તબીબી ક્ષેત્રની તીવ્ર સર્જરી કરવી જરૂરી : ભગવાન ખુદ રાક્ષસની ભૂમિકામાં
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોના રાક્ષસી તાંડવથી ગુજરાત સ્તબ્ધ બન્યું છે. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડી રહ્યા છે, ખ્યાતિના એક તબીબ રાજકોટમાં હોસ્પિટલ ધમધમાવતા હતા. જે પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે.
વૈધ-તબીબને સમાજમાં ભગવાનનો દરજ્જો અપાયો છે. ભગવાનો ખુદ રાક્ષસીકાંડ કરવા લાગતા સમાજ સ્તબ્ધ બન્યો છે.
ખ્યાતિ હોસ્પિટલના ખૂલી રહેલા પ્રકરણો પ્રમાણે સ્વસ્થ દર્દીઓને બિનજરૂરી ટેસ્ટથી માંડીને બિનજરૂરી સારવાર સર્જરી કરીને સરકારી યોજનાના નાણા કટકટાવતા હતા. રૂપિયા માટે નિર્દોષ લોકોના આરોગ્યની અને તેમની જિંદગીની પથારી ફેરવતા હતા. આ રાક્ષસી પ્રવૃત્તિ જ ગણાય.
ગુજરાત આરોગ્યનું હબ બની રહ્યું છે. દેશ-વિદેશથી દર્દીઓ સારવાર માટે આવવા લાગ્યા છે. જોકે આરોગ્ય ક્ષેત્રે બેદરકારીથી માંડીને કુવૃતિ વ્યાપક પ્રમાણમાં વધી ગઈ છે, ખ્યાતિ હોસ્પિટલના ખેલની ઘટના દેશભરના મીડિયામાં છવાઈ ગઈ છે. આ કારણે ગુજરાતનું તબીબી જગત કુખ્યાત બની રહ્યું છે, આદર્શ તબીબોને પણ છાંટા ઉડી રહ્યા છે.
ગુજરાતમાં દર્દી તથા તેના સ્વજનોને ભયભીત કરીને તાત્કાલિક સારવાર કરાવવા મજબૂર કરવાની પદ્ધતિ વ્યાપક બની ગઈ છે. આ ઉપરાંત લેબ ટેસ્ટથી માંડીને દવાઓમાં પણ તબીબોના વ્યાપારી સાથેના સેટિંગ અનેક વખત ઉઘાડા પડ્યા છે.
બિનજરૂરી ટેસ્ટ, બિનજરૂરી સારવાર, બિનજરૂરી ઈમરજન્સી થતી હોવાની શંકા કેટલાક સમયથી ચાલતી હતી. ખ્યાતિ હોસ્પિટલે શંકા સત્ય સાબિત કરી દીધી છે. એક મજબૂત સંભાવના એવી પણ છે કે ખ્યાતિ જેવા કાંડ ગુજરાતના અનેક શહેરોમાં ચાલતા હશે, આરોગ્ય ક્ષેત્રે શુદ્ધિકરણની ઈચ્છા શક્તિનો જ અભાવ હોય તેવો માહોલ છે.
ખ્યાતિ કાંડના અહેવાલો વાંચતા એવી સમજ દ્રઢ બને છે કે તબીબોના રાક્ષસી કાંડમાં પડદા પાછળ મોટા માથા ગોઠવાયેલા છે, આરોગ્યના જ નહીં મોટાભાગના કાંડોમાં પડદા પાછળના માથા જ મુખ્ય ખેલાડી હોય છે પણ તેના ભાંડા ફૂટતા નથી અને કાંડો પણ ભીના સંકેલાઈ જતા હોય છે.
બાયપાસ એટલે આવેલો અવરોધ અવગણીને નવો રસ્તો બનાવવો, ગુજરાતમાં આરોગ્ય જગતે વિશ્વાસ ને જ બાયપાસ કરી દીધો છે. સામાન્ય માણસ પાસે આરોગ્ય અંગે વિશેષ જ્ઞાન હોતું નથી, તબીબો પર વિશ્વાસ રાખવો તેમની લાચારી છે, ખ્યાતિ જેવા કાંડોથી વિશ્વાસ તૂટી ગયો છે.
ગુજરાતે આવા મામલાને પતિગંભીર ગણીને આરોગ્ય ક્ષેત્રે પરિણામ લક્ષી તીવ્ર સર્જરી કરીને શુદ્ધિકરણ કરવું જરૂરી છે ભગવાનના રૂપમાં ગોઠવાયેલા રાક્ષસોથી મુક્તિ મળવી જોઈએ.
