ભરવાડ પરિણીતા સાથે લગ્નનો આવ્યો બુરો અંજામ: પરિણીતાના પતિ સહિતના શખ્સોએ મળવા બોલાવી યુવાનની હત્યા કરી.

0
40307

ભરવાડ પરિણીતા સાથે લગ્નનો આવ્યો બુરો અંજામ: પરિણીતાના પતિ સહિતના શખ્સોએ મળવા બોલાવી યુવાનની હત્યા કરી.

અનેક વખત ફિલ્મો જોઈને ક્રાઈમના બનાવો બનતા હોય છે રાજકોટમાં પણ એવો જ એક બનાવ સામે આવ્યો છે.રાજકોટના તરધડીમાં રહેતા અને છુટક મજુરી કરતા અનુજાતિના યુવકની ભરવાડ પરણીતા સાથે આંખ મળી જતા બન્ને ભાગી ગયા હતા. અને બાદમાં પરત પણ આવી ગયા હતા. જેનો ખાર રાખીને ભરવાડ પરણીતાના પતિ સહિતના શખ્સોઓ પુર્વયોજીત કાવતરુ કરી યુવકને ગવરીદળ ગામે મળવા બોલાવી ઠંડાકલેજે હત્યા કરી હતી.હત્યા  બાદ લાશને પોતાના જ વાડામાં દાટી દીધી હતી. 14 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો પોલીસે કોલ ડિટેલના આધારે ભેદ ઉકેલી નાખી યુવકને,ફોન કરનાર યુવતિ અને બન્ને હત્યારાઓની ધરપકડ કર્યા બાદ આગવીઢબે પુછપરછ કરતા લાશ જે સ્થળે દાટી હતી તે બતાવ્યું હતું.પોલીસે લાશનો કબ્જો કરી આરોપીઓ સામે ખુનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ પડધરીના તરધડી ગામે રહેતા અને છુટક મજુરી કામ કરતા જયંતિભાઈ ઘેલાભાઈ ગોહેલ ઉ.વ.51એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તરધડી ગામે જ રહેતા શૈલેશ ઉર્ફે કાળુ લક્ષ્મણ ઝાપડા તેનો ભાઈ સાગર લક્ષ્મણ ઝાપડા અને કુવાડવા રહેતી મધુબેન હેમાભાઈ ગોહેલનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો પુત્ર ગૌતમ ઉ.વ.23 ગત તા. 14-11-22થી ભેદી સંજોગોમાં લાપતા થયાની પડધરી પોલીસ મથકમાં જાહેરાત કરવામાં આવી હતી. ગુમશુદા યુવાનની ભાળ મેળવવા પડધરીના પીએસઆઈ એમ.એચ. યાદવ સહિતના સ્ટાફે તેની કોલ ડિટેલ પર તપાસ શરૂ કરી હતી.
કોલ ડિટેલ પરથી પોલીસને મહત્વની કડી મળી હતી જેમાં ગૌતમને છેલ્લો ફોન કુવાડવા રહેતી મધુ ગોહેલનો આવ્યો હતો. પોલીસે મધુ ગોહેલની અટકાયત કરી આગવીઢબે પુછપરછ કરતા ચોકાવનારી હકીકતો બહાર આવી હતી. મધુ ગોહેલે પોતાના પ્રેમી સાગર ઝાપડાના કહેવાથી જ ગૌતમને ફોન કરી મળવા માટે ગવરીદળ બોલાવ્યો હતો.
14 તારીખે ગૌતમ મધુને મળવા માટે ગવરીદળ પહોંચ્યો ત્યારે અગાઉથી જ બન્ને આરોપીઓ શૈલેષ ઝાપડા અને સાગર ઝાપડાએ ગૌતમને માથામાં પાઈપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યાર બાદ લાશને વાહનમાં નાખી બન્ને આરોપીઓ પોતાના ઘરે લઈ ગયા હતા.
ગૌતમના મૃતદેહને બન્ને ભરવાડ શખ્સોએ ઢોર બાંધવાના વાડામાં જેસીબીની મદદથી ખાડો કરી લાશ દાટી દીધી હતી અને જાણે કશુ જ બન્યું ન હોય તે રીતે બન્ને શખ્સો વર્તન કરવા લાગ્યા હતા. જો કે, કોલ ડિટેઈલના આધારે મધુની પુછપરછમાં તમામ હકીકતો બહાર આવતા પોલીસે ભરવાડ શખ્સોની પણ ધરપકડ કરી દીધી છે.
પોલીસની તપાસમાં ગૌતમ ગોહેલને આરોપી શૈલેષ ઝાપડાની પત્ની સાથે પ્રેમ સબંધ હોય બન્ને 2020માં ભાગી ગયા હતા. ત્યાર બાદ બન્ને પરત પણ આવી ગયા હતા. જેનો ખાર રાખીને ગૌતમનું પુર્વયોજિત કાવતરું યોજી હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.