આજે જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરાયું

0
369

ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.
આ ટ્રેનને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તરફના રેલવે ટ્રેક ઉપર 100 ઉપરની સ્પીડથી ટ્રેનને દોડાવીને સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે તકલીફ જોવા મળી નહોતી.


વંદે ભારત ટ્રેન જામનગરથી ઉપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે.
વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉપડીને રાજકોટમાં રોકાશે અને તે પછી માત્ર 5 કલાકમાં ટ્રેન જામનગર પહોંચાડી દેશે. આ રૂટ પર જો ટ્રેનને ટ્રાફિક મળ્યો તો વંદે ભારત ટ્રેનની ફ્રિકવન્સી વડોદરા સુધી પણ વધારવામાં આવી શકે છે.