વિરાટ કોહલીએ ODIમાં ૪૫મી સદી ફટકારી! સચિનના રેકોર્ડની બરાબરી કરતો કોહલી

0
517

ક્રિકેટમાં આજે પણ સચિનને મહાન ક્રિકેટર તરીકે ઓળખવામાં આવે છે, એમના દ્વારા બનાવવામાં આવેલ રેકોર્ડ ભાગ્યે જ કોઈ ખેલાડીએ બનાવ્યા હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની પહેલી વન-ડે મેચ આસામના ગુવાહાટીમાં આજે રમાઈ છે. શ્રીલંકાને પહેલી વન-ડે જીતવા માટે 374 રનનો ટાર્ગેટ ભારતે આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા છે. ત્યારે વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન ફટકાર્યા હતા. તો રોહિત શર્માએ 67 બોલમાં 83 રન અને શુભમન ગિલે 60 બોલમાં 70 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કસુન રજીથાએ 3 વિકેટ, જ્યારે દિલશાન મદુશંકા, ચમિકા કરુણારત્ને, દાસુન શનાકા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી.

વિરાટ કોહલીએ આજે શ્રીલંકા સામે પહેલી વન-ડે મેચમાં ODIની 45મી સદી ફટકારી હતી. આ સાથે જ ઘરઆંગણે તેમણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિન તેંડુલકરે ઘરઆંગણે 160 ઇનિંગ્સમાં 20 સદી મારી છે. જ્યારે વિરાટ કોહલીએ 99 ઇનિંગ્સમાં જ ઘરઆંગણે 20મી સદી ફટકારી છે. આ પછી સાઉથ આફ્રિકાના હાસિમ અમલાએ 69 ઇનિંગ્સમાં ઘરઆંગણે 14 સદી ફટકારેલી છે. તો ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 151 ઇનિંગ્સમાં 14 સદી મારી છે.

વિરાટ કોહલીએ 45મી વન-ડે સેન્ચુરી ફટકારતા રેકોર્ડ ઉપર રેકોર્ડ બનાવ્યા હતા. તેમણે સચિન તેંડુલકર અને પોતાના જ રેકોર્ડની બરાબરી કરી હતી. એક જ ટીમ સામે વન-ડેમાં સૌથી વધુ સદી મારવાના રેકોર્ડની બરાબરી કરી છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વન-ડેમાં 9 સદી ફટકારી છે. તો તેમણે વેસ્ટઈન્ડિઝ સામે પણ 9 સદી મારી છે. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 9 સદી ફટકારેલી છે. આ પછી રોહિત શર્માએ 8 સદી ઓસ્ટ્રેલિયા સામે મારી છે. તો વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 8 સદી મારી છે. અને સચિન તેંડુલકરે શ્રીલંકા સામે વન-ડેમાં 8 સદી ફટકારી છે. આમ કોહલીએ સચિન તેંડુલકર અને પોતાના રેકોર્ડની બરાબરી કરી અને રોહિત, સચિન અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો પણ હતો.

વિરાટ કોહલીએ આજે 45મી વન-ડે સદી મારી હતી. ત્યારે હવે તેઓ આ લિસ્ટમાં બીજા નંબરે તો છે જ. આ લિસ્ટમાં સચિન તેંડુલકર પહેલા નંબરે છે. તેઓએ વન-ડેમાં 49 સદી ફટકારી છે. ત્યારે હવે કોહલી તેમની બરાબરી કરવામાં માત્ર 4 સદી દૂર છે અને તેમનાથી આગળ નીકળવામાં 5 સદી દૂર છે. જે રીતનું તેમનું ફોર્મ છે, તે જોતા વિરાટ સચિનના આ રેકોર્ડને તોડી લેશે તેવું લાગે છે.