૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ ભાયાવદર નગરપાલિકાના આશરે ૨૬ લાખના વિકાસ કામો મંજુર થયા

0
361

૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ ભાયાવદર નગરપાલિકાના આશરે ૨૬ લાખના વિકાસ કામો મંજુર થયા

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજ્ય સરકાર નાના મોટા તમામ નગરોમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કાર્યરત છે. જે અન્વયે તાજેતરમાં મળેલી જીલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિકેન્દ્રિત જીલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ભાયાવદર નગરપાલિકા અંતર્ગત ૧૫% વિવેકાધીન નગરપાલિકા જોગવાઈ અંતર્ગત આશરે રૂ. ૨૬ લાખના વિકાસ કામો મંજુર કરવામાં આવેલ છે.

જે અંતર્ગત કન્યા તાલુકા શાળામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ, અન્ડરગ્રાઉન્ડ ૧ લાખ લીટર ક્ષમતાના પીવાના પાણીના ટાંકાનું અને ધોબીતળ પ્રાથમિક શાળામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ, અન્ડરગ્રાઉન્ડ ૫૦,૦૦૦ લીટર ક્ષમતાના પીવાના પાણીના ટાંકા તેમજ પાણીના બોરનું કામ કૂલ ૯.૫ લાખના ખર્ચે કરવામાં આવશે.

વધુમાં મેઘાણી પુસ્તકાલય ગ્રાઉન્ડમાં તથા કુમાર તાલુકાશાળામાં અન્ડરગ્રાઉન્ડ ૧ લાખ લીટર ક્ષમતાના પીવાના પાણીના ટાંકા બનાવવાનું કામ અંદાજીત કૂલ ૭ લાખના ખર્ચે કરવાનું આયોજન છે. ખારીનેશ તેમજ હોળીધાર વિસ્તારમાં ૫૦૦૦ લીટરની ક્ષમતાના પાણીના ટાંકા, પાઈપલાઈન અને ઇલેક્ટ્રિક રૂમો બનાવાનું કામ કુલ ૫ લાખના ખર્ચે કરવામાં આવશે.

આ ઉપરાંત ખોડીયાર સોસાયટી અને રાજપૂત સમાજ પાસે આવેલ આંગણવાડીના ગ્રાઉન્ડમાં પેવર બ્લોકનું કામ આશરે ૩.૭૫ લાખના ખર્ચે, જીનમિલ વિસ્તારમાં ફૂલવાડી મેઈન રોડ વિસ્તાર તેમજ મોડીયા શેરી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનનું કામ ૦.૮ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ કામોનું અમલીકરણ ચીફ ઓફિસરશ્રી, ભાયાવદર દ્વારા કરવામાં આવશે તેમ જિલ્લા આયોજન કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.