કરૂણ દિવાળીઃ મહિલાનું લિફ્ટમાં ફસાતાં મોત, વેપારીએ ખાધો ફાંસો

ક્યાંક ઉજાસના પર્વના દિવળા ઝગમગ થયા, ક્યાંક અશ્રુઓ આંખોમાંથી ચોધાર વહ્યા

ઝેરી દવાવાળી ડોલમાંથી પાણી પી લેતાં મહિલાનો જીવ ગયોઃ પ્રૈોઢનું હૃદય બેસી જવાથી મોતઃ યુવાનનું વાહન અકસ્માતમાં મૃત્યુ

(દર્શનસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ મિરર તા. 31

દિવાળી નવા વર્ષનો તહેવાર ખુશીઓનો તહેવાર છે. દરેક લોકો પોતાની રીતે આ તહેવારની ઉજવણી કરતાં હોય છે. જો કે અમુક પરિવારોમાં આ મોટા તહેવારના દિવસોમાં જ દુઃખના પહાડ તૂટી પડતાં હોય છે. ક્યાંક ઉજાસના પર્વમાં ખુશીઓના દિવડા ઝગમગતાં રહે છે, તો ક્યાંક આઘાતજનક ઘટનાઓને કારણે સ્વજનોની આંખોમાંથી અશ્રુ અનરાધાર વહે છે. કંઇક આવી જ ઘટનાઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ છે. જેમાં એક મહિલાનું માલવાહક લિફ્ટમાં ફસાઇ જવાથી મોત થયું હતું. એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. એક મહિલા ઝેરી દવાવાળી ડોલમાંથી પાણી પી જતાં જીવ ગયો હતો. એક પ્રૈોઢનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. એક યુવાનનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

દિવાળીનો તહેવાર જે પરિવારો માટે શોક આપનારી ઘટનાઓને કારણે માતમનો તહેવાર બની ગયો તેવી ઘટનાઓ પર નજર કરીએ તો શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે દોઢસો રીંગ રોડ પર નાગરિક બેંકવાળી શેરીમાં આવેલા ટુર ટ્રાવેલ્સ સંચાલકના ઘરે કામ કરવા આવતાં નવાગામના મહિલા રાતે દસેક વાગ્યે આ મકાનના પાછળના ભાગે ફળીયામાં આવેલી માલવાહક લિફ્ટમાં ફસાઇ જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. મહિલા એવી રીતે ફસાઇ ગયા હતાં કે માથુ નીચે હતું અને પગ ઉપરની સાઇડમાં હતાં. ઇલેક્ટ્રીક કટરથી લોખંડના ગડર કાપીને તેમને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અીમ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.  નવાગામ માંધાતા સોસાયટીમાં રહેતાં સાડત્રીસ વર્ષના રેખાબેન શૈલેષભાઇ રાવરાણી એકસો પચાસ ફુટ રીંગ રોડ પર નાગરિક બેંકવાળી શેરીમાં ટૂર ટ્રાવેલ્સના સંચાલક શૈલેષભાઇ પાંભરના ઘરે  પાછળના ફળીયાના ભાગે માલવાહક લિફ્ટ પાસે ઉભા રહીને નાસ્તો કરી રહ્યા હતાં.

આ વખતે  એકાએક માલવાહક લિફ્ટ ચાલુ થતાં તેમાં ફસાઇ ગયા હતાં. બનાવને પગલે દોડધામ મચી ગઇ હતી અને લોકો પણ ભેગા થઇ ગયા હતાં. નજીકમાં ગેરેજ હોઇ ત્યાંથી કોઇ કટર લાવ્યું હતું અને ફસાયેલા રેખાબેનને લિફ્ટના લોખંડના ગડર કાપી બહાર કાઢ્યા હતાં. બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. મનોજભાઇ મકવાણા તથા રાઇટર જયદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ માહિતી અનુસાર મૃત્યુ પામનાર રેખાબેનના પતિ વાળંદ કામ કરે છે. રેખાબેન ટૂર ટ્રાવેલ્સ ઓપરેટર શૈલેષભાઇ સાથે યાત્રા ટૂરમાં વડિલોની દેખરેખ અને રસોઇનું કામ કરવા માટે જતાં હતાં. દિવાળીના તહેવારમાં આ બનાવ બનતાં બે સંતાને માતા ગુમાવી દેતાં રાવરાણી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બીજા બનાવની વિગતો જોઇએ તો રણછોડનગર પાસે ચંપકનગર-3માં રહેતાં ઓગણચાલીસ વર્ષના જીતેન્દ્રભાઇ મનસુખભાઇ ચૈોહાણ નામના યુવાને ભાવનગર રોડ પટેલ વાડી નજીક અમન ઘૂઘરા પાસે સત્સંગ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલી પોતાની ઇમિટેશનની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વધુ માહિતી મુજબ આ ઘટનાની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. દિવાળીને દિવસે જ આપઘાત કરી લેનારા જીતેન્દ્રભાઇ એક બહેનથી મોટા અને માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે. જીતેન્દ્રભાઇના પિતા બૂક બાઇડીંગનું કામ કરે છે. સવારે તેઓ પત્નિ રેખાબેનને ગાંઠીયા લઇને હમણા આવું છું…તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી ન આવતાં તપાસ થતાં તેણે ઓફિસમાં આ પગલુ ભરી લીધાની ખબર પડતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.  જીતેન્દ્રભાઇ ચૈોહાણનો મગજ ભમતો હોઇ તેની દવા ચાલુ હતી. આ કારણે પગલુ ભરી લીધુ હોઇ શકે.

ત્રીજા બનાવમાં ગોંડલના હડમતાળામાં ઘનુભા જાડેજાની વાડીએ રહેતી ચોવીસ વર્ષની વર્ષાબેન નિકુંજભાઇ નાયકને સાંજે ઝેરી અસર થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ મોડી રાતે દમ તોડી દીધો હતો. વર્ષાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. પતિએ કહ્યું હતું કે ખેતરમાં દવા છાંટ્યા બાદ ડોલ ખાલી કરીને રાખી હતી તેમાં ભુલથી પત્નિ વર્ષા પાણી ભરીને પી ગયા બાદ ઉલ્ટીઓ થવા માંડી હતી અને બેભાન થઇ ગયા બાદ સારવારમાં મૃત્યુ થયું હતું. ચોથા બનાવમાં લજાઇ ચોકડીએ ખ્યાતિ કંપની નજીક   બ્રિજેશ પ્રતિકભાઇ ઠાકુર  તથા શ્યામ વિષ્ણુભાઇ પાસવાનને 28મીએ રાતે બારેક વાગ્યે લજાઇ ચોકડી પાસે બાઇક ડિવાઇડરમાં અથડાતાં અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ ગત રાતે શ્યામ પાસવાનનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. પાંચમા બનાવમાં મવડી પ્લોટ ઉદયનગર-2 શેરી નં. 8માં રહેતાં બાવન વર્ષના રમણીકભાઇ મોહનભાઇ ભંડોરા  નામના પ્રૈોઢ સવારે ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયુ઼ હતું. રમણીકભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ઇલેક્ટ્રીક કામ કરતાં હતાં. આમ પાંચ ઘટનાઓમાં જે તે પરિવારજનોની દિવાળીનો તહેવાર શોકમાં પલ્ટાઇ ગયો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:55 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech