ગજબની કારીગીરી ઇલેક્ટ્રીક પેનલમાં છુપાવ્યો 4 લાખનો દારૂ!
દારૂ ભરેલા વાહનનો ચાલક ફરાર: સપ્લાયર-બુટલેગરનો નુસ્ખો જોઇ સોૈ કોઇ ચક્કર ખાઇ ગયું: મોકલનાર, મંગાવનારની શોધખોળ
રાજકોટ: દારૂની હેરાફેરી કરવા અને ગમે તેમ કરીને શહેરમાં દારૂનો જથ્થો ઘુસાડવા મથતાં સપ્લાયરો બુટલેગરો બૂટલેગરો નીતનવા નુસ્ખા અજમાવી દારૂની હેરાફેરી કરતાં હોય છે. કોઇને કલ્પના પણ ન આવે એવા એક નુસ્ખાનો શહેર પીસીબીની ટીમે પર્દાફાશ કરી ચાર લાખ આસપાસનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. વાપીથી ટ્રાવેલ્સ બસ મારફત ગ્રીનલેન્ડ ચોકડી સુધી ઇલેક્ટ્રીક પેનલ બોક્સની અંદર છુપાવીને બેટરીના નામનું બીલ બનાવી જથ્થો મોકલાયો હતો. આ જથ્થો ચોકડીએથી બીજા એક કેરી વાહનમાં ભરીને રવાના થતો હતો ત્યાં જ પીસીબીની ટીમે ત્રાટકી જથ્થો અને વાહન પકડી લીધા હતાં. ચાલક ભાગી ગયો હતો. કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે થયો હતો.
જાણવા મળ્યા મુજબ વાપીથી તિર્થ ટ્રાવેલ્સની બસ મારફત ઇલેક્ટ્રીક પેનલ બોક્સમાં છુપાવીને રાજકોટ મોકલાયેલો દારૂનો રૂપિયા 3,97,246નો 2472 બોટલ, ચપલાનો જથ્થો પીસીબીની ટીમે પકડી લીધો હતો. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાલજીભાઇ જાડા અને કિરતસિંહ ઝાલાની બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીથી યાર્ડ તરફના રસ્તે મોમાઇ ટી સ્ટોલ પહેલા સર્વિસ રોડ પર વોચ રખાઇ હતી. આ દરમિયાન મારૂતિ કંપનીનું સુપરકેરી વાહન જીજે02એટી-3919 મુકી એક શખ્સ ભાગી ગયો હતો. આ વાહનમાંથી રૂા. 3,97,246નો દારૂ મળી આવ્યો હતો. જેમાં 750 એમએલની 84 બોટલો તેમજ બાકીના 180 એમએલના ચપલા હતાં. કબ્જે થયેલા દારૂના જથ્થામાં બ્લેન્ડર્સની 82236ની બોટલો, એઇટ પીએમના 95 હજારના 950 ચપલા, મેજીક મુમેન્ટ વોડકાની 478 બોટલો, મેજીક મુમેન્ટના 180 એમએલના 480 ચપલા, સ્ટર્લિંગ રિઝર્વના 180 એમએલના 480 ચપલા, લોખંડની ઇલેક્ટ્રીક પેનલના બોક્સ-14, કેરી વાહન 3 લાખનું મળી કુલ રૂા. 7,11,246નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસને પ્રાથમિક તપાસ કરતાં એવી વિગતો સાંપડી હતી કે આ દારૂનો જથ્થો વાપીથી તિર્થ ટ્રાવેલ્સની બસમાં આવ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડીએથી તેને કેરીવાહનમાં ભરવામાં આવ્યો હતો. એ પછી જથ્થો આગળ જાય કટીંગ થાય એ પહેલા પોલીસે જપ્ત કરી લીધો હતો. જો કે ચાલક હાથમાં આવ્યો ન હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.
આ તદ્દન નવતર નુસ્ખાનો પર્દાફાશ કરી દારૂનો જથ્થો ઝડપી લેવાની કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ, હરદેવસિંહ, કિરતસિંહ, કરણભાઇ, ઘનશ્યામસિંહ, વિરેન્દ્રસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહ, રાહુલગીરી, ગીરીરાજસિંહ, યુવરાજસિંહ, વિજયભાઇ, દેવરાજભાઇ, વાલજીભાઇ, નગીનભાઇ, હિરેનભાઇએ આ કામગીરી કરી હતી. આરોપી ઝડપાયા બાદ વિશેષ વિગતો બહાર આવશે. મોકલનારા અને મંગાવનારા કોણ? તેની તપાસ થઇ રહી છે. કેરી વાહનના નંબરને આધારે આગળ તપાસ થશે.
