કરોડોની કરચોરી પકડાય તેવી સંભાવના : સંયુક્ત ઓપરેશનમાં કુલ 6 જગ્યા પર દરોડા ચાલુ
આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ સહિતની ઓફિસ અને પ્રોજેક્ટ સાઇટ પર તપાસનો ધમધમાટ
રાજકોટ, તા. 12
છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી દ્વારા વિવિધ પેઢીઓ પર નરોડા પાડવામાં આવી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી અને જીએસટી ચોરી પણ પકડાઈ રહી છે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને હાલ ઘણા ખરા વેપારી વર્તુળોમાં ભારે દર વ્યાપી ઊઠ્યો છે. તમામ પ્રક્રિયા જોતા ગઈકાલે રાજકોટમાં છ સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રાઈડ ગ્રુપની સાથે આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પર સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી હતી. મળતી માહિતી મુજબ ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી સામે આવવાની શક્યતા હાલ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલું જ નહીં તપાસની શરૂઆત માં જ વિભાગે તમામ ડિજિટલ ડેટા હસ્તગત કર્યા છે. હાલ જે બિલ્ડર લોબી ઉપર જીએસટીના દરોડા પડ્યા તેમાં અમદાવાદ જીએસટીની ટીમ જોડાય છે પરંતુ આ તપાસમાં એડિશનલ જોઈન્ટ કમિશનર પણ જોડાયા હોવાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ તપાસ ને પૂર્ણ થતા કેટલા દિવસનો સમય લાગશે કારણ કે એક સાથે જે ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેને જો ધ્યાને લેવામાં આવે તો એ વાત સ્પષ્ટ છે કે ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી બહાર આવી શકે છે.
જીએસટી વિભાગના સૂત્રોના અનુસાર તમામ બિલ્ડરો દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવી લીધી હોવાની વાત સામે આવી હતી જે અંગે તપાસ હાથ ધરાતા વાત સાચી સાબિત થઈ અને જીએસટી વિભાગ એ આ મોટું ઓપરેશન હોવાના કારણે અમદાવાદ વિભાગનો સાથ સહકાર લીધો હતો અને ઓપરેશન પાર પાડ્યું હતું. રાજકોટમાં અચાનક જીએસટી ના એક સાથે છ જગ્યા પર દરોડા ઘણા ખરા પ્રશ્નો ઉભા કરી દે છે ત્યારે જોવાનું એ રહ્યું કે ગઈકાલે જે દરોડા પડ્યા તેમાં શું બહાર આવે છે.
મોટી કરચોરી પકડાશે તો આવકવેરા વિભાગ પણ તપાસમાં ઝંપલાવે તેવી ચર્ચા
સેન્ટ્રલ જીએસટી ના સૂત્રોના જણાવ્યા અનુસાર જો મોટા પ્રમાણમાં કરચોરી પકડાશે તો આવકવેરા વિભાગ તપાસમાં ઝંપલાવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ મહત્વનું એ છે કે જે અપેક્ષા જીએસસી વિભાગ દ્વારા રાખવામાં આવેલી છે તે મુજબનું ઓપરેશન પાર પડે છે કે કેમ તે તો આવનારો સમય જણાવશે પરંતુ ગઈકાલે જે બરોડા પડ્યા તેનાથી બિલ્ડર લોબીમાં ફફડાટ મચી ગયો છે. છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગ આ તમામ બિલ્ડરો તથા પેઢી ધારકો ઉપર રેકી કરતું હતું કારણ કે આ તમામ પેઢી ધારકો દ્વારા એનકેન પ્રકારે જીએસટીની ચોરી કરતી હોવાનું માલુમ પડ્યું કારણકે જે ભાવે માલ વેચાવો જોઈએ તેનાથી ઓછી કિંમતના બિલ લેવામાં આવ્યા હતા અને ખોટી રીતે આઇટીસી ક્લેમ કરવામાં આવતી. હતી.
ડિજિટલ ડેટાનો તાકીદે હાથ ધરાશે અભ્યાસ
ગઈકાલ વહેલી સવારથી જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પરંતુ તેની સાથોસાથ વિભાગ એ તમામ જરૂરી દસ્તાવેજો તથા ડિજિટલ સામગ્રી હસ્તગત કરી લીધી છે અને એક ખાસ ટીમ તેનું અવલોકન કરે છે મળતી માહિતી મુજબ પ્રાઈઝ ગ્રુપના સંચાલકના નિવાસ્થાને જ્યારે અન્ય ગ્રુપના ઓફિસ અને સાઇટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ DGGIના ટોચના અધિકારીઓ તપાસમાં
જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ આ રેડ અંગેની બાતમી અમદાવાદ ઉૠૠઈં ને મળી હતી જે બાદ રાજકોટ જીએસટી ઇન્ટેલિજન્સ એટલે કે જીએસટી પ્રિવેન્ટીવ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં રાજકોટના પ્રિવેન્ટીવના એડિશનલ ડાયરેક્ટર વિક્રમસિંહ પણ તપાસમાં જોડાયા. આ વાત ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ ઓપરેશનમાં વિભાગ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી છે અને હોમવર્ક કર્યા બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કરોડોની લાઇબિલિટી ઊભી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
