આતો કોને કહેવું : સિટી બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ પર]

4 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા તો પણ અકલ ન આવી ઠેકાણે

રાજકોટ મિરર તા.18-04-2025

શું, તેમને રાજકોટના નાગરિકોને બસ હેઠળ કચડી નાંખવાનો અધિકાર દેવાનો છે ?

મી.કમિશ્નર,મેયર,સ્ટેન્ડીંગ ચેરમેન તમે નિષ્ફળ જઇ રહયા છો,આવા હડતાળિયા ડ્રાઇવરોને અત્યારે જ સસ્પેન્ડ કરી દયો.

સિટી બસ સેવા કરતાં શહેરીજનોની જીંદગીનું મૂલ્ય વધુ છે.

રાજકોટ હવે વાલા રામાનો બગીચો થઇ ગયો છે. ચોરી ઉપર સિનાજોરી કરવી એ આ શહેરના લોકોની અને ખાસ કરી દાધારીંગા લોકોની અને સમુહની તાસીર બની રહી છે. બુધવારે રાજકોટમાં ચાર ચાર માનવ જીંદગીને બસ નીચે કચડી નાંખવામાં આવી તે અંગે સહાનાભુતિના બે ચાર શબ્દો બોલવા કમિશ્નર કે પદાધિકારીઓ સામે ન આવ્યા. પરંતુ લોકોનું નાક દબાવવું હોય તેમ ઇલેકટ્રિક બસના ડ્રાઇવરો આજે શુક્રવારે સામુહિક રીતે હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેમનો સીધો અર્થ એ થયો કે એ રાજકોટની જનતાનું નાક દબાવવા માંગે છે. ડ્રાઇવરોના આ સમુહનો દોરીસંચાર કોણ કરે છે ? એ તો તાત્કાલીક ખબર નહિ પડે. પણ ડ્રાઇવરોએ જે રસ્તો લીધો છે તે ધમકીસ્વરૂપ છે. રાજકોટની જનતા વતિ કહેવું પડે કે તમારે હડતાલ ઉપર ઉતરવું હોય તો ઉતરો.પણ લોકોના ખૂન કરવાની અમે તમને પરવાનગી નહિ આપીએ. ચાહે સિટી બસ સેવા બંધ કેમ ન કરવી પડે.

મી.મ્યુ.કમિશ્નર,મેયર,સ્ટેન્ડીંગ ચેરમેન સિટી બસના ડ્રાઇવરે ચાર ચાર જીંદગીઓને છીનવી લીધી તેનો ઘાવ હજુ તાજો છે. ત્યાં જ અનુશાસનહિન ડ્રાઇવરોએ હડતાલનું શસ્ત્ર ઉગામી લોકોના ઘાવ ઉપર મીઠું ભભરાવ્યુ છે. એટલું જ નહિ આપ સર્વ સ્ન્માનિય અધિકારીઓ અને પદાધિકારીઓનો સિસ્ટમ ઉપર કોઇ કાબુ નથી રહયો એવું પણ ફલિત થાય છે. શું ડ્રાઇવરો અકસ્માત સર્જે અને લોકોના જીવ લ્યે એવી બેદરકારી ચલાવી લેવાની? આ સમયે લોકોને સહાનુભૂતિના અને સેન્સ ઓફ રિગ્રેટના બે શબ્દોની જરૂર હતી. લોકોના મૃત્યુ પછી દુશ્મનો પણ પુષ્પ અર્પણ કરે છે. અહિં તો મોતનો પણ મલાજો પાડવામાં આવતો નથી. આટલું નબળુ તંત્ર રાજકોટમાં કયારેય જોયુ નથી. આટલા નબળા અધિકારી અને પદાધિકારી રાજકોટે કયારેય જોયા નથી. રાજકોટે પ્રજા પ્રેમી આઇએએસ જગદીશનને રાજકોટના મ્યુ.કમિશ્નર તરીકે જોયા અને અનુભવ્યા છે. આજે તેઓ નિવૃત થઇ ગયા છે અને તાજેતરમાં જ રાજકોટ આવ્યા ત્યારે રાજકોટના મિડિયા અને રાજકોટના શ્રેષ્ઠીઓએ તેમને જે માન અને પ્રેમ આપ્યો તે તેમના પ્રજાલક્ષી પ્રેમનો ઉપહાર હતો. રાજકોટે સુધીરકુમાર સિંહા અને પી.કે. દતા જેવા સન્નીષ્ઠ આઇપીએસનો અનુભવ કર્યો છે. જેમને લોકો આજે પણ પ્રેમ અને માન આપે છે.

