રિક્ષાચાલક નીચોવાઇ ગયો, વ્યાજખોરની ચૂંગાલમાં રોડે રોડ થઇ ગામ મુક્યું તો’ય પીછો ન મૂક્યો

0
362

બેડીપરાના યુવાને ધંધો ન હોઇ કટકે કટકે ચાલીસ હજાર લીધા, એકાવન ચુકવ્યા છતાં ત્રણ લાખ માંગી ધમકી: રોજીરોટી જેના થકી રળતો એ રિક્ષા ભંગારના ભાવે વેંચાવી વ્યાજ વસુલ્યું: તો’ય ધરાયો નહિ અને ચેકમાં મોટી રકમ લખી રિટર્ન કરાવી કેસ ઠપકાર્યો

રાજકોટ
વ્યાજંકવાદને સો દિવસમાં નાબૂદ કરી દેવાના ધ્યેય સાથે રાજ્યભરમાં સરકારે જે ઝુંબેશ આદરી છે તે કાબીલેદાદ છે. આ ઝુંબેશને કારણે રાજ્યભરની પોલીસ કે જે વ્યાજખોરીના કિસ્સામાં મોટે ભાગે માત્ર અરજી લઇ ગુના ન નોંધી જે તે વ્યાજખોરને બોલાવી તેની સાથે સેટીંગ કરી લઇ રીબાયેલા વ્યાજખોરને માત્ર આશ્ર્વાસન રૂપી બે પાંચ શબ્દો કરી રવાના કરી દેતી હતી એ પોલીસ આજે સામાન્ય અરજીમાં પણ ધડાધડ વ્યાજખોરીના ગુના દાખલ કરી રીબાયેલા, દુબાયેલા, ફસાયેલા લોકોને મદદ કરી રહી છે. રાજ્યભરમાં વ્યાજખોરોની કમ્મર તોડી નાખવાની ઝુંબેશ ચાલી રહી છે. આમ છતાં અનેક એવા લોકો છે જે વ્યાજખોરોની ધમકીને કારણે ફરિયાદ નોંધાવવા આગળ આવતાં હોતાં નથી. જે આવે છે તેની દાસ્તાન એટલી દર્દીલી હોય છે કે તે જાણીને લોકો વ્યાજખોરો પર થુ થુ કરવા માંડે છે. ખૂદખોરો હદ વટાવી દેતાં હોવાના કિસ્સા સામે આવે છે. રાજકોટના એક યુવાને ચાલીસ હજારની સામે એકાવન હજાર ભર્યા તો પણ ત્રણ લાખ વ્યાજ માંગી હેરાન કરતાં તે ગામ મુકવા મજબૂર થયો હતો. તેની રોજીરોટીના સાધન એવી રિક્ષાને ભંગારના ભાવે વેંચાવી દઇને પણ વ્યાજ વસુલાયુ હતું. થાકેલા હારેલા આ યુવાને હવે પોલીસનું શરણું લીધુ છે.

વ્યાજંકવાદમાં રોડે રોડ થઇ ગયેલા અને ધંધા વગરના બની ગયેલા યુવાનની કથની તેણે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઇઆર થકી જાણી શકાય છે. જે વાંચતા-જાણતા ખબર પડે છે કે વ્યાજખોરો કઇ હદ સુધી જતાં હોય છે. બેડીપરા મુળા ભગતની મેલડીવાળી શેરીમાં ભાડેથી રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં બત્રીસ વર્ષિય દિપક જીવણભાઇ રામાવત ની ફરિયાદ પરથી પારેવડી ચોક અક્ષરધામ કોમ્પલેક્ષ ફ્લેટ નં. 202માં રહેતાં સાગર નારાયણભાઇ વિરૂધ્ધ પોલીસે મનીલેન્ડ એક્ટનો ગુનો દાખલ કર્યો છે. દિપક રામાવતે જણાવ્યું છે કે મારા પિતાજી ગુજરી ગયા છે, માતા મોંઘીબેન રસોડાના કામ કરે છે. મારી પત્નિ સુમન પણ ઘરકામ કરે છે. મારે ત્રણ સંતાન છે. પાંચેક વર્ષ પહેલા મેં સીએનજી રિક્ષા ચલાવતો હોઇ તે ખરાબ થઇ જતાં મિત્ર કાના મગનભાઇ રામાવતને વાત કરી હતી કે રિક્ષા ખરાબ છે અને પૈસાની જરૂર છે. જેથી તેણે કહેલું કે મારા સાળા સાગર પાસેથી તને પૈસા અપાવી શકું.

ત્યાર પછી કાનાએ સાગરને ફોન કરી કહેલું કે મારા મિત્ર દિપકને પૈસાની જરૂર છે તેને તારી પાસે મોકલુ છું. હું સાગરની ઓફિસે ગયો હતો અને 15 હજારની જરૂર છે તેમ કહેતાં સાગરે પોતે વ્યાજનો ધંધો કરતો હોઇ 15ની સામે 13500 આપશે અને 1500 રૂપિયા દસ ટકા વ્યાજ લેખે કાપી લેશે. આથી મેં હા પાડી હતી અને 13500 લીધા હતાં. જેનું વ્યાજ નિયમીત ભરતો હતો. એ પછી મારી સાથે રિક્ષા ચલાવતાં વલ્લભભાઇ કોળીને પૈસાની જરૂર હોઇ મેં તેની ઓળખાણ પણ સાગર સાથે કરાવતાં સાગરે વલ્લભભાઇના સોનાના બુટીયા ગીરવે રાખી 5 હજાર દીધા હતાં.

ત્યારબાદ વલ્લભભાઇ આ રકમ ભરી ન શકતાં સાગરે તેની રકમ પણ મારા ઉપર ચડાવી દીધી હતી અને આકરી ઉઘરાણી ચાલુ કરી હતી. તેણે હવે તારે વલ્લભભાઇના પૈસા પણ દેવા પડશે તેમ કહી ધમકી આપી હતી. ત્યરાબાદ મારે ધંધો ન હોઇ ફરીથી સાગર પાસેથી 20 હજાર 10 ટકા વ્યાજે લીધા હતાં. જેમાંથી 2 હજાર કાપીને મને 18 હજાર જ આપ્યા હતાં. સાગરને અમુક મહિના વ્યાજ ભર્યા પછી મારી હાલત ખરાબ હોઇ ત્રણ માસનું વ્યાજ ચડી ગયું હતુ. તે ઉઘરાણી માટે આવતાં મારી પત્નિ બિમાર હોઇ પૈસા નથી તેમ કહેતાં તેણે ગાળો દીધી હતી અને કાુ઼ હતું કે-હવે તારી રિક્ષા વેંચીને મને વ્યાજ આપી દે. ત્યારબાદ તે બળજબરીથી મારી રિક્ષા લઇ ભાવાગનર રોડ પર ભંગારના ડેલા પર લઇ ગયેલો જ્યાં ભંગારના ભાવે મારી રિક્ષા વેંચાવી 8000 તેણે લઇ લીધા હતાં. આ પછી પણ તેણે વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને મારી પત્નિની હાજરીમાં પણ ગાળો દેતો હતો.

દિપકે આગળ કથની જણાવી હતી કે ચારેક વર્ષ પહેલા સાગરે કહેલું કે તું મને સિક્યુરીટી પેટે ચેક લખી દે. ધમકાવીને મારી પાસે બે કોરા ચેક લઇ ગયો હતો. એ પછી સાગરના ત્રાસથી કંટાળી હું રાજકોટ મુકી સુરેન્દ્રનગર જતો રાો હતો. પાછળથી સાગરે મારા બે ચેકમાં દોઢ દોઢ લાખની રકમ ભરી બેંકમાં નાખી રીટર્ન કરાવ્યા હતાં અને મારા પર ફરિયાદ કરી હતી. સાગર પાસેથી મેં કટકે કટકે કુલ 40 હજાર લીધા હતાં. તેના 51 હજાર ભરપાઇ કરી દીધા છે છતાં વધુ 3 લાખ માંગી હેરાન કરે છે. મારી 1001 નંબરની રિક્ષા પણ તેણે ભંગારમાં વેંચાવી નાખી હોઇ હું ધંધા વગરનો થઇ ગયો હતો. હાલમાં વ્યાજખોરી વિરૂધ્ધ ગુના દાખલ થતાં હોઇ અંતે હું ફરિયાદ કરવા પહોંચ્યો હતો તેમ વધુમાં દિપકે જણાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. બારોટ અને ટીમે એફઆઇઆર દાખલ કરી વ્યાજખોરને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ તો એક માત્ર કિસ્સો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ચાલીસથી વધુ આવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં વ્યાજખોરો મુદ્દલ કરતાં પણ ત્રણ કે ચાર ગણી રકમ વસુલી ચુક્યા હોવા છતાં વધુ ને વધુ વ્યાજ માટે જે તે મજબૂરને કેટલા અને કેવા પરેશાન કરતાં હતાં તેની ઝાંખી હતી.