ગુરુ નાનક
ગુરુ નાનકજી સ્વયં એકેશ્વરવાદી છે પણ તેમનો ધર્મ દ્રષ્ટિકોણ સમન્વયવાદી હતો
હિન્દુ પંચાગ મુજબ તા 15 થી 16 સુધી દેવ દિવાળી છે, એટલે ફટાકડાના અવાજો ચારે બાજુથી આવે છે, અને વાતાવરણમાં પણ દારૂૂખાનાની સુગંધ પ્રસરી ગઇ છે. દેવ દિવાળી એટલે કે આજે પણ કાર્તિકેય પૂર્ણિમા, અને ગુરુ નાનક જયંતિ છે. ગુરુનાનક એક ઉચ્ચતમ સાધુ ચરિત્ર ધરાવતા હતાં,ગુરુનાનક શીખ ધર્મના પ્રથમ પ્રણેતા એટલે કે 10 ગુરુ પરંપરાના પહેલા ગુરુ હતા. તેઓ સંન્યાસના વિરોધી હતાં, અને સંસારીઓને સંસારમાં રહીને જ ઈશ્વરને અનુભવવાનો હોય એવો સતત અનુરોધ કરતા હતાં. તેઓ બહુ નાની ઉંમરથી જ અધ્યાત્મવાદી હતાં, અને તેમણે સમાજના કુરિવાજો સામે બંડ પોકાર્યો હતો. શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિનું ખૂબ જ મહત્વ છે, અને હોવું પણ જોઈએ. કારણ કે માનવીને જે સાધુતાના પથ પર દોરી જાય એ જ તો મહાન છે. બાપુ કહે છે તેમ સમાજ હંમેશા જીવંત સાધુ ચરિત્રને સ્વીકારી શકતું નથી, પરંતુ તેમના ચાલ્યાં ગયાં બાદ લોકો તેને પૂજે છે. કારણકે એની સત્યનિષ્ઠાથી સામેનો સમાજ પોતાના અસ્તિત્વને જોખમમાં મુકાયેલો જોતો નથી. પણ આવા ચરિત્રો જ આપણામાં સાધુતાની ઈફેક્ટ ઉભી કરી શકે, અને થોડીઘણી સાધુતાની અસર આપણામાં થાય તો જીવન સુધરી જાય. હાલના સમાજની સમસ્યા એ છે કોઈના દુ:ખ જોઈ સહાનુભૂતિ થાય, પરંતુ કોઈની, પ્રગતિ, સફળતા, કે તેનું સુખ જોઈને આપણે સુખી થઈ શકતા નથી, એ ભારતીય સમાજની સૌથી મોટી કમજોરી છે. જેને કારણે સમાજ અસંતોષી બનતો જાય છે, અને એમાં સતત ઈર્ષા, નિંદા, ચોરી, લૂંટ, હિંસા જેવા દૂષણો વધે છે, આ બધું સાધુ થવામાં બાધારૂૂપ છે. તો શીખ ધર્મના પ્રણેતા એવા ગુરુ નાનકજીને યાદ કરી એમનાં જીવન ચરિત્ર વિશે થોડી વાત કરીશું.
એક ૐકાર એક સતનામનો જયઘોષ કરનારા ગુરુ નાનકનો જન્મ ઓક્ટોબર 1469ના રોજ 15 નવેમ્બર કાર્તક સુદ પૂનમની તિથિએ લગભગ એક વાગ્યાને ચાલીસ મિનીટે પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાઈભીડીંના તલવંડી ખાતે થયો હતો, આજે ગુરુ નાનકની 553 મી જન્મ જયંતી છે.ગુરુનાનક એ શીખ ધર્મના સંસ્થાપક હતા. શીખ લોકો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિથી મોટો કોઇ જ તહેવાર માનવામાં આવતો નથી. ગુરુનાનક એ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. તેઓ એક સારા કવિ પણ રહી ચૂક્યા છે. તેમણે એક જ ઈશ્વર હોવાની વાત કરી હતી, અને તેઓએ ઈશ્વર વિશે જે કાંઈ કહ્યું છે, તેને શીખ લોકો ગુરુવાણી કહે છે, અને ગુરુદ્વારામાં આ ગુરુવાણીનું ગાયન સતત થતું રહે છે. તેમણે શીખોને ત્રણ વસ્તુનો આદેશ કે શીખ આપી. એક જ ઇશ્વરની આરાધના કરવી, સમાજના નાના માણસોની સેવા કરવી,ને અન્યની કોઈ રીતે મદદ કરવી, ને દાન કરવું. મોટા મોટા શીખ લોકો પણ ગુરુદ્વારામાં જે લંગર થતું હોય ત્યાં પિરસવાનુ અને અન્ય કામગીરી કરતાં જોવા મળે છે.આ પ્રથા શરૂૂ થઈ એની માટે પણ એક કહાની તેની સાથે જોડાયેલી છે.
