રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે કરી વાતચીત : હજુ મુખ્ય આરોપી કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી નથી આવ્યા તંત્રના હાથમાં
અમદાવાદ, તા. 10
અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે દર્દીના ખોટા ઓપરેશન થયા બાદ તેમના મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે. ત્યારે ચાલી રહેલા આ કેસમાં હવે કેન્દ્રીય આરોગ્ય ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે ને ગુજરાતમાં ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્યના ટોચના અધિકારીઓ સાથે પણ તેમના દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની શરૂઆતથી લઈ અત્યાર સુધીની તપાસની તમામ માહિતીઓ પણ મેળવવામાં આવી હતી. હાલ જે વિગત સામે આવી રહી છે તે મુજબ સરકારે પણ આ કેસમાં ગંભીરતા દાખવી છે અને કહી શકાય કે ગુજરાત રાજ્યના ટોચના અધિકારી એવા હસમુખ અધ્યાય પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એસ.એચ.એ, 108 સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને જે પ્રશ્ન ઊભા થયા છે તેનો રિપોર્ટ સીએમ ઓફિસ સુધી પહોંચાડવા માટે ની સૂચના પણ આપી છે એટલું જ નહીં શંકાસ્પદ હોસ્પિટલોની ચકાસણી કરવા માટેના પણ આદેશો કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 100 થી વધુ લોકોની પૂછપરછ કરવા માટે તેઓને સમન્સ બજાવવામાં આવ્યા છે. એટલું જ નહીં સમગ્ર કૌભાંડમાં આરોગ્ય અને વીમા અધિકારીઓની પણ ક્યાંકને ક્યાંક સંડોવણી હોવાની હાલ શંકા ઊભી થઈ રહી છે ત્યારે વીમા કંપનીના પ્રાદેશિક મેનેજર ને પણ તપાસનું તેડું આવ્યું છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામની પૂછપરછ યોગ્ય રીતે થાય અને તટસ્થ તપાસ થાય તે માટેની માહિતી અને આદેશ પ્રસિદ્ધ કરી દેવાયા છે. મળતી માહિતી મુજબ હાલ જે ઘટના ઘટી તે બાદ સરકારે નવી માર્ગદર્શિકા ઘડવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા છે ત્યારે સમગ્ર પ્રકરણમાં અનેક નવા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે તપાસનો ધમધમા ચાલી રહ્યો છે તેમાં 8000થી વધુ સર્જરી અને 112 દર્દીઓના મોતના આંકડા પણ મળી આવ્યા હતા ત્યારે હજુ આ કૌભાંડમાં કાર્તિક પટેલ જેવા આરોપી પોલીસના હાથે આવ્યા નથી જે માટે પોલીસે પણ ચક્ર ગતિમાન કર્યા છે.
