કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વિરાટ તિરંગા યાત્રા:એક લાખથી વધુ મેદની ઉમટી પડશે

0
331

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વિરાટ તિરંગા યાત્રા:એક લાખથી વધુ મેદની ઉમટી પડશે

આઝાદી કા અમૃત મહોત્સવ-હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવતીકાલે તા. 12 ને શુક્રવારના સવારનાં 9 કલાકે  રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધી યોજાનાર આ બે કિલોમીટર લાંબી તિરંગાયાત્રામાં એક લાખથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સવારનાં અમદાવાદથી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સવારના 9 કલાકે બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તિરંગા યાત્રા ફલેગઓફ આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉપરાંત રાજકોટ શહેર જિલ્લાનાં ધારાસભ્યો, સાંસદો, શહેર ભાજપના પ્રમુખ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે.

આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે. યાત્રા શરુ થતાં પૂર્વે સવારનાં 8 થી 9 કલાક સુધી એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમો બહુમાળી ભવન ચોક ખાતે યોજાશે. યાત્રાના માર્ગ પર ઠેર ઠેર ખાસ સ્ટેજ પર રાષ્ટ્રભક્તિને દર્શાવતા ફલોટ-ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ ચારથી પાંચ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે તિરંગા યાત્રામાં એક લાખની જનમેદનીને એકત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ શાળા-કોલેજો, યુનિવર્સિર્ટીઓને ટાર્ગેટ આપી દેવામાં આવેલ હતો. આવતીકાલની આ યાત્રામાં ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ જીઆઈડીસી એસોસિએશન, ઔદ્યોગિક એકમો તેમજ સેવાકીય અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થશે. બહુમાળી ભવન ખાતેથી સવારનાં 9 વાગ્યે યાત્રા પ્રસ્થાન થયા બાદ તે જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ થઇ રાષ્ટ્રીય શાળા ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન થશે.