નજીકના ઉમરાળી ગામના અને મોટા દડવાના શખ્સોએ ધમાલ મચાવતાં આજીડેમ પોલીસની તપાસ
ઇકોમાં પાંચસો ત્રીસનો ગેસ પુરાવતાં કર્મચારીએ પૈસા માંગતા બે શખ્સ તૂટી પડ્યા : પંપના વકરાના ત્રેવીસ હજાર પડાવી ભાગી ગયા
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 17
તાલુકાના સરધાર ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર બે શખ્સ ઇકો કારમાં સીએનજી ગેસ પુરાવવા આવ્યા બાદ ગેસ પુરાવી રૂપિયા ન ચુકવી ફિલરમેન સાથે માથાકુટ કરી તેના માથામાં કડુ કે લોખંડની કોઇ વસ્તુ ફટકારી લોહીલુહાણ કરી નાખતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે બીજા કર્મચારીઓ અને લોકો ભેગા થઇ જતાં આ બંને શખ્સ ફિલરમેનનું શર્ટનું ખિસ્સુ ખેંચી ફાડી તેમાં રહેલી રોકડ લૂંટી ભાગી ગયા હતાં. ઘાયલ થયેલા પંપના કર્મચારીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં આજીડેમ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ તાબેના સરધારમાં આવેલા સરધાર સહકારી મંડળી સંચાલીત પેટ્રોલ પંપ પર ઇકો ગાડી લઇને આવેલા બે શખ્સોએ ગેસ પુરાવ્યા બાદ ફિલરમેને ગેસના રૂપિયા 530 માંગતા બંનેએ ઝઘડો કરી રૂપિયા ન ચુકવી ફિલરમેનના માથામાં લોખંડની કોઇ વસ્તુ ફટકારી દેતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. માથે જતાં આ બંને શખ્સ તેના શર્ટનું ખિસ્સુ ખેંચી ફાડી નાંખી તેમાં રાખેલી પેટ્રોલ પંપના વકરાની રોકડ પણ પડાવી ભાગી ગયા હતાં. વધુ માહિતી અનુસાર સરધાર નજીકના ચિત્રાવાવ ગામે રહેતાં બત્રીસ વર્ષના વિશ્ર્વાસ અંબાલાલભાઇ મેવાસા નામના યુવાનને તે સવારે સરધારમાં આવેલા સહકારી મંડળી સંચાલીત પંપ ખાતે નોકરી પર હતો ત્યારે ઇકો ગાડીમાં ગેસ પુરાવવા બે શખ્સ આવ્યા હતાં.
ફિલરમેન વિશ્ર્વાસે આ ઇકો ગાડીમાં ગેસ ફુલ કરતાં રૂપિયા 520નું બલી થયું હતું. એ પછી તેણે ઇકો ચાલક પાસે પૈસા માંગતા ચાલક અને સાથેના શખ્સે પૈસા ચુકવવાને બદલે ઝઘડો કર્યો હતો અને હુમલો કરી ફિલરમેનને માથામાં લોખંડની કોઇ વસ્તુ કે કડુ ફટકાર્યુ હતું. આ કારણે ફિલરમેન લોહીલુહાણ થઇ ગયો હતો. તેને પેટ્રોલ પંપના કર્મચારી સહિતનાએ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલની પોલીસ ચોકીના આસી. સબ ઇન્સ. રામશીભાઇ વરૂ અને ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ તથા ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. ફિલરમેન વિશ્ર્વાસને સારવાર માટે હોસ્પિટલે લાવનાર મંડળીના સભ્યએ જણાવ્યું હતું કે વિશ્ર્વાસ પાંચેક વર્ષથી પેટ્રોલ પંપમાં નોકરી કરે છે.
વધુમાં જણાવાયું હતું કે વિશ્ર્વાસ સવારે ગેસના પંપ પર નોકરી પર હતો ત્યારે ઉમરાળીની લાલભાઇ હુંબલ અને મોટા દડવાનો લાલભાઇ બતાળા ઇકો ગાડી લઇને આવ્યા હતાં. તેમાં ફિલરમેન વિશ્ર્વાસે 530 રૂપિયાનો ગેસ પુરી દીધો હતો. પછી બીલ માંગતા આ બંનેએ પૈસા ચુકવવાને બદલે ઝઘડો કરી વિશ્ર્વાસ પર હુમલો કરી માથામાં લોખંડની કોઇ વસ્તુ ફટકારી દીધી હતી. એ પછી તેના ખિસ્સા પર ઝપટ મારી ખિસ્સુ ફાડી નાંખી તેમાં રહેલી રોકડ રકમ પણ પડાવી લીધી હતી અને બંને બીલ ચુકવ્યા વગર ઇકો લઇને ભાગી ગયા હતાં. વિશ્ર્વાસને લોહી નીકળતાં હોઇ તત્કાળ સારવાર માટે સરધાર સ્વામિનારાયણ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખસેડ્યો હતો. આજીડેમ પોલીસે ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી હતી અને હુમલો કરી રોકડ પડાવી જનારાઓને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે સરધાર પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
