રેલવે સામાન ચોરી પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : ટ્રેનમાંથી થતી સામાન ચોરી પર વળતર ન મળી શકે

0
306

ટ્રેનમા મુસાફરી વખતે માલ-સામાન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને માટે રેલવે પાસેથી કેસ કરીને વળતર માગી શકાય કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે રેલવેને રાહત આપતો મોટો નિર્ણય આપ્યો છે, જે અંતર્ગત જો તમારો કોઇ સામાન કે પૈસા ચોરાઇ જાય છે તો તેના માટે તમે રેલવેને જવાબદાર ન ઠેરવી શકો, પરંતુ તમારે પોતાના પૈસા અને સામાનનું ધ્યાન રાખવું પડશે.

સામાન ચોરી સંબંધિત એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ મુસાફરના પૈસા ચોરાઈ જાય છે, તો તેને રેલ્વે સેવાઓમાં ઉણપ તરીકે ન ગણી શકાય પરંતુ મુસાફરોએ જાતે તેમના માલ-સામાનનું ધ્યાન રાખવું જોઈએ. બેન્ચના જણાવ્યા અનુસાર, જો ટ્રેનમાં કોઈ સામાનની ચોરી થઈ રહી છે તો તેને કોઈ પણ રીતે રેલવે સેવાઓમાં ઉણપ ન ગણી શકાય. જો યાત્રી પોતાના સામાનની સુરક્ષા જાતે ન કરી શકે તો તેના માટે રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં. અમે એ નથી સમજી શકતા કે જ્યારે યાત્રીઓ પોતાના સામાનની સુરક્ષા નથી કરી શકતા તો રેલવે તરફથી સેવાઓમાં ઉણપ કેવી રીતે આવી શકે છે.

સુરેન્દ્ર ભોલા નામના ઉદ્યોગપતિ 27 એપ્રિલ, 2005ના રોજ કાશી વિશ્વનાથ એક્સપ્રેસ દ્વારા નવી દિલ્હી જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની પાસે 1 લાખ રૂપિયા હતા જે તેઓ કમરની આસપાસ પટ્ટે બાંધીને સુઈ ગયા હતા પરંતુ 28 એપ્રિલે જ્યારે તે જાગ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનું ખિસ્સું કપાઈ ગયું છે અને કોઈએ તેમના 1 લાખ રુપિયા ચોરી લીધા હતા. આ પછી તેમણે રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ લખાવી હતી અને ગ્રાહક ફોરમમાં પણ ફરિયાદ કરી હતી. ગ્રાહક ફોરમે તેમની તરફેણમાં ચુકાદો આપીને રેલવેને 1 લાખનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. જોકે રેલવેએ ફોરમના ચુકાદાને પડકારતાં સુપ્રીમે હવે તેમની તરફેણમાં ચુકાદો આપીને ફોરમનો આદેશ ઉથલાવી દીધો હતો.