રાજકોટમાં સતત બીજા દિવસે હાર્ટએટેકથી યુવકનું મૃત્યુ

0
318

યુવાનોમાં હૃદયરોગનો હુમલો આવવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં સતત બીજા દિવસે હાર્ટએટેકથી યુવકનું મૃત્યુ થયું હતું. અમીનમાર્ગ પાસેની જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિનભાઇ ચંદ્રકાંતભાઇ મણિયાર (ઉ.વ.૪૬) રાત્રે પોતાના ઘરે સૂતા બાદ વહેલી સવારે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સચિનભાઇ ત્રિકોણબાગ પાસે સત્યમ ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ ધરાવતા હતા અને સત્યમ ફાઉન્ડેશન નામે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અમિત વસંતભાઇ ચૌહાણ (ઉ.વ.૩૬)નું મંગળવારે લગ્નમાં દાંડિયારાસ રમ્યા બાદ ઘરે પહોંચ્યા ત્યારે હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.