પ્રજાલક્ષી સેવાઓમા પૈસો જ પરમેશ્વર નથી હોતો. લોકોની લાગણીનો પડઘો પણ વહિવટમાં પડવો જોઇએ. ભારતિય જનતાપક્ષની નેતાગીરીનો આ સૌથી સડિયલ તબકકો ચાલે છે. ચીમનભાઇ શુકલ જયારે રાજકોટનું સુકાન સંભાળતાં હતાં ત્યારે અધિકારી હોય કે પદાધિકારી.તમામ તેમની લક્ષ્મણ રેખામાં રહેતાં હતાં.

આજે ભાજપમાં આ નેતાગીરીનો શૂન્યવકાશ જોવા મળે છે. લોકો અંદરથી ખુબ નારાજ જણાય છે. કોઇ આદમકદ નેતા આવી સ્થીતિમાં બાગડોર નથી સંભાળી શકયા. નરેન્દ્રભાઇના નામે ભાજપના પથરા તરે છે. જો આજે હડડતાલ ઉપર ઉતરેલા ડ્રાઇવરોને જરા પણ મચક આપવામાં આવશે તો એ પ્રજાદ્રોહ હશે. સૌ પ્રથમ તો નોટિસ આપ્યા વગર હડતાલ ઉપર ઉતરેલા ડ્રાઇવર અને કોન્ટ્રાકટરને સસ્પેન્ડ કરી દેવા જોઇએ. આ માટે હંગામી ધોરણે સિટી બસ સેવા બંધ કરવા પડે તો પણ શહેરીજનો સહન કરી લેશે. પણ ડ્રાઇવરોની મનમાની કે સામુહિક દાદાગીરીને રાજકોટવાસીઓ સહન નહી કરે. નેતાઓ અને અધિકારીઓએ પણ આ વાત કાન ખોલીને સાંભળી લેવી પડશે. તેને ઉચિત પ્રતિસાદ આપવો પડશે. ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરવાનો આ સમય નથી. પણ રાજકોટની પ્રજાના હિતમા કોઇ પણ પગલાં લેશો તો રાજકોટની જનતા તમારી છે અને તમારી પડખે જ રહેશે. જો તમે તેમની પડખે રહેશો તો જ.

આ લેખ લખાઇ રહયો હતો ત્યારે શહેરીજનોના ફોન આવવા શરૂ થયા છે. તેમની મુખ્ય ફરિયાદ એ હતી કે આવું તે કેમ ચાલે ? શું તંત્રવાહકોની કોઇ ફરજ નથી. આટલી નબળી નેતાગીરી રાજકોટે કયારેય નથી જોઇ.આટલી અરાજકતાં રાજકોટે કયારેય અનુભવી નથી.એક સમયનું સુંદર,શાંત,રહેવા લાયક રળિયામણું રાજકોટ આ કયા માર્ગે જઇ રહયુ છે.ખુન,લૂંટ,મારા મારી,નશાખોરી અને હવે તંત્રની અરાજકતા વચ્ચે નેતાઓ શું કરે છે.ચાર ચાર માણસનોની જીંદગી હણાય અને તેની સજા પણ રાજકોટની જનતાને ભોગવવી પડે એ તે કયાંનો ન્યાય?

સુનીલ જોશી (બિટવીન ધ લાઇન્સ)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:12 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm