હવામાન વિભાગની આગાહી ; આ તારીખ બાદ પડી શકે છે અતિભારે વરસાદ

0
1958

ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી રહી છે. રાજ્યમાં માત્ર 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ 37.09 % વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48% ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 17મી ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાશે અને આગામી ગુરુવારથી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડી પર 17 ઓગસ્ટ, બુધવાર સુધીમાં લો પ્રેશર સર્જાશે. જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેથી ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે અને અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,પંચમહાલ,ખેડામાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે અને અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ તેમજ શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.