એક જ દે ચિનગારી! પ્રાર્થના થકી આત્મ દીપ પ્રગટાવી જીવન રાહ ઉજાળી એ

ચાલો પ્રાર્થના કરીએ

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શિયાળાની ઋતુ ચાલું થઈ ગઈ છે, પણ પ્રાકૃતિક પ્રદૂષણ ને કારણે દર વખત જેવી ઠંડી હજી પડતી! પરંતુ પહેલાં નો સમય યાદ કરીએ તો બધા શિયાળામાં ઠંડી થી બચવા તાપણું કરતાં, કે સગડી કરતાં અને તાપણું કરતી વખતે એમાં આગ ચાંપવાથી આગ ભભુકી ઉઠે છે એને ચીનગારી કહેવાય છે.કવિ આવી જ કોઈક વાતનો સંદર્ભ આ પ્રાર્થનામાં કરે છે. પ્રાર્થનાનો આ દોર આપણને બધાને નાના બનાવી રહ્યો છે, સૌ કોઈને એ વર્ગ ખંડની યાદમાં ખેંચતો જાય છે, અને આ ઉંમરે પણ દોડાદોડી કરવાનું અને ઉડવાનું મન થઇ જાય છે, પરંતુ સંયમનો પાઠ ભણ્યાં નહીં, એટલે શરીર હવે સાથ એમ ક્યાંથી દેશે! ખેર છોડો.જરાક વિચાર કરીએ કે એવું તે શું થયું કે આ નિખાલસતા ચાલી ગઈ,ને આજે હવે ક્યાંથી એ લાવવી! સમય સમયની વાત છે,તે સમયે બાળપણની કિંમત ન્હોતી, ને અત્યારે એની ઝંખના આંખમાં કાજળ જેમ અંજાઇ ગઈ છે. આમ પણ મોટાઈ જગત ને પચતી નથી,અહીં પંડિત બનવામાં મજા નથી,નાહકના લોકો પરીક્ષા લેશે. ચિંતન કરીએ તો સમજાય કે જીવનમાં ઈશ્વરે શું કમી રાખી હતી! પણ આપણને માણતા આવડતું જ નથી,બસ જાણકારી મેળવવામાં જ સમય પૂરો થઈ જાય છે, અને પછી મારી પાસે ફાજલ સમય જ ક્યાં છે! નું એ જ પુરાનું બહાનું. કોઈ બહુ જ અંગત કે ખાસ મિત્રને મળીએ તો સ્વાભાવિક રીતે આપણે તેના પહેરવેશ વગેરેને જોતા નથી, બસ ગળે વળગાડીને લાગણી વ્યક્ત કરીએ છીએ, એજ રીતે એકવાર જીવનની સમસ્યાનું વધું પડતું વિશ્ર્લેષણ કર્યા વગર, બસ તેને જેમ છે તેમ અપનાવી લઈએ તો, એટલું કષ્ટ નથી પડતું. આગને અડીએ તો બહુ સ્વાભાવિક છે કે ગરમ લાગે કે દાઝી જવાય, પણ એ ગરમ જ છે એ સ્વીકારી એ તો થોડું ઓછું થાય છે, અને આ દરેક સ્ત્રીનો અનુભવ છે. પણ અનલ એટલે કે અગ્નિ કે જે દઝાડવા કરતા જીવનને પ્રકાશિત વધુ કરે છે, એને વિશે જરા જોઈએ સામાન્ય રીતે આપણે જેને ચિનગારી કહીએ છીએ, એવી એક ચિનગારી કે ચિંતા નથી, પણ ચિંતનને કારણે જીવન ઉદ્દેશ્ય સુધી પહોંચવા કે અત્યાર સુધી નથી થયું, એને સરભર કરવા માટે જરૂરી છે, તો આપણે આજે એવી એક ચિનગારીની પ્રાર્થના વીશે વાત કરીશું.
એક જ દે ચીનગારી
એક જ દે ચિનગારી મહાનલ
એક જ દે ચિનગારી…
ચકમક લોઢું ઘસતાં ખરચી જીંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો
ન ફળી મહેનત મારી… મહાનલ.
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી,
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી… મહાનલ.
ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું
માગું એક ચિનગારી… મહાનલ.
આ પ્રાર્થના ના રચયિતા કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટ છે, અને તેનો જન્મ મે 1, 1895 વેકરિયા,સૌરાષ્ટ માં થયો હતો, અને અવસાન માર્ચ 10, 1978મા થયું હતું.તેમના માતા પાર્વતીબેન પિતા પ્રાણશંકર ભટ્ટ છે.તેમણે ત્રણ જગ્યાએ રહી અભ્યાસ પૂર્ણ કર્યો.પ્રાથમિક સાવરકુંડલા,માધ્યમિક ભાવનગર બી. એ. મુંબઈ માં કર્યું, તેમનો વ્યવસાય એક શિક્ષકનો હતો. ખગોળશાસ્ત્રમાં સંશોધન સંપાદન, જીવન ઝરમર અકોલા એટલે કે મહારાષ્ટ્રમાં શિક્ષક તરીકે ફરજ બજાવી, અને અમદાવાદ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં તથા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક હતાં, જ્યારે અમદાવાદ વેધશાળાના નિયામક રહી ચુક્યા હતા. ગુજરાતી દૈનિક સંદેશ સાથે તેઓ જીવનના અંત સુધી સંલગ્ન રહ્યા, અને સંદેશ પંચાંગના સંપાદકનું કાર્ય પણ કર્યું.તેમની મુખ્ય રચનાઓ કાવ્યસંગ્રહો હૃદયરંગ ને જ્યોતિષશાસ્ત્ર, સંદેશ પ્રત્યક્ષ, પંચાંગ, ખગોળ ગણિત છે.
કવિ ચિનગારીની વાત બહુ સુંદર રીતે રજૂ કરે છે,આમ તો ચિનગારી બે પ્રકારની હોય છે એક આત્મ દીપ પ્રગટાવનારી છે, અને જીવન પથ પર અજવાળુ પથરાતા સુંદર જીવન વીતે છે, જ્યારે બીજી ચિનગારી નફરતની છે, તે જો લાગે તો ભલભલાના જીવન દુરસ્ત થતાં વાર લાગતી નથી.કવિ અહીં જીવન જીવવા માટેના પ્રકાશ રુપ ચિનગારીની વાત કરે છે. જીવનની સતત ચાલતી ઘટમાળને સંબંધોની ચકમકમાં જ જીવન આખું ચર્ચાઈ ગયું, પણ જામગરીમાં લાગી ન ચીનગારી, જામગરી એકદમ યથાર્થ શબ્દ પ્રયોજન કર્યું. બહુ ઇમાનદારીપૂર્વક સ્વીકારવું પડશે, કે આ શબ્દના અર્થ વિશે મને પણ ખબર ન્હોતી. જામગરી એટલે તોપના ગોળામાં બારુદ લગાડવાની જગ્યા, એટલે કે એવી વિસ્ફોટક ચીનગારી કે જેનાથી આ તમામ દુર્ગુણ નાશ પામે.હે ઈશ્વર તારી પાસે તો એવી ચીનગારી છે, કે સૂર્યને ચાંદ સતત પ્રજ્વલિત રહી શકે છે, પણ મારી એક સગડી માટે તે કેમ બાકી રાખ્યું ! એટલે જ આ વિપત્તિ ભારે લાગે છે.ભવિષ્ય ધૂંધળું દેખાતા એ કલ્પના થી જ હું થરથર ધ્રુજી જાઉં છું.હે વિશ્વાનલ મેં તો એક જ ચિનગારી માંગી છે! જેના થકી આ બધા જ પ્રશ્નો હલ થઇ જશે. કેટલું અલગ પ્રકારનું કલ્પન છે કવિનું, આપણી તો તાકાત પણ નથી તે ભાવને સમજવાની છતાં પણ શક્ય એટલું સરળ કરવાની કોશિશ કરી છે.આવા ઊંચા ગજાના કવિ નાં ચરણોમાં બેસી અને તેનો નિત્ય પાઠ કે પ્રાર્થના કરવાથી, પણ જામગરીમાં જો ચિનગારી અડકી જાય તો જીવન ધન્ય બની જાય, સૌપ્રથમ તો ઈશ્વરને અગ્નિ તરીકે સ્વીકાર્યો એ જ બહુ મોટી વાત છે, પંચતત્વ માં અગ્નિ એ એક તત્વ છે, પરંતુ સામાન્ય રીતે મૃત્યુ સમયે જીવ તેનો અનુભવ કરતા હોય છે. આ સળગવાનો અનુભવ જીવતે જીવ કરવો એ કોઈ સામાન્ય જીવના બસની વાત નથી. આપણી કલ્પના પણ જ્યાં પહોંચે નહીં, અને આપણા શબ્દની તો શું વિસાત, વાતવાતમાં ચાપલૂસી કરવાની જેને ટેવ પડી ગઈ છે,એવા આપણા શબ્દ છે!! તેને બ્રહ્મ કેમ કહેવો! પરંતુ હાલની આ વૈશ્વિક સમસ્યાનું સમાધાન જો પ્રાર્થના કરવાથી મળતું હોય તો આપણી આવી નાની-મોટી સમસ્યાઓ ને આવી ચિનગારી અડકાડી અને બાળીને ભસ્મ કરવામાં જ સૌની ભલાઈ છે. અત્યારે તો ઈશ્વરને એટલે કે મહાનલ કે વિશ્વાનલ ને એક જ પ્રાર્થના છે કે આ ચોમેર ના યુદ્ધ રૂપી સમસ્યાને એક ચિનગારી ચાંપી દે જેથી આ વિશ્વમાં માનવતા બની રહે. તો આપણા સૌ વતી ઈશ્વરના ચરણોમાં આ એવી નફરતને ચીનગારી ચાંપવાની આજે એ એક અનન્ય પ્રાર્થના રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવી પ્રાર્થના સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:04 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech