ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા રાજય સરકારનો નવતર પ્રયોગ “ખેડૂતોને મળશે દેશી ગાયની સહાય”

0
505

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા રાજય સરકારનો નવતર પ્રયોગ “ખેડૂતોને મળશે દેશી ગાયની સહાય”

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

એક દેશી ગાય દ્વારા ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શકય

હાલના પર્યાવરણીય સંકટના સમયમાં દુનિયા ભારત અને તેની પ્રાચીન તથા સકારાત્મક પરીણામલક્ષી સંસ્કૃતિ તરફ મીટ માંડી રહયું છે. ત્યારે આપણી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ આ દિશામાં એક આગવું પ્રદાન બની રહી છે.

ગુજરાત રાજ્ય અત્યારે દેશ અને દુનિયા માટે એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના કૃષિ, સહકાર, બાગાયત,પશુપાલન અને મસ્ત્ય ઉધોગ વિભાગનું આગવું પ્રદાન મહત્વપૂર્ણ બની રહયું છે. અમુલ ઙેરી સમગ્ર વિશ્વમાં સહકારી પ્રવૃતિ માટે દિવાદાંડી સમાન બની રહયું છે. પશુપાલન, મત્સ્ય ઉછેર, ખેત ઉત્પાદનમાં મુલ્યવર્ધન અને અવનવા પ્રયોગો થકી અનેક આયામો સિદ્ધ કર્યા છે.

કેન્દ્ર અને રાજય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને આર્થિક તથા સમાજીક ઉન્નતિ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. હાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તથા ખેતરમાં પણ રાસાયણીક ખાતર અને જંતુ નાશકોનો ઉપયોગ દ્વારા ઉત્પાદિત પાકથી લોકોના સ્વાસ્થ્ય ઉપર ઘાતક અસર થાય છે. આથી લોકોને ઓર્ગેનિક અને સ્વચ્છ તથા સ્વસ્થ ખેત ઉત્પાદન મળે, જમીનની ફળદ્રુપતા વધે, જમીનના ક્ષારને ઘટાડવા ઉપરાંત પાણીના વપરાશને ઘટાડવા અને જમીનને નજીવા ખર્ચે વધુ ઉપજાઉ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી એક માત્ર વિકલ્પ છે. સરકારશ્રી દ્વારા લોકોમાં પ્રાકૃતિક ખેતીનો અભિગમ વધે તે માટે વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય અથવા ગીર ગાયનું ગૌમૂત્ર, ગોબર માંથી તૈયાર કરેલ જીવામૃત/ઘન જીવામૃત ઉપયોગ કરીને જમીન તૈયાર કરવી, ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપીને વાવેતર કરવામાં આવે છે આ માટે ખેડુત પાસે દેશી ગાય હોવી જરૂરી છે. રાજ્યસરકાર દ્વારા હવે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી પ્રોજેક્ટ આત્મા (એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી) અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને પશુ ઉછેર કેન્દ્ર ખાતેથી દેશી ગાય ફાળવવામાં આવશે.

આ અંગે વધુ વિગતો આપતાં નાયબ પ્રોજેકટ ડાયરેકટરશ્રી નસીતભાઇએ જણાવ્યું છે કે જે ખેડૂતો પાસે દેશી ગાય ન હોઈ અને પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોઈ તેવા ખેડૂતોએ સંબંધીત વિસ્તારમાં આવેલ પશુ ઉછેર કેન્દ્ર ખાતેથી દેશી ગાય માટે સંપર્ક કરી ગાયની પસંદગી કરી તેને મેળવવા માટે સંબંધીત જિલ્લામાં પ્રોજેકટ ડાયરેકટર આત્માને સાદા કાગળ પર અરજી લખી સાથે સાધનીક કાગળો જેવા કે ૭/૧૨, ૮/અ અને આધારકાર્ડની નકલ સાથે કચેરી ખાતેથી બાંહેધરી પત્ર મેળવી તેમાં વિગતો ભરી પ્રાજેકટ ડાયરેકટર આત્માની કચેરી ખાતે આપવાની રહે છે.

હાલમાં શરૂ થયેલી આ યોજના થકી વધુમાં વધુ લોકો લાભ લઇ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કરે તે માટે શ્રી એચ. ડી. વાદી પ્રોજેકટ ડાયરેકટર આત્મા રાજકોટની યાદીમાં જણાવાયું છે. આ અંગે વધુ માહિતી મેળવવા ખેડૂત તાલીમ કેન્દ્ર, આત્મા પ્રોજેકટ, બજરંગ વાડી કોર્નર, જામનગર રોડ સ્થિત કચેરીનો રૂબરૂ સંર્પક કરવો.