રાજકોટ સહીત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં પડ્યો કમોસમી વરસાદ : ખેડૂતોમાં ચિંતા

0
8786

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, અમરેલી, કચ્છ-ભુજ અને જૂનાગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે.

રાજકોટમાં આજે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે, બપોર બાદ જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. જોતજોતામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધર્મેન્દ્ર રોડ પર તો નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે પવનને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મનપાના સત્તાવાર આંકડા મુજબ એક કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઇસ્ટ ઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.

કચ્છમાં આજ સવારથી ફરી વરસાદી વાતવરણ છવાઈ જવા પામ્યું છે. આજે પશ્વિમ વિભાગના નખત્રાણા, માંડવી અને લખપત તાલુકામાં બપોરના સમયે ભારે વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાના કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે.  જૂનાગઢમાં પણ અચાનક જ વરસાદ પડવાથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતાં થયાં હતાં. સાબલપુર ચોકડી, ઝાંઝરડા ચોકડી, દાણાપીઠ, કાળવા ચોક, સક્કરબાગ, સરદારબાગ સહિતમાં કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી કમોસમી વરસાદની સ્થિતિ છે. ખેડૂતો માટે વરસાદ કહેર બનીને આવ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં માવઠુ થયુ, જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. સૌરાષ્ટ્રથી માંડીને ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.