પિતાએ નાનકને વીસ રૂૂપિયા આપીને કોઈ લાભનો સોદો કરી આવવાનું કહ્યું. નાનક પોતાના મિત્ર બાલાને લઈને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા,અને આ પ્રસંગને સચ્ચા સૌદા કહેવામાં આવે છે, આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ઘરે ગયા તો પિતાએ હકીકત જાણી અને ક્રોધથી નાનકને તમાચો મારી દીધો. આ જોઈને એમની બહેન ખૂબ જ દુ:ખી થઈ હતી.બસ ત્યારથી લંગર પ્રથાને શીખ ધર્મમાં સ્થાન મળ્યું.લંગર એ શીખ ધર્મને ઉજાગર કરતી એક અનન્ય પ્રથા છે, જેમાં ગુરદ્વારામાં પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે. કે પછી ક્યારેય, કોઈ તહેવાર કે કુદરતી કે અન્ય આફતના સમયે અન્ય જગ્યાએ પણ થાય છે. શીખ ધર્મમાં 10 ગુરુ ઓની વાત છે, જેમાં પ્રથમ ગુરુ તરીકે ગુરુનાનકને સ્થાન મળ્યું છે. સામાન્ય રીતે ભારતના પંજાબ પંથકમાં શીખ લોકો રહે છે, પરંતુ હવે તો કામ અને ધંધાર્થે દરેક રાજ્યોમાં તેનો વાસ છે,આથી દરેક જગ્યાએ આ તહેવારની ઉજવણી થાય છે, અને ગુરદ્વારામાં એ દિવસે ખૂબ જલસા જેવું વાતાવરણ હોય છે. ગુરુ નાનકને એક શિષ્ય નામ મર્દાના હતું, એટલે જ્યારે કોઈ ઈશ્વર સમીપ લઈ જતી વાત તેને સમજાય, ત્યારે તે ગાઈને એ વાત કહેતા, અને મર્દાનાને કહેતા, મર્દાના છેડ, એટલે કે રાગ છેડ.પાગલ શબ્દનો અર્થ પણ તેમણે ખૂબ સરસ કર્યો છે, પંજાબીમાં ગલ એટલે વાત, અને માનવીય જીવનમાં મુખ્ય વાત તો ઈશ્વરને પ્રાપ્ત કરવાની જ છે, આથી પા ગલ એટલે જેણે ગલ ને પ્રાપ્ત કરી લીધી તેવી વ્યક્તિ એટલે પાગલ!! આ સત્ય આપણે જાણતા હોવા છતાં ભલા ભોળા માણસોને કારણ વગર પાગલ! પાગલ! કહીને લોકો ચીડવતા હોય છે.
માનવ સેવાને શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. નામ જપના કિરત કરના વંડ છકના’ સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો. આ જ ગુરુ મંત્ર શીખ ધર્મની મુખ્ય આધારશીલા છે. એટલે સાચા મનથી ઇશ્વરનું નામ જપો, ઈમાનદારી અને પરિશ્રમથી કામ કરો, તેમજ ધન દ્વારા દુ:ખી, અસહાય અને જરૂૂરતમંદ લોકોની સેવા કરો. ગુરુ ઉપદેશ છે કે ’ ધાલ ખાયે કિછ હત્થો દેહ, નાનક રાહ પછાને સે. આ રીતે ગુરુનાનકજીનાં જીવનમાંનો એક કિસ્સામાં અન્નની શુધ્ધતા, પવિત્રતા અને સાત્વિકતા પર જોર આપ્યુ છે.
ગુરુજી મર્તબા ગામમાં પહોચ્યાં, તો તેમને બે ઘરેથી ભોજનનું નિમંત્રણ આવ્યું. એક નિમંત્રણ ગામના ધનવાન મુખીનું હતું, અને બીજું નિર્ધન સુથારનું હતું. ગુરુનાનકજીએ મુખીયાના ઘીથી બનેલ મીઠાઈનો અસ્વીકાર કર્યો, અને સુથારના ઘરે બનાવેલ સુકી રોટલીઓનો સ્વીકાર કર્યો. ગુરુજીએ મુખીઓની રોટલીઓને નીચોવી ત્યારે તેમાંથી લોહી ટપક્યું. બીજી બાજું ખેડુતની રોટલીઓને નીચોવી તો તેમાંથી શુદ્ધ દુધની ધારા થઈ. ગુરુનાનકજી જણાવ્યું કે મુખીયાની કમાણી અનીતિ. અધર્મ, અત્યાચાર અને શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી છે, જ્યારે કે સુથારનું આ અન્ન ઈમાનદારી, મહેનતની કમાણીનું હતું.
નાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવતાં કહ્યું કે, ધર્મ ગમે તે હોય પણ ધર્મનાં સત્યને આત્મસાત કરીને વ્યવહાર જીવનમાં લાવવાનું લક્ષ્ય હોવું જોઈએ. ગુરુજીએ ધાર્મિક તેમજ સામાજીક વિષમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેમની વાણીમાં હિંન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ જોવાં મળે છે. તેમનું માનવું હતું કે સંપુર્ણ સૃષ્ટીના ઈશ્વર એક જ છે. આપણે બધા તો તેના બાળકો છીએ, એટલે આપણો ધર્મ એક છે. ગુરુજી સ્વયં પણ એકેશ્વરમાં પુર્ણ વિશ્વાસ રાખતા, તેમનો દ્રષ્ટિકોણ સમન્વયવાદી હતો.
આજે આપણે દેવ દિવાળીએ ઈશ્વર આગળ સંકલ્પ કરીએ, કે જીવનમાં બીજું કોઈ પણ હવે ધ્યેય નથી, માત્ર કોઈ પણ માર્ગેથી તારા સુધી પહોંચવું છે, અને આ જન્મને સફળ બનાવવો છે. અમે સંસારી છીએ, અને અમારી તને ભજવાની, કે ઉપાસનાની પણ એક મર્યાદા છે. પરંતુ આ ભોગ અને વિષયોની, પહેલા હવે તારું સાનિધ્ય પામી શકીએ એવી સાધુતાનું લક્ષ્ય બરકરાર, રહેશે!
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
