મેસેજથી ચેતજો : ‘બિલ ભરો નહિતર તમારું વીજ કનેક્શન કપાઈ જશે’ મેસેજમાં મોકલેલી લિંક ખોલતા જ શાપરના કારખાનેદારના રૂ.૨ લાખ ઉપડી ગયા

0
212

‘બિલ ભરો નહિતર તમારું વીજ કનેક્શન કપાઈ જશે’ આવા મેસેજ આવે ત્યારે કોઈ પણ લિંક ખોલવી નહીં. કારણ કે, સાયબર ગઠિયાઓએ છેતરપીંડીનો આ નવો કીમિયો શરૂ કર્યો છે. શાપરના એક કારખાનેદારને આવી લિંક ખોલતા જ રૂ.૨ લાખ ઉપડી ગયા હતા. જે અંગે ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટમાં દોશી હોસ્પિટલ પાછળ માલવીયાનગર, શેરી નં.૪માં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામના ફરિયાદી અર્પીતભાઇ નરેન્દ્રભાઇ સંતોકી (પટેલ) (ઉ.વ.૩૫)એ શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, અમારે એર કંપ્રેશરનું મેન્યુફેકચરીંગનું નરેન્દ્ર બ્રધર્સ નામનું કારખાનુ કાંગશીયાળી ગામની સીમમાં સ્કોડાના શો-રૂમની પાછળ આવેલ છે.
જે હું તથા મારા પિતા નરેન્દ્રભાઇ ચલાવીએ છીએ. આશરે ચારેક મહીના પહેલા મેં મારા કારખાનાનું રૂ.૨,૦૦૦ નુ ઇલેક્ટ્રીસીટી બીલ મારા પેટીએમ એકાઉન્ટમાંથી પીજીવીસીએલની સાઇડ ઉપર જઇને ભરેલ. બાદ ફેબ્રુઆરી ૨૦૨૩ માં મારા કારખાનાનાનું બિલ રૂ.૧૦,૩૯૬ આવ્યું હતુ. તેમાં મેં અગાઉ રૂ.૨,૦૦૦ બીલ ભરી દિધેલ હોય તે પણ ઉમેરાઇને આવેલ પરંતુ હું મારા કામમાં રોકાયેલ હોય જેથી મેં પીજીવીસીએલ કચેરીએ વેરીફાય કરેલ નહિ. બાદ ગઇ તા.૧૯/૦૨/૨૦૨૩ ના બપોરના પોણા ચારેક વાગ્યે હુ મારા કારખાને હતો ત્યારે મારા મોબાઇલમાં એક ટેક્સટ મેસેજ આવેલ જે મેસેજમાં લખ્યું હતું કે, “વ્હાલા ગ્રાહક મિત્ર તમારૂ અગાઉનુ ઇલે ક્ટ્રીસીટી બીલ ભરાયેલ નથી જેથી આજે રાત્રે ૦૯.૩૦ વાગ્યે તમારો ઇલેક્ટ્રીક પાવર કપાય જશે
જેથી તમે અમારા ઇલે. ટી.સી. ઓફીસરનો સંપર્ક કરજો” સાથે એક મોબાઈલ નંબર પણ મેસેજમાં લખેલ હતા. મેં અગાઉ રૂ.૨,૦૦૦ બીલ ભરપાઇ કરી દિધેલ હોય તેમ છતા પછીના બીલમાં તે રૂ.૨,૦૦૦ ઉમેરાઇને આવેલ હોય જેથી મે અગાઉ ભરેલ બીલ ભરપાઇ થયેલ નહીં હોય તેવુ મને લાગતા મે આ એ અવેલ મેસેજમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરતા તે હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા અને તેઓએ મને કહેલ કે, તમારો ગ્રાહક નંબર આપો. જેથી મેં તેઓને મારો ગ્રાહક નંબર જણાવેલ. જેથી તેઓએ કહેલ કે હા તમારો ગ્રાહક નંબર બરાબર છે. તમારૂ અગાઉ ભરેલ બીલ જમા થયેલ નથી. જેથી હું તમને લીંક મોકલુ તેમા તમે રૂ.૨૦નું ટ્રાન્જેકશન કરો. જેથી તમારૂં ટ્રાન્જેકશન આઇ.ડી.ની ચકાસણી થઇ શકે
