ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર કલાર્કની એક્ઝામ વિવાદ મામલે ગુજરાત યુનિવર્સીટીનું નિવેદન: “આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય”
રાજકોટ મિરર, તા.24
અમદાવાદમાં મ્યુનીસીપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે હવે ગુજરાત યુનિવર્સીટીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં ઓએસડીએ જણાવ્યું કે, ફક્ત ગણતરીનાં લોકોનાં વિરોધના અને ખોટા આક્ષેપોને કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ. આ અંગે જીયુપીઈસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે પણ તેમણે માહિતી આપી હતી.
અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ શાળામાં આજે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેરરીતિ થયા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ કર્યો હતો. આ હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં ડો. ધર્મેન્દ્ર ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ફક્ત ગણતરીનાં લોકોનાં વિરોધના અને ખોટા આક્ષેપોને કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ.
ડો ધર્મેન્દ્ર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે એક્ઝામિનેશન કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે, જે મુજબ આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુન: નહીં લેવાય. અન્ય એક સેન્ટરમાં જ્યાં ઓએમઆર શીટ બદલાઈ હતી, ત્યાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફક્ત આજ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીનાં કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નથી. જીયુપીઈસીનાં નેજા હેઠળની અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી.