કપાતરનો ક્રુર અંત: જનની સામે નજર બગાડનારા નરાધમને સગા ભાઇએ જ પતાવી દીધો અને કાદવમાં દાટી દીધો!

0
267

(દર્શનસિંહ જાડેજા દ્વારા)
રાજકોટ તા.23
આજના આ યુગમાં ગુનાખોરીના એવા એવા કિસ્સાઓ બને છે કે જે જાણી વાંચીને લોકો ચોંકી જતાં હોય છે. કોઇએ કલ્પના પણ કરી ન હોય એ રીતે ગુનેગારો ગુનાને અંજામ આપતાં હોય છે. બે દિવસ પહેલા પૈસા માટે સગા બાપનું દિકરાએ ઢીમ ઢાળી દીધું હતું તો એક કિસ્સામાં રત્નકલાકાર મિત્રને મિત્રોએ જ મારીને લાશ દાટી દીધી હતી. સોૈરાષ્ટ્રમાં બનતી આવી ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેમાં એક યુવાનને સગા ભાઇએ બેરહેમીથી ગમછાથી ગળાટૂંપો દઇ હત્યા કરી લાશને કાદમાં દાટી દીધાની ઘટના સામે આવી છે. હત્યાનો ભોગ બનનાર યુવાન વતન બિહારમાં સગી જનેતાની આબરૂ લૂંટવા પ્રયાસ કરતો હોવાથી તેને ભાઇએ રહેંસી નાંખ્યાનો પર્દાફાશ મોરબી તાલુકા પોલીસે કરી હત્યારા ભાઇને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. સગી મા-જનની સામે નજર બગાડનારા કપાતરનો ક્રુર અંત ભાઇએ જ આણ્યો હોવાની વાતે મોરબી પંથક સહિત સોૈરાષ્ટ્રમાં ચકચાર મચાવી દીધી છે.
ચોંકાવનારી અને વિચારતા કરી મુકે તેવી આ ઘટનાની વિગતો પર નજર કરીએ. મોરબી તાલુકાના ચાંચાપર ગામ નજીક વોકળામાંથી યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે, ચોંકાવનારી બાબત તો એ છે કે સગી મા જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરનાર યુવાનને તેના જ સગાભાઈએ ગમછા (કપડા)થી ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. આ હત્યાના બનાવ સમય હાજર હત્યારાના મિત્રની ફરિયાદને આધારે હાલ મોરબી તાલુકા પોલીસે મૂળ બિહારના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હત્યારાએ મિત્રને પણ ધમકી આપી હતી કે જો તું કોઇને વાત કરીશ તો તારા હાલ પણ આવા કરી નાંખીશ. જેથી તે કંઇ બોલ્યો નહોતો. પરંતુ પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો હતો.
વધુ માહિતી મુજબ ચાંચાપર ગામની સીમના વોકળામાંથી યુવાનની લાશ મળી આવતા બાતમીદારો અને ટેકનિકલ સોર્સને કામે લગાડી પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને યુવાનની ઓળખ મેળવી તપાસ કરતા આ મૃતક યુવાનની તેના જ સગા ભાઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે હત્યારાના મિત્ર એવા રાજેશ ઉમેશપ્રસાદ પાંડે (રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ વૈભવ પોલીવીવ કારખાનામાં થોરાળા ગામની સીમ)ની ફરિયાદને આધારે આનંદ અશોક મીશ્રા (રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમ) વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આરોપી અને ફરિયાદીની પુછતાછ થતાં પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. હત્યાનું કારણ જાણીને પોલીસ અધિકારીઓ સહિત સોૈ કોઇ ચોંકી ગયા હતાં. ફરિયાદી એવા હત્યારાના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનેલો રાજન મિશ્રા બિહારનો વતની છે અને રાજેશ તેમજ આનંદ મિશ્રા સાથે કામ કરતા હોઇ થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં સાથે રહેતા હતા. આ અગાઉ જ્યારે આનંદને ઇજાઓ થતા રાજેશ તેની સાથે બિહાર ગયો ત્યારે આનંદના પિતાએ કહ્યું હતું કે તારો ભાઇ રાજન મિશ્રા ચોરી ચપાટી કરે છે તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી ચુક્યો છે. આ વાત આનંદે મનમાં રાખી લીધી હતી અને સગી જનેતા સાથે ભાઇ રાજન ખરાબ કૃત્યનો પ્રયાસ કરે છે તે વાત જાણી પોતે સમસમી ગયો હતો.
દરમિયાન હત્યાનો ભોગ બનનાર રાજન મિશ્રા થોરાળા કામ કરવા આવ્યા બાદ ભાઇ આનંદને તેના પર પહેલેથી જ ગુસ્સો હોઇ તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું. એ દરમિયાન 18 જાન્યુઆરીના રોજ રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચાપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતી વખતે આનંદે રસ્તામાં વોંકળામાં જ બેસીને જમી લેવાનું કહ્યું હતું. આથી રાજન, રાજેશ અને આનંદ ત્રણેય વોંકળામાં ગયા હતાં અને ચીકન ખાવાની શરૂઆત કરી હતી. એ દરમિયાન અચાનક જ આનંદ મિશ્રાએ સગા ભાઈ એવા રાજનને સફેદ ગમચા વડે ગળેટૂંપો આપી વોકળામા ભરેલા પાણીમા મૃતદેહને ડુબાડી પગથી કાદવમાં દાટી દીધો હતો. હત્યાની આ ઘટના સમયે રાજેશે મિત્ર આનંદને આવું ન કરવા સમજાવ્યો હતો પરંતુ આનંદે જો કોઈને આ વાત કહીશ તો તારા હાલ પણ આવા કરીશ એમ કહી ચૂપ રહેવા ધમકી આપી કશું જ બન્યું ન હોય તેમ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને રાજન ચિકન લેવા ગયા બાદ ગુમ થઈ ગયો હોવાનું કહી અન્ય લોકો સાથે મળી રાજનને શોધવા પણ ગયો હોવાનું પોલીસ સમક્ષ રાજેશે જણાવ્યું હતું.
આમ વોંકળાના કાદવમાંથી મળેલી લાશનો ભેદ મોરબી ચાલુકા પોલીસે કલાકોમાં ઉકેલી નાંખી હત્યારા ભાઇને પકડી લીધો હતો. હત્યા પાછળ જે ચોંકાવનારું કારણ બહાર આવ્યું તે જાણી સોૈ કોઇ વિચારમાંમુકાઇ ગયા હતાં. હત્યાની ઘટનાઓ તો અવાર-નવાર બનતી રહેતી હોય છે અને તેમાં કારણો પણ અલગ અલગ હોય છે. પરંતુ અમુક ઘટનાઓમાં સામે આવતાં કારણો ખળભળાટ મચાવી દેતાં હોય છે.
મોરબી તાલુકાની આ ઘટનામાં પણ આવુ જ થયું છે.