રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્રણ વર્ષમાં નોંધાયેલા 126 પૈકીના 71 ગુનામાં જપ્ત થયેલા ચરસ, અફીણ, એમડી, ગાંજો સહિતને ભઠ્ઠીમાં ઓગાળી નખાયા
ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ ભચાઉની ફેક્ટરીમાં જઇ કાર્યવાહી કરી: ડીસીપી, એસીપી, એસઓજી પીઆઇની ઉપસ્થિતિ
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 23
શહેર પોલીસ દ્વારા દારૂ અને માદક પદાર્થ ઝડપી લેવામાં આવે તેનો સમયાંતરે નાશ કરવાની કાર્યવાહી જે તે શહેર પોલીસ કે ગ્રામ્ય પોલીસ દ્વારા થતી હોય છે. સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવતો હોય છે. તો બીજી તરફ માદક પદાર્થનો નાશ કરવા માટે ખાસ પ્રક્રિયા થતી હોય છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન નોંધાયેલા કેસમાં કબ્જે થયેલા પદાર્થને નાશ કરવા માટે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની રચના કરી બાદમાં ન્યાયાધીશની હાજરીમાં ગુનામાં નોંધાણી થઇ હોય એ મુજબનું જ ફરીથી જે તે પદાર્થનું વજન કરવામાં આવે છે બાદમાં તેને ભઠ્ઠીમાં નાંખી નાશ કરાય છે. આ માટેની ખાસ કાર્યવાહી કચ્છના ભચાઉ નજીકની ભઠ્ઠી ખાતે થાય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 126 ગુના પૈકી 71 ગુનામાં ઝડપી લેવાયેલો માદક પદાર્થના જથ્થાનો નાશ કરાયો હતો. બાકીના ગુનાના જથ્થાની કાર્યવાહી બાકી હોઇ તેનો નાશ હવે પછી કરવામાં આવશે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેર એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, જે તે પોલીસ સ્ટેશનનની ટીમો દ્વારા સમયાંતરે ગાંજો, મફેડ્રોન, ચરસ, અફીણ, મોરફીન, પોશ ડોડા અને કેનેબીઝના તત્વોવાળી ગોળીઓ સહિતના માદક પદાર્થ પકડવામાં આવતાં હોય છે. આવા મુદ્દામાલનું કોર્ટ સમક્ષ ફરીથી વજન કરી ભચાઉ નજીક ફેક્ટરીની ભઠ્ઠીમાં ઓગાળી નખાય છે. શહેર પોલીસની મહત્વની બ્રાંચો અને જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા અઢીથી ત્રણ વર્ષ દરમિયાન 126 ગુનામાં ઝડપી લેવાયેલા નશીલા દ્રવ્યો પૈકી 72 ગુનાના આશરે 83 લાખની કિંમતના મુદ્દામાાલનો કચ્છના ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામમાં આવેલી સરકાર નિર્દેશીત સોૈરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમીટેડની ભઠ્ઠીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્યોની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા દ્વારા છેલ્લા વર્ષોમાં એનડીપીએસ એક્ટ હેઠળ જપ્ત થયેલા મુદ્દામાલનો નિકાલ કરવા માટે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સંજયસિંહ એમ. જાડેજા સહિતની ડિસ્પોઝીબલ કમિટીની રચના કરવામાં આવી હતી. ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, મોરફીન, પોશ ડોડા અને કેનેબીઝના ઘટકવાળા દ્રવ્યોનો નાશ કરતા પહેલા કોર્ટના ન્યાયાધીશ સમક્ષ કાયદાની પ્રક્રિયાને અનુસરી વજન કરાવવાનું રહે છે અને ત્યારબાદ તેને કમિટીના અધિકારીઓની હાજરીમાં જ આ તમામ જથ્થાને ભઠ્ઠીમાં નાંખી નાશ કરી નાખવામાં આવે છે. આવી જ રીતે આખા વર્ષ દરમિયાન જપ્ત થતાં દારૂનો પણ નાશ કરવામાં આવતો હોય છે. જો કે તેમાં પ્રક્રિયા અલગ હોય છે. કોર્ટની મંજુરી બાદ દારૂની બોટલોને પટમાં ગોઠવી તેની માથે બૂલડોઝર ફેરવવામાં આવતું હોય છે.
માદક પદાર્થનો નાશ કરવાની કાર્યવાહીમાં કોર્ટના આદેશ મુજબની પ્રક્રિયાને અનુસરી અધિકારીઓએ આ જથ્થાનો નાશ કરાય છે. તે મુજબ એકોતર ગુનાના પદાર્થનો નાશ થયો હતો. બાકીના ગુનાના માદક પદાર્થનો નિકાલ હવે પછી થશે. ભચાઉ ખાતે જે માદક પદાર્થનો નાશ કરાયો તેમાં 55,94,670નો ગાંજો, ગાંજાના લીલા છોડ 11060, મેફેડ્રોન 13,37,850નું, ચરસ રૂા. 70500નો, અફીણના લીલા છોડ રૂા. 53125ના, મોરફીન રૂા. 9,16,850નું, પોશ ડોડા રૂા. 53436ના અને કેનાબીઝના ઘટકવાળી પડીકીઓ રૂા. 2,63,400ની મળી કુલ રૂા. 83,00,891નો મુદ્દામાલ સામેલ છે. આગામી સમયમાં શહેર પોલીસ જપ્ત થયેલા દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી કરશે તેવી શક્યતા છે.
