સુરત: બ્રીજ અને રોડ વચ્ચે બસ લટકી પડી, 26 મુસાફરોનો આબાદ બચાવ

0
2053

સુરતના મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જતા રહી ગઈ. મુસાફરોથી ભરેલી ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ અને નિર્માણાધીન બ્રીજના સ્લેબ વચ્ચે ફસાઈ ગઈ હતી જેને કારણે બસ નાળામાં ખાબકતા બચી ગઈ હતી. બસમાં 26 મુસાફરો સવાર હતા, તમામને સહીસલામત બાહર કાઢવામાં આવ્યા હતા. બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

મળતી માહિતી મુજબ બસમાં સવાર તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે. મુસાફરો ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે સુરત પસે રસ્તામાં બસને અકસ્માત નડ્યો હતો. ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. સદભાગ્યે બસ નિર્માણાધીન બ્રિજના સ્લેબ અને રોડ વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને કારણે તમામા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

બે મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. બસને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.