ગોઝારો રવિવાર : જુદા જુદા અકસ્માતોમાં 9ની જીંદગી છીનવાઈ

લીંબડી પાસે ડમ્પર-ટેમ્પો અથડાતાં પાંચ મોત : 10 ઘાયલ

પશ્ચિમ બંગાળના દર્શનાર્થીઓ સોમનાથ-દ્વારકા દર્શન કરી અમદાવાદ પરત જતા’તા ત્યારે દૂર્ઘટના : કચ્છ પંથકમાં જુદાજુદા બનાવમાં 4ના મોત : બસ-કરના અકસ્માતમાં વરરાજાના માતાનું મોત

રાજકોટ મિરર, તા.23
રવિવારનો સુરજ ઉગે તે પહેલાજ સૌરાષ્ટ્ર-કચ્છમાં જુદા જુદા અકસ્માતોમાં નવ લોકોની જીંદગીનો અકાળે અંત આવી જતા ગોઝારો રવિવાર સાબિત થયો હતો. દરેક અકસ્માતમાં મૃતકો-ઈજાગ્રસ્તોની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યા હતા. લીમડી નજીકના અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર્સ અને ડમ્પર વચ્ચેની ગમખ્વાર ટક્કરમાં પાંચના કરુણ મોત થયા હતા જ્યારે દશને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પીટલમાં ખસેડાયા છે. કચ્છ પંથકમાં બનેલા અકસ્માતમાં ચારના ભોગ લેવાયા હતા. લીમડી નજીકના અકસ્માતમાં તો મૃતકો દ્વારકા-સોમનાથના દર્શન કરીને અમદાવાદથી ફ્લાઈટ પકડીને પશ્ચિમ બંગાળ પહોચે તે પહેલા જ મોતને શરણે થઇ ગયાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે.
અકસ્માતોની મળતી વિગતોમાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી નજીક ટેમ્પો ટ્રાવેલર્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ દર્શનાર્થીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે દસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
અકસ્માત અંગે વિગતો મળી હતી કે, પશ્ચિમ બંગાળના કેટલાક દર્શનાર્થીઓ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને દ્વારકાના દર્શન માટે આવ્યા બાદ પરત ફરતા હતા અને અમદાવાદથી ફ્લાઈટમાં બંગાળ પરત ફરવાના હતા પણ તે પહેલાજ રસ્તામાં કાળે આંતરતા રોડ પર મરણચીસો ગુંજી ઉઠી હતી.
સાયલા-લીંબડી હાઇવે પર મોરવાડ ગામ પાસે ડમ્પર અને ટેમ્પર ટેમ્પો ટ્રાવેલર્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા જ પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લીંબડી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક પૂર્વવત કરવા ઉપરાંત ઇજાગ્રસ્તો અને મૃતકોને હોસ્પીટલે પહોચાડ્યા હતા. અકસ્માતનું કારણ જાણવા અને મૃતકોની ઓળખ માટે પોલીસે કવાયત શરુ કરી છે.

વરરાજાના માતાનું મૃત્યુ, આનંદ ફેરવાયો શોકમાં
રવિવારે રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે બસ-કારનો અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને કાર વચ્ચે વહેલી સવારે 5:00 વાગ્યે અકસ્માતની ઘટના બની હતી. શક્તિ ધામ ટ્રાવેલ્સ સુરતથી જસદણ તરફ જઈ રહી હતી ત્યારે નાગનેશ ગામ પાસે કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 4 જણાને ગંભીર ઈજા થતા ધંધુકા એમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતું. નાગનેસ ગામના મઢવી પરિવારના દીકરાના લગ્ન હોઈ, આજે ભાવનગર ખાતે જાન જવાની હતી. દીકરાની માતા રાણપુર બ્યુટી પાર્લરમાંથી નાગનેસ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. વરરાજાની માતાનું ઘટના સ્થળ પર મોત થતાં લગ્ન વાળા ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સ્કુલ બસ અકસ્માતમાં 9 વિદ્યાર્થી-2 શિક્ષકોને ઈજા
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ઘાયલ થયા હતા. બસમાં 57 જેટલા બાળકો સવાર હતા. વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન અકસ્માત નડ્યો હતો. વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અત્ર એ નોંધનીય છે કે આજે સૌરાષ્ટ્રમાં જુદા જુદા હાઇવે પર થયેલા અકસ્માતમાં આઠ થી નવ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સદનસીબે આ સ્કૂલ બસની ઘટનામાં જાનહાનિ ટળતાં સૌએ રાહત અનુભવી હતી.

કચ્છમાં ચારના અપમૃત્યુ
કચ્છમાં બનેલા અપમૃત્યુની ઘટનાઓમાં ચાર લોકોના અકાળે મોત થતાં પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મુંદરા તાલુકાના ગુંદાલા ખાતેના તળાવમાં ડૂબવાથી માનસિક રીતે અસ્થિર એવા 27 વર્ષીય જયેન્દ્રગિરિ ઉર્ફે કાનજી હસમુખગિરિ ગુસાઇનું મોત થતાં પરિવાર શોકાતુર થઈ ગયો હતો. માંડવીના ગુંદિયાળીમાં અને સામખિયાળીમાં 22 વર્ષીય પ્રિયેન વેલજી મહેશ્વરી અને 26 વર્ષીય રમગર સંતોષ તરાઇએ ગળેફાંસો ખાઇ તેમના જીવન ટૂંકાવી લીધા હતાં. ગાંધીધામમાં બીમારીથી કંટાળી એસિડ પીનારા કિશોર મોહનભાઇ પીતરિયા નામના 40 વર્ષના પુરુષે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:11 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm