પાવાગઢ ડુંગર પર લીફ્ટની વ્યવસ્થા કરવાનું આયોજન કરતું યાત્રાધામ વિકાસ બોર્ડ:ફક્ત 40 સેકડન્સમાં માતાના દર્શને પહોંચી શકાશે

0
284

પાવાગઢ ડુંગર પર લીફ્ટની વ્યવસ્થા કરવાનું આયોજન કરતું યાત્રાધામ વિકાસ બોર્ડ:ફક્ત 40 સેકડન્સમાં માતાના દર્શને પહોંચી શકાશે

પાવાગઢ ડુંગર પર ચડી માતાના દર્શન કરવા માટે ભક્તોને મુશ્કેલી પડતી હોય છે. રોપવે બાદ પણ અમુક પગથિયા ચડવા પડે છે જેથી તાજેતરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ પાવાગઢ ડુંગર પર એક લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.બાજુમાં આવેલા ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.
યાત્રાધામ વિભાગ દ્વારા બનાવાઈ રહેલી આ લિફ્ટ જરૂરિયાતમંદ લોકો, જેવાં કે મહિલા, બાળકો, વૃદ્ધો ઉપયોગ કરી શકે એ માટેની પ્રાથમિક વિચારણા છે. આ લિફ્ટનો ઉપયોગ કરવાનો ચાર્જ પણ લઘુતમ અથવા તો નજીવો રાખવામાં આવે એવી વિચારણા હાલ ચાલી રહી છે. ત્યારે મંદિર સાથે સંકળાયેલા તથા ધાર્મિક આગેવાનો નિ:શુલ્ક લિફ્ટનો ઉપયોગ કરી શકાય એવી રજૂઆત સરકારને કરી રહ્યા છે.
આ અંગે માર્ગ મકાન અને યાત્રાધામ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે પાવાગઢ મહાકાળી મંદિરની સમગ્ર કાયાપલટ કરી નવો નજારો તૈયાર કરવામાં આવશે. ડુંગરની ઉપર જ મંદિરનો વ્યાપ વધારવામાં આવશે,સાથે જ જ્યાં મંદિર છે એની બાજુમાં 210 ફૂટનો ડુંગર છે. એ ડુંગરને કાપીને તેમજ એમાં ખોદકામ કરીને લિફ્ટ બનાવવાનું આયોજન છે. લિફટમાંથી શ્રદ્ધાળુઓ સીધા જ મંદિરે પહોંચે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ પાવાગઢ મંદિર ખાતે 350 પગથિયાં સુધી જ રોપ વે કાર્યરત છે ત્યારે ફેઝ-૩નું કાર્ય કરીને મંદિર સુધી રોપ વેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુમાં આવેલા અન્ય બે ડુંગર પર હેલિપેડની સુવિધા, વોક વેની સુવિધા પણ કરવામાં આવશે.
હાલ પાવાગઢ ખાતે માંચીથી પ્રથમ 350 પગથિયાં સુધી રોપ વે સુવિધા ઉપલબ્ધ છે, જેને કારણે યાત્રિકો માત્ર 7.5 મિનિટમાં જ 350 પગથિયાં સુધીનું અંતર કાપીને દૂધિયા તળાવ સુધી પહોંચે છે. ત્યાર બાદ યાત્રિકોને મંદિર સુધી પહોંચવામાં બીજા 350 પગથિયાં ચડીને જવું પડતું હતું, પણ પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ-3ની શરૂઆત કરી દેવામાં આવી છે, જેને કારણે બાકીનાં 350 પગથિયાં પણ રોપવે દ્વારા જ કાપી શકાય એવી સુધિવા ઉપલબ્ધ થશે. હાલ આ માટે મટીરિયલ રોપવે શરૂ કરીને પ્રાથમિક કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નીચેથી ઉપર સુધી કુલ 700 પગથિયાંનું અંતર માત્ર 15 મિનિટમાં કાપી શકાશે. આમ, માત્ર માંચીથી 15 મિનિટમાં જ યાત્રિકોને મંદિર પરિસર સુધી પહોંચી શકાય એ પ્રકારનું આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ કરી રહ્યું છે.