સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થયું હતું. આ ઘટનામાં એક કર્મચારી ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વડોદ વિસ્તારમાં રહેતા ઇન્દ્રજીત સાદુલાલ સિંગ (ઉ.૪૩) મિલમાં નોકરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે તેઓ ઘરે જમવા ગયા હતા અને જમીને પાંડેસરા જીઆઇડીસી સ્થિત અંબાજી ડાઇંગ મિલમાં નોકરી પર પરત આવી રહ્યા હતા.
આ દરમ્યાન મિલની બહાર ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં તેઓના શરીર પર ઓઈલ પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ બુમો પાડતા મિલમાં ગયા હતા જ્યાં સાથી કર્મચારીઓ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે.
બ્લાસ્ટની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે આ દરમ્યાન મિલના કર્મચારીઓએ જ આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
રાવેનકુમારએ જણાવ્યું હતું કે મારો મોટો ભાઇ અંબાજી ડાઈંગ પ્રિન્ટીંગ મિલમાં કામ કરે છે. બપોરે તેઓ ઘરે જમવા ગયા હતા અને જમીને પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થયું હતું. જેને લઈને તેઓના શરીર પર ઓઇલ પડ્યું હતું. અને તેઓના શરીર પર આગ લાગી ગયી હતી. તેઓ દોડીને મિલમાં ગયા હતા જ્યાંથી તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહી તેઓની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.