આજે એક સારા સંચાર સામે આવ્યા છે, જેમાં ગીરની મીઠી મધુર અને વિશ્વવિખ્યાત કેસર કેરીની આજે તાલાલા ગીરમા સત્તાવાર રીતે મેંગો માર્કેટ યાર્ડમાં એન્ટ્રી થઈ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ત્રણ ગણી કેરીની આવક થતા કેરીના રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે તાલાલા મેંગો માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાના ખેતરમાંથી 10 કિલોના પેકિંગમાં કેરીના બોક્સ લાવી રહ્યા હતા. જ્યારે પ્રથમ દિવસે 10 હજાર જેટલા કેરીના બોક્સની આવક થઈ છે.

ગત વર્ષે 3500 બોક્સ પ્રથમ દિવસે આવ્યા હતા. તેની સરખામણીએ આ વખતે ત્રણ ગણા બોક્સ પ્રથમ દિવસે જ યાર્ડમાં પહોંચ્યા છે. જેના કારણે કેરીનો ભાવ આજે 400થી લઈ અને 800 રૂપિયા સુધીની હરરાજીમાં બોલાયા હતા. મેંગો માર્કેટ યાર્ડ ખાતે ભારે માત્રામાં ખેડૂતો પોતાની કેરીનું વેચાણ કરવા પહોંચ્યા હતા.

જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેરીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રથમ કેરીનું બોક્સ ₹21,000માં ગૌશાળાની સેવા માટે અર્પણ કરાયું હતું, ત્યારબાદ 400થી લઈ અને એક હજાર રૂપિયા સુધીની હરાજી શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો પોતાને વ્યાજબી ભાવ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ કેસર કેરીની જો આ જ રીતે બમ્પર આવક યાર્ડમાં ચાલુ રહેશે તો વિદેશમાં પણ વધુ માત્રામાં નિકાસની સંભાવનાઓ નિષ્ણાતો જોઈ રહ્યા છે.