સુરતમાં સ્ટંટબાજો બેફામ, પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ જીપના બોનેટ પર ઊભા રહી વીડિયો બનાવ્યો

0
1677

અમદાવાદમાં તથ્યકાંડ બાદ પોલીસ સફાળી જાગી અને હાઈવે પર સ્ટંટ કરનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ આ સ્ટંટબાજ નબીરાઓમાં જાણે કાયદો અને પોલીસનો ડર હોય જ નહીં તેમ સોશિયલ મીડિયામાં રિલ્સ બની રહ્યાં છે. સુરત શહેરમાં વાહનો પર સ્ટંટની હોડ લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના સરથાણા વિસ્તારનો એક વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. આ વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક જીપના બોનેટ પર ઉભો રહીને સિગારેટ ફૂંકી રહ્યો છે જ્યારે બીજો જીપ હંકારી રહ્યો છે. આ મામલે પોલીસે જીપના માલિક અને બોનેટ પર ઊભેલા યુવકની અટકાયત કરી છે અને જીપચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સરથાણા વિસ્તારમાં ‘બાજની ઉડાન ઓલી ચકલીઓ શું ભરે, માર્કેટમાં આવી તો કેટલી નોટો ફરે” આ ગીત પર યુવકનો જીપ સાથેનો સ્ટંટ સામે આવ્યો છે. જીપના બોનેટ ઉપર ઊભા રહી યુવાન જોખમી રીતે સ્ટંટનો વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયો ત્રણ માસ જૂનો હોવાનું કહેવામાં આવે છે, જે હાલમાં વાઇરલ થયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જીપ નંબરના આધારે જીપના માલિક જૈમીન સવાણી અને બોનેટ ઉપર ઊભેલો તેનો મિત્ર ધવલ ડાભીની અટકાયત કરી છે. પરંતુ જીપ ચલાવનાર યુવક હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી જેની તપાસ પોલીસ કરી રહી છે.