રાજકોટ ગ્રામ્યમાં મતદાન સ્થળે રોપા વિતરણ, વૃક્ષારોપણ તેમજ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ

0
361

રાજકોટ ગ્રામ્યમાં મતદાન સ્થળે રોપા વિતરણ, વૃક્ષારોપણ તેમજ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ

જસદણમાં પોલિંગ બૂથ રંગોળી સહિત રંગબેરંગી સુશોભન, પોલિંગ સ્ટાફ અવનવા પોષાકમાં આવ્યો

લોકશાહીના અવસરસમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ બનાવાયેલા નવીન પ્રકારના બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રાજકોટ તાલુકા મામલતદારશ્રી કે.કે.કરમટાએ જણાવ્યું હતું કે, ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ રામનગર ખાતે તૈયાર કરાયેલા ઈકોફ્રેન્ડલી બૂથ ખાતે ‘પ્રદૂષણ હટાવો, પર્યાવરણ બચાવો’ના સૂત્ર સાથે પર્યાવરણને બચાવવા માટે અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મતદારોને સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટ દ્વારા વૃક્ષારોપણ તથા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાનના આ પાવન પ્રસંગે અનેક મતદારોએ મતદાન કરીને વૃક્ષારોપણ કર્યું હતું તથા અનેક મતદારો રોપાઓ વાવવા માટે ઘરે લઈ ગયા હતા.

આ ઉપરાંત, ૭૧–રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના મુંજકા ગામ ખાતે તૈયાર રજવાડી મોડેલ મતદાન મથક ખાતે મંડપ બાંધીને મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ત્રી-પુરુષ માટે અલગથી વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો. મેડિકલ હેલ્થ માટે ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મતદારોને બી.પી. અને ડાયાબીટીસ સહિતના ચેકઅપ કરી આપવામાં આવ્યા હતા. સ્ત્રી-પુરુષના જુદાં-જુદાં ટોયલેટ તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સુશોભીત મતદાર સહાયતા કેન્દ્ર દ્વારા મહત્તમ પ્રમાણમાં મતદારો મતદાન કરે, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વધુમાં, ૭૨ – જસદણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલના નેજા હેઠળ મતદાન મથકને વિવિધ રંગોથી સજાવવામાં આવ્યું હતું. મતદાન સ્ટાફે વિશેષ પોષાક પહેર્યો હતો. તેમજ મતદાન મથક ઉપર ચૂંટણી અને લોકશાહી પ્રત્યે લોકોની રૂચિ વધે અને લોકોમાં ઉત્સાહપૂર્વક મતદાનમાં રસ લેતા થાય તેવા પોસ્ટર અને બેનર લગાડવામાં આવ્યા હતા. આમ, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.