આંતરરાષ્ટ્રીય વેપારમાં ટેરિફ અને ટેકનિકલ પ્રતિબંધો કડવી વાસ્તવિકતા છે : આ વાતાવરણમાં ભારત માટે શ્રેષ્ઠ માર્ગ શોધવાનો છે
નવીદિલ્હી, તા. 19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટેરિફ નીતિઓથી સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. રાયસીના ડાયલોગ 2025માં જયશંકરે કહ્યું કે ટેરિફ એક વાસ્તવિકતા છે. ઘણા દેશો તેનો ઉપયોગ કરે છે. તેમણે ’કમિશનર્સ એન્ડ કેપિટાલિસ્ટ્સ: પોલિટિક્સ, બિઝનેસ એન્ડ ન્યૂ વર્લ્ડ ઓર્ડર’ સત્રમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દેશો પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે. જેમાં નાણાકીય વ્યવહારો, ઊર્જા પુરવઠો અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના ઊંચા ટેરિફ પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ ઘણા દેશો પર ટેરિફ લાદી છે. તેના જવાબમાં ચીન અને કેનેડાએ પણ અમેરિકા પર ટેરિફ લાદી દીધા છે. જયશંકરે કહ્યું કે ભારતે શ્રેષ્ઠ માર્ગ શોધવો પડશે. આજે આંતરરાષ્ટ્રીય સંબંધો પહેલા કરતા ઓછા સંયમિત છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે રાયસિના ડાયલોગ 2025માં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ટેરિફ અને ટેકનિકલ પ્રતિબંધો કડવી વાસ્તવિકતા છે.
તેમણે કહ્યું કે વિશ્વના ઘણા દેશો તેનો ઉપયોગ કરે છે. ’કમિશનર્સ એન્ડ કેપિટાલિસ્ટ્સ: પોલિટિક્સ, બિઝનેસ એન્ડ ન્યૂ વર્લ્ડ ઓર્ડર’ વિષય પર બોલતા, જયશંકરે કહ્યું, ’ટેરિફ, નિકાસ નિયંત્રણો… અમને ગમે કે ન ગમે, આ વાસ્તવિકતા છે. દેશો તેનો ઉપયોગ કરે છે. જો આપણે છેલ્લાં દસ વર્ષો પર નજર નાખીએ તો જણાશે કે દેશોએ પોતાની શક્તિનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. આમાં આર્થિક પ્રવૃત્તિઓ, નાણાકીય વ્યવહારો, ઊર્જા પુરવઠો અથવા ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આજની દુનિયાની આ વાસ્તવિકતા છે.
જયશંકરે વધુમાં કહ્યું કે આપણે આ વાતાવરણમાં આપણા દેશ માટે શ્રેષ્ઠ માર્ગ શોધવાનો છે. પોતાના ધંધા, રોજગાર અને દેશની તાકાત માટે લડવું એ સરકારનું કામ છે.
દેશની પ્રગતિમાં વ્યાપાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જયશંકરે એમ પણ કહ્યું કે આજના સમયમાં વિવિધ પ્રદેશો વચ્ચેની સીમાઓ ઝાંખી પડી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હવે પહેલા કરતા ઓછો સંયમ છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ઘણા દેશો પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે.
ટ્રમ્પે ભારતના ઊંચા ટેરિફ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે યુરોપિયન યુનિયન માંથી આવતા માલ પર વધારાની ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે. તેનાથી સમગ્ર વિશ્વમાં વેપારને લઈને તણાવ વધી ગયો છે. અગાઉ, યુએસએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટી લગાવી હતી, જેણે ઘણા દેશો સાથે તેના સંબંધો બગાડ્યા હતા. ટ્રમ્પે ઈયુને ચેતવણી આપી છે કે જો તે બદલો લેશે તો અમેરિકા તેના પર વધુ ટેરિફ લાદશે. તેમણે કહ્યું, ’તેઓ અમારા પર જે પણ આરોપો લગાવે છે, અમે તેમના પર તે જ આરોપ લગાવીશું.
