સૌથી વધુ ફરિયાદ ભૂગર્ભ ગટર લગતી : નવા વર્ષમાં ફરિયાદો માં ઘટાડો આવે તે માટે હાથ ધરાશે આયોજન
રાજકોટ, તા. 2
સ્માર્ટ સિટી બનેલ રાજકોટ ભલે ઉતરોતર વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે વર્ષ 2024 માં મહાનગરપાલિકામાં એક નહીં અનેક ક્ષેત્રની ફરિયાદો આવેલી છે. મળતી માહિતી મુજબ કોલ સેન્ટરોમાં ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે ત્યારે આ ફરિયાદો માં ઘટાડો આવે તે માટેના પ્રયત્નો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે સાથોસાથ નવા વર્ષ એટલે કે વર્ષ 2025 માં આ અંગે મહાનગરપાલિકા કોઈ નક્કર પરિણામ અથવા નિર્ણય લે તેવુ સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે. તજજ્ઞોનું માનવું છે કે ફરિયાદોનું પ્રમાણ તો જ ઘટશે જ્યારે લોકોને સંતોષકારક જવાબ મળે અને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે જેથી ફરિયાદોનું પ્રમાણ નહીંવત થાય. હાલ જે વિગત સામે આવી રહી છે તે મુજબ લોકોની ફરિયાદોના નિકાલ ના દાવા વચ્ચે વાસ્તવમાં લોકોને સંતોષકારક સેવાઓ મળે અને ફરિયાદો જ ઘટે તે પ્રકારની ખાસ વ્યવસ્થા ઉભી કરવા માટે હાલ તૈયારી થઈ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા માટે અને રાજકોટ શહેર માટે જો માથા નો દુખાવો હોય તેવી ફરિયાદોની યાદી કરવામાં આવે તો તે ફરિયાદમાં ભૂગર્ભ ગટર ટોચ પર છે કુલ ફરિયાદના 58% જેટલી ફરિયાદો ડ્રેનેજ શાખાને લગતી જોવા મળી છે. વર્ષ 2024 દરમિયાન ચોમાસા સહિતના દિવસોમાં ભૂગર્ભ ગટર લાઈન જામ થવાથી કુલ 2.33 લાખ ફરિયાદો નોંધાઈ હતી તેમાં 54% જેટલી ફરિયાદો નો ઉકેલ લાવવામાં આવ્યો હોય તેવી માહિતી હાલ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. બીજી તરફ ભૂગર્ભ ગટર મેન્ટેનન્સ ની પણ 18000 થી વધુ અરજીઓ નો નિકાલ કરવામાં આવ્યો છે ત્યારે દર વર્ષે વર્ષાઋતુમાં આ ફરિયાદનો મારો સૌથી વધુ જોવા મળતો હોય છે. બીજી તરફ રોશની શાખા માટે પણ વર્ષ 2024 ઘણું કપૂરનું રહ્યું સ્ટ્રીટ લાઈટને લગતી ફરિયાદો આ વર્ષે પણ 50,000 થી વધુ વટાવી ગઈ. જે બાદ સફાઈ ને લગતી ફરિયાદો જોવા મળી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટેની કહી શકાય આશરે 43,000 થી વધુ અરજીઓ નોંધાય છે જેમાં અનેક વિસ્તારોમાં સાફ-સફાઈ થવી કામદારો ન આવવા કચરા ના ઢગલા સહિતના વિવિધ મુદ્દે હાલ ચર્ચા થઈ રહી છે અને આ અંગે નગરજનો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવે છે.
પાણીને લઈને હાલ ટેકનિકલ ક્ષતિઓ જોવા મળી રહી છે ત્યારે ઘણા ખરા વિસ્તારમાં ઓછું પાણી મળવાથી તથા દૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે જે અંગે વર્ષ 2024 માં 27,718 ફરિયાદો વોટર વર્ક વિભાગને આવી હતી તો બીજી તરફ રાજકોટમાં રસ્તા પરના ખાડા ખૂબ મોટું દુષણ તરીકે સામે આવ્યું છે વરસાદના પગલે રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે અને તેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં ઘણા ખરા કિસ્સામાં પહેલા ડામર રોડ કરવામાં આવે ત્યારબાદ બે થી ત્રણ મહિના ન થાય તો ફરી એ રોડને કોઈપણ કારણસર તોડવામાં આવે અંતે આ ખર્ચનો બોજો કોના પર તેને લઈને હાલ મનપા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ દબાણ હટાવ શાખાની કુલ 6602, સીટી બસની 2211, ગાર્ડન શાખાની 4538, ઓનલાઇન પેમેન્ટમાં મુશ્કેલીની 1348, વોકળાની 1025, મલેરિયાની 3495 તથા સીટી બસને લગતી 2211 ફરિયાદો હાલ મહાનગરપાલિકા માં સામે આવી છે.
ટાઉન પ્લાનિંગ વિભાગની આવી 2184 ફરિયાદો
રાજકોટનું ટાઉન પ્લાનિંગ વિભાગ સમગ્ર રાજ્યમાં અત્યંત વોટ ફેવરિટ બની ગયું છે ત્યારે ગત વર્ષ 2024 માં ટાઉન પ્લાનિંગ વિભાગની 2184 ફરિયાદો આવી છે તેમાં ગેરકાયદે બાંધકામ થી લઈ ખુદ કોર્પોરેશનના પ્લોટ અને રસ્તા પરના દબાણો અંગેની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી રહી છે જે અંગે વિગતવાર વાત કરવામાં આવે તો 375 જેટલી ફરિયાદોનો ઉકેલ હજુ પણ આવ્યો નથી. વર્ષ 2024 માં કોલ સેન્ટરમાં નોંધાયેલી 4.26 લાખ ફરિયાદો માંથી 4.23 લાખ ફરિયાદો ઉકેલવામાં આવી હોવાનું મહાનગરપાલિકા જણાવી રહી છે જ્યારે 2792 જેટલી ફરિયાદો હજુ પણ પેન્ડિંગ છે.
