ચોરટાઓ જ્યાં ત્રાટકે ત્યાંથી કંઇને કંઇ ચોરી જ જાય, પણ આ વખતે સાવ નવતર ચોરી થઇ

ટ્રાન્સફોર્મરમાંથી લાખોની
કોપર પ્લેટ, ઓઇલની ચોરી!

બામણબોરમાં બનાવ: કંપનીના રાજકોટ રહેતાં માલિકે એરપોર્ટ પોલીસને જાણ કરી: આ પ્રકારની ચોરીથી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ભારે ચર્ચા: મોટા વાહનનો ચોરીમાં ઉપયોગ થયાની શક્યતા

રાજકોટ: શહેરમાં શહેરની ભાગોળે ચોરી, ચિલઝડપ, લૂંટ સહિતની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. ચોરટાઓ જ્યાં ત્રાટકે ત્યાંથી કંઇ ને કંઇ તો ચોરી જ જતાં હોય છે. જે હાથમાં આવે તે ઉેસેડી જવાની આદત તસ્કરોની હોય છે. દરમિયાન હવે એક ચોંકાવનારી ઘટનામાં રાજકોટના બામણબોરમાં આવેલી રાજકોટના રહેવાસીની કંપનીના કમ્પાઉન્ડમાં આવેલા અગિયાર લાખની કિંમતના વિજ ટ્રાન્સફોર્મર (ટી.સી.)ને તોડીને તેમાંથી કોપરની પ્લેટો, ઓઇલ મળી ચારેક લાખની ચીજવસ્તુ ચોરી જવામાં આવી છે. ચોરટાઓ કોઇ મોટુ વાહન લઇને આ ચોરી કરી ગયાની શક્યતાએ તપાસ થઇ રહી છે. ચાલુ ટ્રાન્સફોર્મરને ડીઓમાંથી છુટુ કરી નીચે પાડી દઇ આ ચોરી કરવામાં આવી હોઇ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આ નવતર ચોરીને પગલે ચકચાર જાગી છે.
વિગતો પર નજર કરીએ તો બામણબોરમાં આવેલી કંપનીના કમ્પાઉન્ડમાં લગાવાયેલા ટ્રાન્સફોર્મરને મેઇન લાઇનમાંથી અલગ કરી બાદમાં ટ્રાન્સફોર્મર તોડી અંદરથી ઓઇલ અને કોપરની પ્લેટો મળી ચાર લાખની ચીજવસ્તુ ચોરી જવામાં આવતાં ચર્ચા જાગી છે. આ બનાવમાં એરપોર્ટ પોલીસે રેસકોર્ષ રીંગ રોડ જુના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેન્સી પેટ્રીયા સ્યુટસ હોટેલ સામે રહેતાં અને વેપાર કરતાં પાંસઠ વર્ષના જયપ્રકાશભાઇ ઇન્દ્રચંદભાઇ મુન્દ્રાની ફરિયાદ પરથી એફઆઇઆર દાખલ કરી ચોરી કરનારાઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.
જયપ્રકાશભાઇ મુન્દ્રાએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને વેપાર કરી ગુજરાન ચલાવુ છું. બામણબોર ગામે રેવન્યુ સર્વે નં. 89માં શરદ ઇન્ડસ્ટ્રીઝ નામે મારે ફેક્ટરી છે. આ કંપની સ્વસ્તિક રબ્બર ઇન્ડસ્ટ્રીઝને મેં ભાડેથી આપેલી છે.
તેમણે આગળ કહ્યું હતું કે મારી કંપનીના કમ્પાઉન્ડમાં 630 કે.વી.નું ટ્રાન્સફોર્મર એટલે કે ટી.સી. આવેલુ છે, જે ટ્રાન્સફોર્મર જે તે સમયે મેં અગિયાર લાખ રૂપિયામાં ખરીદ કર્યુ હતું. 16મીએ રવિવારે સવારે નવેક વાગ્યે હું ઘરે હતો ત્યારે કંપનીમાં મેન્ટેનન્સનું કામ સંભાળતા સંગ્રામભાઇ ધનાભાઇ રંગપરાએ મને ફોન કરી જાણ કરીી હતી કે હું કંપનીમાં કામ ચાલુ કરવા જતાં લાઇટ ન હોઇ ટ્રાન્સફોર્મરવાળા કમ્પાઉન્ડમાં તપાસ કરવા જતાં ટ્રાન્સફોર્મર નીચે પડેલુ જોવા મળ્યું છે.
તેમજ સામાન વેરવિખેર પડ્યો છે. મને એવુ લાગે છે કે દિવાલ પાસે કોઇ ગાડી ઉભી રાખી ટ્રાન્સફોર્મર કાપી તેમાંથી કોપરની પ્લેટો અને ઓઇલ ચોરી જવાયું છે. ત્યાર પછી મેં કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતે બાર કલાક ચોવીસ મિનીટ સુધી કેમેરા ચાલુ હતાં. એ પછી બંધ થઇ ગયા હતાં.
રાતે બાર પછી આ ટ્રાન્સફોર્મર (ટી.સી.)ને મેઇન લાઇનમાંથી અલગ કરી ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી ચોર કોપરની પ્લેટો તથા 750 લિટર ઓઇલ જેની અંદાજીત કિમત 4 લાખ ગણાય તે ચોરી ગયાનું જણાયુ હતું. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ. એન. સાવલીયાના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. બી. મિસ્ત્રીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટનાઓ તો અગાઉ પણ બની ચુકી છે અને અવાર-નવાર ચોરીઓ થતી રહે છે. પરંતુ મોટે ભાગે ચોરટાઓ રોકડ કે બીજી ચીજવસ્તુઓ ચોરી જતાં હોય છે.
પરંતુ આ વખતે સાવ નવતર બનાવમાં આખેઆખુ વિજ ટ્રાન્સફોર્મર નીચે પાડી દઇ તેમાંથી ઓઇલનો જથ્થો અને કોપર પ્લેટો ચોરી જવામાં આવતાં ચર્ચા જાગી છે. આ નવતર ચોરટાઓને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે. સીસીટીવી કેમેરા ચેક કરવા કવાયત શરૂ થઇ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:46 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech