એકવીસમી સદીના વિકાસની આડ અસર તરીકે, દરેક માનવી માંથી હવે માનવતા ઘટતી જાય છે

ચિંતનની ક્ષણે

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભારતીય હિન્દુ સંસ્કૃતિ ઘણી રીતે ખૂબ જ ઊંચી કક્ષા ધરાવે છે, અને એ સૌ કોઈ માને કે ન માને પણ એક સત્ય હકીકત છે. ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો કોઈ અમૂલ્ય વારસો હોય તો એ એની પાસેના એના સદ ગ્રંથો છે. વેદ ઉપનિષદ થી શરૂ કરીને મહાભારત સુધીના તમામ ગ્રંથો ખૂબ જ મૂલ્યવાન છે, દરેકને જો જીવન ચરિત્ર બનાવવું હોય તો, કોઈને કોઈ ગ્રંથનો સહારો લઈને તે એ કાર્ય સંપન્ન કરી શકે, એટલું સક્ષમ અને સુદ્રઢ પણ છે. ચારે વેદોની સંસ્કૃતિનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે,પણ મૂળ વાત એ છે કે વેદ કે વૈદિક શાસ્ત્ર સુધી દરેક વ્યક્તિ પહોંચી શકતા નથી, કારણ કે એ આપણી બોલચાલની ભાષા નથી. તો આપણને પ્રશ્ન થાય કે તો પછી આપણે એનો હાર્દ કઈ રીતે પામી શકીએ? વિશ્વના તમામ ધર્મનો સંદેશ છે! કે માનવ તરીકે જન્મ્યો છે તો માનવ બનીને રહે! પણ આપણે તેના બિલગ બિલગ અર્થ કરીને માનવતાનાં ધર્મની મુખ્ય વિભાવના હતી, એને જ બગાડી નાખી. આજ ચરિત્રની ઓળખમાં તુલસીદાસજી જેને અવતાર કહ્યો છે એ માનવ અવતાર વિશે વાત કરીશું.
માનવ એટલે શું? અને માનવ બની રહેવું? આ બંને વચ્ચે શું ભેદ છે? શરીર રચનાની દ્રષ્ટિએ આપણે બે હાથ છે, બે પગ છે, બે કાન છે, બે આંખ છે,એક નાક છે! એમ કુલ દસ કર્મેન્દ્રિય અને એક અદ્રશ્ય મન લઈને માનવ જન્મ થાય છે. એ જ રીતે આજે પણ જન્મીએ છીએ, અને એ જ રીતે આજે પણ મરીએ છીએ, તો આમાં માનવ હોવું એને જુદું કેમ કહેશું!; શરીરની દ્રષ્ટિએ આપણે માનવ છીએ, પણ ક્યાંક હિંસક પશુતા પ્રવેશી ગઈ છે, તો ક્યાંક દયા છૂટતા દાનવ પણું પ્રવેશી ગયું છે. વૃત્તિ ઓ ભડકીલી બની છે, અને સૌ કોઈ પોતાની વિદ્યાના સોદા કરતાં હોય એવું વાતાવરણ આપણે ઉભું કર્યું. વિદ્યાનો અર્થ અહીં આપણે આવડત કરીશું. એટલે કે જે કંઈ પોતાની આવડત હોય એનાથી આપણે કેમ કોઈને છેતરી લેવાં, કેમ કોઈ પાસેથી પડાવી લેવું, કમાઈ લેવું, બસ એવી બધી વૃત્તિઓ પ્રભાવક બની ગઈ છે, અને એને કારણે માનવતા વિસરાઈ ગઈ છે.
ઈમારતને લાખ રંગરોગાન કરીએ તો પણ ધરતીકંપ આવે ત્યારે પાયો નબળો હોય તો એ પડી જાય, અતિવૃષ્ટિમાં પણ ખતરો રહે, વાવાઝોડું આવે તો પણ ધરાશયી થઈ જવાની શક્યતા રહે! એમ આપણે દિવાળીના તહેવારો માં આપણી આ દેહની ઈમારતને બહારથી લાખ રંગરો ગાન કર્યા એટલે કે એને સુંદર દેખાડવા માટેના પ્રયત્નો કર્યા, પણ જ્યાં સુધી અંતરમાં વિકાર હશે! ત્યાં સુધી એને આવા અકસ્માતનો ભોગ બનવાની પૂરેપૂરી સંભાવના છે.
રામાયણનો એક પ્રસંગ છે, શૂર્પણખાનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ ગોદાવરી તટ પરનો છે. બાપુની વાણીએ તો સ્વયં સરસ્વતી બિરાજે છે, એટલે એનો મહિમા તો અપરંપાર છે. પરંતુ શૂર્પણખા જ્યારે પંચવટીમાં પ્રવેશે છે, અને રામ લક્ષ્મણને જુએ છે, એની પર મોહિત થઈ જાય છે, અને એને ખ્યાલ આવે છે કે, મારા રાક્ષસી સ્વરૂપને તો આ લોકો કેમેય પસંદ ન કરે! એટલે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. પ્રભુની લીલા અપરંપાર છે, અને એ જાણી જાય છે કે, આ તો રાક્ષસી છે. પણ પોતાના અસલી સ્વરૂપમાં આવે પછી જ તેના નાક કાન કાંપવા એવું વિચાર્યું હશે. એ માટે થઈને બંને ભાઈઓ ઘડીકમાં એ તારે લાયક છે, ઘડીકમાં સ્વામી તારે લાયક છે, એમ કરી શૂર્પણખાને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં એમ મોકલે છે. અને શૂર્પણખા પોતાના અસલી દેખાવ સાથે પ્રગટ થાય છે! આ પ્રસંગનો આપણે શું અર્થ કાઢીશું!
પહેલો અર્થ તો રૂપને મઠારી શકાય બદલી ન શકાય! કારણ કે એ પ્રભુએ આપેલી આપણી પહેલી ઓળખ છે, અને એણે સમજી વિચારીને જ આપણને જે કોઈ લિંગ કે રૂપ સાથે આપણને જન્મ આપ્યો એની માટેનું કંઈ ને કંઈ કારણ રહ્યું હશે.
બીજું ગમે ત્યારે આપણા રૂપની સચ્ચાઈ ચતી થઈ જ જાય છે, એટલે કે જેવા હોઈએ તેવાં કાળા, નીચાં પાતળાં જાડાં અન્ય કોઈ રીતે ત્રુટિ હોય એ રીતે સમાજ સામે આપણે આવી જતા હોઈએ છીએ! અને જો આવી જ જવાના હોઈએ તો પછી એની પ્રત્યે એટલું મમત શું કામ?
ત્રીજું સુર અસુરની રીતે જોઈએ તો બાહ્ય દેખાવ બદલવાથી અસુર પણુ મટતું નથી. અસૂરના ઘણા બધાં ભાવ છે, એક તો હક જમાવવો, બીજું ન મળે તો છીનવી લેવું, એની માટે હિંસક પણ થવું, મેળવવા માટે છલ કરવો, વેશ બદલવો, ચતુરાઈ કરવી, બળના પ્રયોગ કરવા એટલે કે અત્યાચાર!: અને સૌથી ખરાબ વ્યભિચાર! જે વિચારવાથી પણ આપણું અંતર કંપી જાય એવું વિચિત્ર અને બિભત્સ આચારણ કરવું. આવા બધા ભાવ જ્યારે આપણા માનસમાં પ્રવેશે ત્યારે સમજવું કે અસુર પણું આવ્યું.
તો દેખીતી રીતે તો આજે પણ આપણે માનવ છીએ, પણ દરેક માનવી પોતાની જાતને પ્રશ્ન કરે કે, માનવના વેશમાં હું ક્યાંક દાનવ એટલે કે અસૂર તો નથી ને? અને ભાગ્યે જ કોઈ વિરલ બચી જશે! બાકી તો આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આવી વૃત્તિ હતી કે છે! એટલે માત્ર પરમાત્માની કરુણાથી જ આપણે જીવીએ છીએ.
રામચરિત માનસમાં તુલસીદાસજીએ માનવને પણ અવતાર કહ્યો છે, અને એટલે તો રામ અને કૃષ્ણના અવતારો પૂર્ણ અવતાર કહેવાય છે, કારણ કે તે માનવદેહ સાથે જન્મ્યા હતા. પ્રભુએ આટલો સુંદર દેહ આપ્યો છે, એટલે કે રૂપ રંગની રીતે નહીં સ્વરૂપની રીતે, આપણે અન્ય જીવ સૃષ્ટિ કરતા ઉત્તમ છીએ! જોકે ના ના હતાં! એમ કહેવું એ વધુ યોગ્ય રહેશે! કારણકે આજે પશુઓ પણ વિચારતા હશે કે આની કરતા તો અમે સારાં કે જેવા છીએ! જેવા છીએ એવાં જ દેખાઈએ. કુતરા બિલાડા હોય તો ક્યાંક બટકું ન ભરી જાય એની આપણે એમ સાવચેતી રાખતા હોઈએ છીએ, પરંતુ માનવના સ્વરૂપમાં પણ કોઈ એવું હોઈ શકે! એ વિચાર હવે સમાજને જોતા રદ થઈ ગયો, કારણકે હોય છે પણ ખરાં! અરે ઈશ્વરે બનાવેલી કુતરા બિલાડાની જાતમાં તો ભાગ્યે જ કોઈ હડકાયા થાય, પણ અહીં તો વાત જવા દો!
તો જો આપણે માનવ બનવું હશે તો આપણે માનવ નથી રહ્યા એ કડવો ઘૂંટ પીવો પડશે, એટલે એને સ્વીકારવું પડશે. સતયુગમાં લખાયેલા વેદ જેવા આપણા વૈદિક શાસ્ત્રોનો અર્ક, માનવ થઈને આવ્યો છે તો, માનવ થઈને રહીએ! એ સૂત્રને પકડી આપણે સૌ આપણાં આ માનવ અવતારને ધન્ય બનાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:45 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech