સૌરાષ્ટ્ર તમિલ સંગમ – વેરાવળ રેલવે સ્ટેશને કરાયું કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીનું ભવ્ય સ્વાગત

0
163

ગીર સોમનાથ ખાતે આજે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં આજે ૩૦૦થી વધારે તમિલ બંધુઓ-ભગિનીઓ વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે ટ્રેનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રીશ્રી પિયુષ ગોયલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ તમિલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ ગીત તો તમે સાંભળ્યું જ હશે “આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન” આ ગીતના શરણાઈના શૂરો સાથે તમિલ બંધુઓને આવકારવામાં આવ્યા હતાં. ત્યારબાદ યાત્રિકોનું ફૂલ હાર અને ઢોલ નગારાનાં તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ યાત્રિકો પણ પણ ઢોલ નગારાના નાદે નાચી ઊઠ્યા હતા અને સમગ્ર પ્લેટફોર્મ પરઉત્સવમય વાતાવરણ સર્જાઈ ગયું હતું.
ચેન્નઈથી આવેલા જયંતીજીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશી-તમિલ સંગમના આયોજનથી કાશી અને તમિલ વચ્ચેના સંબંધો મજબૂત કર્યા તેવી જ રીતે સૌરાષ્ટ્ર તમિલ સંગમથી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના લોકોને પોતાની પૈતૃક ભૂમિ સાથે જોડવાનું ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. અમારી આ સમગ્ર મુસાફરી એ.સી.કોચમાં સાથે જમવા-રહેવા સહિતની બીજી ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી છે એ માટે અમે મોદી સાહેબના ખૂબ જ આભારી છીએ.
આ પ્રસંગે સાંસદશ્રી રાજેશ ચુડાસમા, તાલાળા ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, કોડીનાર ધારાસભ્યશ્રી પ્રદ્યુમન વાજા, જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ/ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.