તેમ કહી તેણે મારા મોબાઇલ નંબ2મા ટેક્સ્ટ મેસેજમાં લીંક મોકલતા તે લીંક મેં ઓપન કરી તે લીંકમાં નેટ બેંકીંગ દ્વારા મારા યુનિયન બેંક એકાઉન્ટમાંથી રૂ.૨૦ મોકલતા તેણે મને જણાવેલ કે, તમે મોકલેલ રૂપિયા મને મળેલ નથી. જેથી તેમેં હજુ બીજી વાર રૂ.૨૦ મોકલો આ બધા રૂપીયા તમારા બીલમાં જમા થઇ જશે તેમ કહેતા મેં બીજીવાર પણ ઉપર જણાવેલ વિગતે મોકલેલ. ત્યારે પણ તે ફોન ઉપર વાત કરતી વ્યક્તિએ કહેલ કે તમારૂ આ પેમેન્ટ પણ મને મળેલ નથી. હવે તમે ગુગલ પ્લે સ્ટોરમાંથી ઇલેક્ટ્રીક ક્વીક સપોર્ટ નામની એપ્લીકેસન ડાઉનલોડ કરી તમારા આઇ.ડી. નંબર મને આપો
તેમ કહેતા મે મારા મોબાઇલ ફોનમાં ઉપરોક્ત એપ્લીકેસન ડાઉનલોડ કરી મારા આઇ.ડી. નંબર તેને આપતા મારા મોબાઇલ ફોનમાં બે ત્રણ ટેક્સ્ટ મેસેજ આવેલ જે મે જોતા તેમા રૂ.૯૯,૯૯૫ તથા રૂ.૯૯,૯૯૫ રૂપિયા મારા ખાતામાંથી કપાયા અંગે યુનિયન બેંકમાથી મેસેજ આવેલ હતો. જેથી આ મારી સાથે ફોનમાં વાત કરનાર વ્યક્તિએ મારી સાથે ફ્રોડ કરેલનું લાગતા, ડાઉનલોડ કરાવેલ એપ્લીકેસન જોતા તે ટીમ વ્યુવર નામની એપ્લીકેસન હોય જેથી મેં તે એપ્લીકેશન તુરંત જ બંધ કરી એપ્લીકેશન અનઇસ્ટોલ કરી દીધી હતી. તે ફોન ઉપર વાત કરતી વ્યક્તિને મેં કહેલ મારા ખાતામાંથી રૂપિયા કેમ કપાયેલ છે. જેથી તેઓએ મને કહેલ કે તમે ફરીવાર એપ્લીકેશન ચાલુ કરો તો હું જોઇ આપુ
જેથી મે તે વ્યક્તિને તેમ કરવાની ના પાડી અને ફોન કાપી નાખેલ અને ત્યારબાદ મેં થોડીવાર બાદ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ નંબર ઉપર ફોન કરી અને આ બધી વિગત જણાવેલ બાદ મેં આ ૧૯૩૦ માં આ મારી સાથે થયેલ ફ્રોડની ફરીયાદ કરતા જે મારી ફરીયાદ અંગે શાપર પોલીસ તપાસ કરતા હતા અને પોલીસે આ મારી ફરીયાદ અરજી બાબતે ફરીયાદ આપવા બોલાવતા હું તથા મારા કુટુંબી ભાઇ વિપુલભાઇ બાવનજીભાઇ વૈષ્સનાની તથા મારા કાકા મનોજભાઇ સવજીભાઇ સંતોકી સાથે પોલીસ ફરીયાદ કરવા શાપર પોલીસ મથકે ગયા હતા.આ સાયબર ફ્રોડ અંગે શાપર પોલીસ મથકના પીએસઆઈ એસ.જે. રાણાના માર્ગદર્શનમાં એએસઆઇ એચ.આર. જાડેજાએ ફરિયાદ નોંધી છે. વધુ તપાસ પીઆઈ મહેશકુમાર સંગાણાને સોંપવામાં આવી છે.