વર્ષ 2002-03માં રાજ્યનું શહેરી વિકાસ બજેટ રૂ. 750 કરોડ હતું તે આજે રૂ. 21,600 કરોડથી વધુનું થયું છે
793.45 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી : ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાને રાખી વિકસિત ગુજરાત વિઝનને સુદ્રઢ કરાશે
રાજકોટ, તા. 13
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ખાતેથી રૂ. 793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. શહેરના રેસકોર્સ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને વિકસિત ગુજરાત 2047ના રોડ મેપમાં રાજ્ય સરકારે સુદ્રઢ શહેરી વિકાસનું વિઝન રાખ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન દાયિત્વ કાળમાં દેશમાં ઈઝ ઓફ લિવિંગ અને હેપ્પીનેસ ઇન્ડેક્સમાં સતત વૃદ્ધિ થઈ છે. વડાપ્રધાનની “ગુડ ગવર્નન્સ”ની પ્રણાલીને સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે ત્યારે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો ધ્યાનમાં રાખીને વિકાસનું આયોજન કરવામાં આવે છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પીએમ એવાય આવાસ ફાળવણી ડ્રોનાં અવસરે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં 22 નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા 7 જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજકોટમાં રૂ. 224.26 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ. 569.19 કરોડના વિકાસકામોના લોકાર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ઉમેર્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધતા જતા શહેરીકરણના પડકારને વિકાસ અવસરમાં પલટાવીને શહેરી જનજીવન સુખાકારી માટે બજેટ વધાર્યું અને નાણાના અભાવે કોઈ વિકાસ કાર્ય અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. રાજ્યનું શહેરી વિકાસ બજેટ કે જે વર્ષ 2002-03માં રૂ. 750 કરોડ હતું તે આજે વધીને રૂ. 21,600 કરોડથી વધુનું થયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે એક સમયે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં જે પાંચ-પચીસ લાખના બજેટ બનતા ત્યાં હવે એક જ દિવસમાં કરોડો રૂપિયા વિકાસકામો માટે અપાઈ રહ્યા છે.
રાજ્ય સરકારે પાછલા ત્રણ જ વર્ષમાં રાજકોટ મહાનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ફ્લાયઓવર બ્રિજ માટે કુલ અંદાજે રૂ. 970 કરોડની ફાળવણી કરી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટ સિટીને શોભે તેવા 14 લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યુ છે ત્યારે આજે રાજકોટના આંગણે વધુ 1220 આવાસો લાભાર્થી પરિવારોને ફાળવવા માટેનાં અવસરમાં સહભાગી બનવા માટે મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત દેશનું આર્થિક પાટનગર બની રહ્યું છે, ત્યારે રાજકોટ શહેરનો પણ રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાજકોટ શહેરને આઇકોનિક સીટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ છે તેમ જણાવતા તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને રાજકોટને ઇકોફ્રેન્ડલી અને પ્રદૂષણમુક્ત બનાવવા પણ સૌને આગ્રહભેર અનુરોધ કર્યો હતો.
મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ડબલ એન્જિનની સરકારે રાજકોટના વિકાસને હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપી છે, જેના પ્રતાપે આજે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ બન્યું છે. અટલ સ્માર્ટ સિટીના નિર્માણથી નાગરિકોને અધતન સુવિધાઓ પ્રાપ્ત થશે, તેમ મેયરએ ઉમેર્યુ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યઓ, કોર્પોરેટરઓ તથા શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ ભેટ કરી આવકાર્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યુ હતું, જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે સ્માર્ટ સિટી અને અટલ સરોવર અંગેની ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ પ્રસારિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દિવ્યાંગ પેરાસ્વિમરશ્રી નીતિબેન રાઠોડને રૂ. 51 હજારનો ચેક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 બીએચકેના 1220 આવાસોની ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી લાભાર્થી પરિવારોને મુખ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસની ચાવી સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણીઓ ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, લીલુબેન જાદવ, મનીષભાઈ રાડિયા, માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી
રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ – ખાતમુહૂર્ત – લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના સંચાલક વિજયભાઈ ડોબરીયા તથા ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. સદભાવના વૃદ્ધાશ્રમ વતી સંસ્થાના સંરક્ષક અને માર્ગદર્શક પરમાત્માનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીને આર્શીવચન પાઠવ્યા હતા.મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને મોમેન્ટો અને શાલ ભેટ કરી આવકાર્યા હતા. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રી તેઓના રૂમમાં જઈ મળ્યા હતા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ અને કાર્યકર્તાઓ સાથે બપોરનું ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 650 જેટલા માવતરો નિવાસ કરી રહ્યા છે. જેમાં 200 જેટલા વડીલો સાવ પથારીવશ છે. હાલ સંસ્થા દ્વારા 30 એકર જગ્યામાં, 5000 નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું વિશ્વનું સૌથી મોટું 1400 રૂમયુક્ત નવું પરિસર રૂ.300 કરોડનાં માતબર ખર્ચે રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવીને તેનો 04 વર્ષ સુધી ઉછેર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ, શ્વાન આશ્રમ તેમજ રાહત દરે મેડીકલ સ્ટોર, નિ:શુલ્ક પશુ દવાખાનું, પાંજરાપોળ, પડતર કિંમતની નર્સરી પણ ચલાવવામાં આવે છે.
150 કરોડના ખર્ચે શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. 150 કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે મંત્રોચ્ચાર સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. 12 માળની આ હોસ્પિટલમાં 250 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનતા બી.ટી.સવાણી હોસ્પિટલના ચેરમેન જયંતિભાઈ ફળદુએ જણાવ્યું હતું કે, સરકારની આયુષ્માન યોજના લોકો માટે વરદાનરૂપ બની રહી છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશીએ નિર્માણાધિન શિતુલ મંજુ પટેલ હોસ્પિટલ અંગેની વિગતો ઉપસ્થિત સર્વેને પુરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની, લીવર, હૃદય, ફેફસાં, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ માટે 12 એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ કે જેમાં, રોબોટીકસ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પુરી પાડવામાં આવશે. વિવિધ પ્રકારની ઓપીડી માટે લગભગ 30 જેટલા ક્ધસલ્ટિંગ રૂમ અને વેઇટિંગ માટે વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સંપૂર્ણ કેમ્પસ ગ્રીન અને સસ્ટેઇનેબલ બની રહે તે માટે સોલાર સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે અને પાંચ માળના પાર્કીંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
