પોલીસ કામગીરીનો ભોગ બનનાર દીકરીએ લખ્યો ધારાસભ્યને પત્ર : પોલીસની અંગ્રેજશાહી બાબતે આક્ષેપો કરી આબરુની ધૂળ-ધાણી કરનાર સામે પગલા ભરવા પાયલે ધારાસભ્ય વેકરિયાને લખ્યો સનસનાટીભર્યો પત્ર
રાજકોટ મિરર, તા.5
અમરેલીની દીકરીએ ન્યાયની માંગ સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયાને પત્ર લખી, પોલીસની જોરજુલ્મી પર પ્રકાશ ફેંક્યો છે. દીકરી પાયલ ગોતીએ પોતાના ગામ વિઠ્ઠલપૂરમાં પત્રકારોને પોતાના પત્ર અને પોલીસની અંગ્રેજશાહીની સીલસીલાબધ વિગતો આપી હતી. પોતે હજુ અપરણિત છે, સમાજને કેમ મોઢું બતાવીશ ? મારી આબરૂૂ શું ? વિગેરે પ્રશ્નો કરતો પત્ર લખી ધારાસભ્ય વેકરીયા પાસે ખોળો પાથરી ન્યાય માંગી, કસુરવારો સામે પગલાં ભરવાની માંગ કરી છે. અત્રે એ કહેવું છે કે, પત્રમાં કરાયેલા તમામ આક્ષેપો બાબતે જો ઊંડી તપાસ થાય તો કસુરવારોને શિક્ષાત્મક કાર્યવાહીનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
પત્રમાં લખાયેલી વિગતો પર નજર કરીએ તો પાયલ ગોટીએ કહ્યું હતું કે, ગયા શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સુઈ ગયા પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઉઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું તેમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા હતા. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારા મમ્મી પપ્પાને સાચવવા આવ્યા હતા અને મેં ગુન્હો કર્યો જ નથી. જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરીયાને વિનંતી ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી.
પાયલે વધુમાં લખ્યું છે કે, ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછેરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદરક્ષકો દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે. રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે. સાથીદારોને દંડા મારી, મને ભયભીત કરવામાં આવી. ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે. મને બેસાડીને બેરહેમીથી પટ્ટા મારવામાં આવે. જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી ક્ધયાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટનાથી મને તથા સમગ્ર ગુજરાતની ગરિમાની ભારે મોટી ઠેસ પહોંચી છે.અત્રે એ પણ નોંધનીય છે કે, તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરીયાની બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલમાંથી બહાર આવ્યા બાદ આજે 5 જાન્યુઆરીએ પોતાના વતન એવા વિઠ્ઠલપુર ગામે મીડિયા સમક્ષ પોલીસ તંત્ર સામે આક્ષેપોની જડી વરસાવી હતી.
