રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, કોર્ટણી ટીપ્પણી બાદ નગર પાલિકાઓ અને પાલિકાઓ એક્શનમાં આવી છે છતા પણ હજુ સ્થિતિ જેની તે જ જોવા મળી રહી છે. ત્યારે વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર ખાતે મહાદેવના ભક્તો દુર દુરથી દર્શનાર્થે આવતાં હોય છે. ત્યારે સોમનાથ મંદિરની નજીક આવેલી ચા ની લારી પાસે ઉભેલા પ્રવાસી દંપતીને ઢોરે ઢીકે ચડાવી અડફેટે લઈ પાંચેક ફુટ સુધી ઢસડી ઉલાળ્યાં હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રવાસી મહિલા ઈજાગ્રસ્ત બનતા તેને એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ સામે આવી છે. તો યાત્રાધામ સોમનાથ મંદિર પરીસર આસપાસ ખુટીયાઓનો કાયમી ત્રાસ હોવા અને અનેક વખત પ્રવાસીઓને ઢીકે ચડાવ્યાંની ઘટના બની હોવા છતાં જવાબદાર તંત્ર ઠોસ કાર્યવાહી ન કરતું હોવાથી પ્રવાસીઓ સાથે સ્થાનીક લોકોમાં રોષ પ્રવર્તેલો છે.
દરરોજ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ પ્રથમ જ્યોતિલિંગ એવી સોમનાથ મંદિર ખાતે આવી રહ્યાં છે. ત્યારે અહીં મંદિર પરીસરની આસપાસના રસ્તા ઉપર પડ્યા પાથર્યા રહેતા રખડતા ઢોરો અને ખુટીયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ગઈકાલે બપોરના સમયે સોમનાથ મંદિર નજીક આવેલી એક ચા ની લારી પાસે ઉભેલા બહારગામના પ્રવાસી દંપતીને રસ્તા ઉપર લડાઈ કરી રહેલા બે ઢોરોએ અચાનક ધસીએ આવીને ઢીકે ચડાવ્યાં બાદ મહિલાને પાંચેક ફુટ સુધી ઢસડીને ઉલાળીયો કર્યો હતો. જ્યારે તેમની સાથે રહેલા પુરૂષ બાજુની તરફ પડી ગયા હતા.
અત્રે નોંધનીય છે કે, ઘણા સમયથી સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં પડ્યા પાથર્યા રહેતા રખડતા ઢોરો અને ખુટીયાઓ અનેકવાર પ્રવાસીઓને અડફેટે લીધાની ઘટનાઓ છાશવારે બની રહી છે. તેમાં છતાં જવાબદાર તંત્ર ઢોરોનો ત્રાસ દુર કરવા બાબતે કોઈ જાતની ઠોસ કાર્યવાહી ન કરતું હોવાથી પ્રવાસીઓ અને સ્થાનીક લોકોમાં રોષ પ્રવર્તયો છે. ત્યારે સોમનાથ મંદિર આસપાસ ઢોરોનો ત્રાસ કાયમી માટે દુર થાય તે માટે ખાસ મુહિમ ચલાવવી જોઈએ તેવી લાગણી અને માંગણી લોકો વ્યક્ત કરી રહ્યાં છે.