સુરતમાં આવક વેરા વિભાગનું 35 થી પણ વધુ સ્થળોએ સુપર સર્ચ ઓપરેશન;બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના

0
215

સુરતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ ૩૫ થી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.જેથી ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ ઉપર ઉતરેલી તવાઇ થી ડાયમંડ નગરીમાં સન્નાટો છવાયો છે.રહેણાંક અને કામકાજના સ્થળો સહિતની ઓફિસમાં દરોડા પાડવામાં આવતાં અંતેમોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના હાલ સેવવામાં આવી રહી છે.
સુરતમાં ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્વેલર્સ સહિત બિલ્ડરોને ત્યાં કુલ ૩૫થી વધુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પારલે પોઈન્ટ સ્થિત કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સને ત્યાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી આ કામગીરી વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના જાણીતા કાંતિ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ ખાતે પણ બે સ્થળો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રોના મતે 100 જેટલા અધિકારીઓ અલગ અલગ ટીમ બનાવીને કામે લાગ્યા છે.