રંગીલા રાજકોટમાં દિવાળીનો માહોલ જામ્યો : બજારમાં ધુમ ખરીદી
માર્કેટમાં વસ્તુઓની ખરીદીની પડાપડી, કરોડ રૂપિયાના ટર્નઓવરની શક્યતા : પેટીયુ રડતા ધંધાર્થીઓનો ભયના ઓથાર હેઠળ વેપાર : તંત્ર દ્વારા હાલાકીથી પરેશાન
રાજકોટ મિરર તા. 26
ભારતમાં દિવાળીનો તહેવાર સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ તહેવાર છે.પ્રભુ શ્રી રામના 14 વર્ષના વનવાસ બાદ ઘરે પધારવાની ખુશીમાં દીપાવલી મહોત્સવ ઉજવવામાં આવે છે. દેશમાં ધામે ધૂમે દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે.રંગીલા રાજકોટમાં દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે
ધર્મેન્દ્ર રોડ સહિતની તમામ મુખ્ય બજારોમાં વિવિધ વસ્તુઓ ખરીદવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સવારથી રાત સુધી મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી રહ્યા છે. અને કપડાની સાથે સાથે મુખવાસ, ફટાકડા, રંગોળીના કલર સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. જેમ-જેમ દિવાળી નજીક આવશે તેમ-તેમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાની તેમજ આ સિઝનમાં અંદાજે કરોડો રૂપિયાના ટર્નઓવર થાય તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, ગુંદાવાડી, સાંગણવા ચોક, પેલેસ રોડ, યાજ્ઞિક રોડ, સોની બજાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને સદર બજાર વગેરે વિસ્તારમાં હાલમાં દિવાળીની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બજારોમાં કપડાં, તોરણ, ઇલેક્ટ્રિક દીવડા, લાઈટિંગ સિરીઝ, લાભ- શુભના, સ્વસ્તિકના, ભગવાનના સહિત અનેક પ્રકારના સ્ટીકર, ફૂલદાની, મુખવાસ, ફટાકડા, રંગોળીના કલર વગેરે વસ્તુઓનું ધૂમ વેચાણ શરૂ થયું છે.તહેવાર આડે આંગણીના વેઢે ગણી શકાય એટલા દિવસો બ્ાાકી હોવાથી બજારોમાં ભીડ ઉમટી રહી છે.લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની મુખ્ય બજારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી રહ્યા છે.દરવર્ષની જેમ આ વર્ષે પણ રેડીમેઈડ ગાર્મેન્ટ, સાડી, શૂટિંગ-શટિંગ, ચિલ્ડ્રન વેર લેડીઝ વેર અને મેન્સવેર સહિતની વસ્તુઓ મળીને કરોડોનું ટર્નઓવર થવાની શક્યતા છે.રાજકોટની મુખ્ય બજાર ગણાતા આ વિસ્તારોમાં હાલ દિવાળીની રોનક જોવા મળી રહી છે.આ બજારોમાં તો દિવાળીનો માહોલ એવો જામે છે કે માત્ર ફરવા નીકળ્યા હોય તેવા વ્યક્તિ પણ કંઈક ને કંઇક ખરીદી કરે છે. આ તહેવારોમાં પણ દરવર્ષની માફક લાખો લોકો બજારોની મુલાકાત લે તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમાં પણ છેલ્લા દિવસોમાં પગપાળા ચાલવાની પણ જગ્યા ન રહે તેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટશે.
પ્રતિવર્ષ મુખ્ય બજારોમાં આકર્ષક રોશની થતી હોય છે.અને દિવાળીની રાત સુધી લોકો મોટી સંખ્યામાં રોશની જોવા આવતા હતા. પરંતુ આ વર્ષે કોઈપણ પ્રકારની રોશની નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન અને રોશની શાખાનાં નિયમો ખૂબ કડક બન્યા છે. આ બજારોમાં જગ્યા ઓછી હોવા સહિતના કારણે આ નિયમો પાળી શકાય તેમ નથી.આ દરમિયાન કોઈપણ કારણોસર નાનો-મોટો અકસ્માત થાય તો દિવાળીનો તહેવાર બગડે તેમ હોવાથી રોશની કરવામાં આવી નથી.લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડ પર પાથરણાવાળા ધંધાર્થીઓને આ વર્ષે દિવાળીમાં કોર્પોરેશનની હાલાકી પડી રહી છે ટ્રાફિક સમસ્યા ની વારંવાર શોરૂમના વેપારીઓ દ્વારા ફરિયાદ કરવાથી રાજકોટ મહાનગર પાલિકાએ ન્યુસન્સ કરતા હોય તેવા પાથરણા વાળા ધંધાર્થીને દૂર કરવા સતત ચેકિંગ હાથ ધર્યું છે પરંતુ તેનો ભોગ અત્યારે પેટીયુ રડતા નાના નાના પાથરણા વાળા બની રહ્યા છે.પેટિયું રડતા ધંધાર્થીઓ ભયના ઓથાર હેઠળ વેપાર કરી રહ્યા છે.સતત ચેકિંગના કારણે કોર્પોરેશનના વિજિલન્સ વિભાગની ટીમના કર્મચારીઓ પાથરણાવાળાની વસ્તુઓ ઉપાડી તે જગ્યા ખાલી કરાવતા હોય છે. પાથરણાવાળાના વેચાણની જે વસ્તુ છે તેને નુકસાની પણ આવે છે.દોડાદોડીમાં વેપાર થતો નતી એવી ફરિયાદો પાથરણા વાળા અવારનવાર કરી રહ્યા છે.નાના પાથરણાવાળા ધંધાર્થીઓ તંત્રને તહેવારના દિવસમાં શાંતિથી ધંધા-વેપાર કરવા દેવાની વિનંતી કરી રહ્યા છે.દિવાળીની રાત્રે 12 વાગ્યા સુધી હવે બજારો ધમધમતી રહેવાની છે. ત્યારે આ સિઝનમાં સારો વેપાર થાય તેવી આશા છે.
પેટીયુ રડતા ધંધાર્થીઓની હૈયા વરાળ ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર પેટિયું રડતા પાથરણાવાળા ધંધાર્થીઓએ જણાવ્યા કે, દિવાળી તહેવાર માટે વ્યાજે પૈસા લઈ ઉછીના પૈસા લઈને વસ્તુની ખરીદી કરી છે વેપાર ધંધા નહીં થાય તો દિવાળી તો બગડશે સાથે દેણું પણ થશે રાજકોટ મહાનગર પાલિકાની વિજિલન્સ વિભાગના કર્મચારીઓ દ્વારા સતત ચેકિંગ કરવા ની સાથે ધંધો વ્યાપાર કરવા માટે અમારી જગ્યા અને ખાલી કરાવતા દોડાદોડીમાં વસ્તુની નુકસાની તો થાય જ છે સાથે વેપાર પણ બંધ થઈ જાય છે.ભયના માહોલ વચ્ચે વેપાર કરી રહ્યા છીએ. તહેવારના દિવસો નિમિત્તે આગામી સાત થી આઠ દિવસ સુધી શાંતિથી વેપાર ધંધા કરવાદે તે માટેની કોર્પોરેશનને અમારી વિનંતી છે.
