પ્રેમ પ્રકરણમાં બે મિત્ર પર ગુપ્તીથી હુમલો ;હત્યા કરનારા સગીરને ૩ વર્ષ માટે બાળ રિમાન્ડ હોમમાં રાખવા આદેશ

0
271

પ્રેમિકાને નવા પ્રેમી સાથે ભગાડવામાં મદદ કરવાની શંકા રાખી બે મિત્ર પર ગુપ્તીથી હુમલો કરી એકની હત્યા કરનારા સગીરને દોષિત ઠેરવી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ ડી. એ. જાદવે ૩ વર્ષ માટે બાળ રિમાન્ડ હોમમાં રાખવા આદેશ કર્યો હતો.
પૂર્વ વિસ્તારમાં સગીર રાકેશને રાગિણી સાથે પ્રેમસંબંધ હતો. થોડા સમય પછી રાગિણી રાકેશ સાથે સંબંધ તોડી નાખી, નવા પ્રેમી વિનય સાથે ભાગી ગઇ હતી. સગીર રાકેશને મિત્ર રાજુએ કહ્યું હતું કે, મેં રાગિણીને તેના પ્રેમી સાથે જોઇ હતી. આ વાત સાંભળી રાકેશને મિત્ર રાજુ અને દિલીપ પર શંકા ગઇ હતી કે, રાગિણીને ભગાડવામાં તેમનો હાથ છે. આ શંકાના કારણે રાકેશે મિત્ર રાજુ સાથે ૨૩ જૂન ૨૦૧૩ના રોજ ઝઘડો કર્યો હતો અને એ દિવસે સાંજે રાકેશ અને તેના બે મિત્રે રાજુ અને દિલીપ સાથે ફરી ઝઘડો કરી ગુપ્તી વડે રાજુ અને દિલીપ પર હુમલો કર્યો હતો, જેમાં રાજુનું મોત નીપજ્યું હતું અને દિલીપને ઇજા થઈ હતી. આ કેસમાં સગીર રાકેશ વિરુદ્ધ પોલીસે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ચાર્જશીટ કર્યું હતું.
સરકારી વકીલ એ.કે.તિવારીએ ૧૪ સાક્ષી અને ૯ દસ્તાવેજી પુરાવા તપાસી સગીર રાકેશ વિરુદ્ધ ગુનો પુરવાર કર્યો હતો. સરકાર તરફે એવી દલીલ કરાઇ હતી કે, સગીરે માત્ર શંકાના આધારે ગુપ્તીથી કરેલા હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. સમાજમાં દાખલો બેસે માટે સગીરને ખાસ રિમાન્ડ હોમમાં રાખવાનો આદેશ કરવો જોઇએ.