હાશકારો: ત્રીસ મંદિરોમાં ચોરીઓ કરનાર ગેંગ ઝડપાઇ

દિવાળીના દિવસોમાં સતત દેવસ્થાનોના તાળા તૂટતા ભાવિકોમાં પણ ફેલાઇ ગયો હતો રોષ

કચ્છ પંથકને સતત ધમરોળી ત્રણ દિવસમાં ઓગણીસ મંદિરોમાં હાથફેરો કર્યો હતો: ઉત્તર ગુજરાતમાં પણ આ ટોળકીએ જ તરખાટ મચાવી રાખ્યો હતો

દર્શનસિંહ જાડેજા દ્વારા

રાજકોટ મિરર તા.19

દેતે હૈ ભગવાન કો ધોખા ઇન્સાન કો ક્યા છોડેંગે…અમુક તસ્કરીયાઓ એવા હોય છે જે મકાન-દુકાન કે કારખાનાઓ કે પછી બીજી માલ મિલ્કતોમાં ત્રાટકવાના બદલે માત્ર અને માત્ર દેવસ્થાનો, મંદિરોને જ નિશાન બનાવતાં હોય છે. ગયા અઠવાડીયે રાપર પંથકમાં એક જ રાતે અગિયાર મંદિરોમાંથી ચોરીઓ થતાં ભાવીકોમાં ગામલોકોમાં રોષ ફેલાઇ ગયો હતો. આ ટોળકીને ઝબ્બે કરવા પોલીસની ટીમોએ આદરેલી મહેનત સફળ થઇ હતી. પોલીસે આંતરરાજ્ય મંદિરચોર ગેંગના છ શખ્સોને દબોચી લીધા છે. આ ટોળકીએ ત્રીસ ચોરીઓની કબુલાત આપી છે. રાજસ્થાન તરફની આ ટોળકી માત્ર મંદિરોમાં જ ત્રાટકતી હતી.

વિગતો પર નજર કરીએ તો રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત સપ્તાહે એક જ રાત્રિમાં અગિયાર દેવસ્થાનોમાં ઘરેણાં સહિત ધર્મદાની રકમ મળીને કુલ રૂ સત્તાણુ હજારની ચોરી થતા વાગડ વિસ્તારમાં ચકચાર -સરી ગઈ હતી. એક તરફ આ ઘટનાથી સ્થાનિક ભાવિકોમાં રોષ ફેલાયો હતો તો બીજી તરફ પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી, ત્યાંજ બનાવના ત્રીજા દિવસે ફરી નજીકના કાનમેર ગામે 8 દેવમંદિરોમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં એક સામટા 19 દેવાલયોના તાળાં તૂટતા પોલીસ તંત્રએ ધાર્મિક અસ્થા સાથે જોડાયેલી તસ્કરીના ગુનાની ગંભીરતાથી તપાસ હાથ હતી. આખરે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રના વિવિધ વિભાગની ટીમોએ ઝીણવટભરી તપાસ કરીને આંતરરાજ્ય ગરાસિયા ગેંગને ઝડપી પાડી છે.

પોલીસે ઝડપી લીધેલા  છ આરોપીઓમાં એક રાજસ્થાનનો સોની વેપારી હોવાનું પણ ખુલ્યુ છે. આ અંગે પોલીસવડા સાગર બાગમરે વિગતો જાહેર કરતા કહ્યું હતું કે ગાગોદર થાણા હેઠળના ચિત્રોડમાં અને ત્યારબાદ કાનમેર ગામે સામુહિક તસ્કરીની ઘટના બની હતી. ધાર્મિક અસ્થા સાથે જોડાયેલા ચોરીના બનાવને ગંભીરતાથી લઈ, જાત મુલાકાત પણ લેવામાં આવી હતી અને ગુનાના ભેદ ઉકેલ માટે ગાગોદર, આડેસર પોલીસ સાથે એલસીબી સહિતના વિભાગની અલગ અલગ ટિમો બનાવી હતી. તપાસનીશ પોલીસ અધિકારીઓએ ચોરી બનાવો અને વિવિધ એંગલ અંતર્ગત તપાસ હાથ ધરી હતી. તેમાં પશ્ર્વિમ કચ્છના નખત્રાણા તાલુકાના ગામે અને ઉત્તર ગુજરાતના રાધનપુર, દિયોદર અને થરા ગામે થયેલી મંદિર ચોરીના કેસમાં સામ્યતા જણાઈ આવતી હોય આ દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ માટે હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ટેક્ધિકલ સર્વેલન્સની મદદથી રાજસ્થાનની ગરાસિયા ગેંગ સામેલ હોવાનું ખુલ્યું હતું. ચોરીમાં સામેલ આરોપીઓનું પગેરું દબાવી પોલીસ છેક રાજસ્થાન પહોંચી હતી. ભચાઉ ડીવાયએસપી સાગર સાબડા સાથે આડેસર પીએસઆઇ સેંગલ, આડેસર પીઆઇ જયવીરસિંહ વાળા, એલસીબી પીઆઇ એન એન ચુડાસમા સહિતના અધકારીઓ અને પોલીસના કર્મચારીઓની ટીમ રાજસ્થાન પોલીસના સહયોગથી સિરોહીના જંગલ વિસ્તરમાં છુપાયેલા આરોપીઓ સુધી પહોંચી હતી અને ત્યાંથી પાંચ આરોપીઓ તેમજ એક સોની વેપારી સહિત કુલ છ આરોપીને ઝડપી લઈ આ બનાવમાં ઝડપી સફળતા મેળવી હતી. બનાવમાં હજી બે આરોપીની અટક બાકી છે. ચોરીમાં ગયેલો મોટાભાગનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે જેમાં કુલ રૂ 3 લાખ 64 હજાર 734નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. 18 સહિત કુલ 30 મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ ટીમને સફળતા મળી છે.

ગુનાહિત ઇતિહાસ ધરવતા આરોપીઓમાં અમુક સામે એકજ પ્રકારના અનેક ગુના પોલીસ દફતરે નોંધાયેલા છે, તેમાં મુખત્વે ચોરી અને લૂંટના ગુના સામેલ છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી મુજબ તેઓ બનાવ સ્થળની ભૌગોલિક માહિતી પહેલેથી જ ધરાવતા હતા અને પથ્થર ઘડાઈના કામથી સંકળાયેલા હોતા, મંદિરોમાં પથ્થરની કોતરણીની કામગીરી કરતા, કામ પૂર્ણ કર્યા બાદ ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. રાજસ્થાનના રહેવાસી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં કમલેશ અનારામ ગરાસીયા,2હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી. ઉદેપુર, રમેશ બાબુરામ ગરાસીયા, 2હે.માલવાચોરા, તા.દેવલા, થાના-બેકરીયા જી. ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી. શિરોહી , જીતેન્દ્ર સુનારામ ગરાસીયા 2હે. સીમલા થલા, થાના-બેકરીયા, તા.કોટડા જી.ઉદેપુર, સુરેશ  શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા, 2હે. માલેરા,થાના-પીંડવાળા, તા. પીંડવાળા જી.  શિરોહી, જયરામ ઉર્ફે જેનીયા  નોનારામ ગરાસીયા,રહે. માલેરા થાના-પીંડવાળા તા. પીંડવાળા જી. શિરોહી અને સુરેશકુમાર શાંતીલાલ સોની, રહે. શુભગ્રીન ફલેટ,વસ્ત્રાલ અમદાવાદ મુળ રહે. ગામ ગોયલી તા.જી.શિરોહીનો સમાવેશ થાય છે. જ્યારે મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા, રહે.ડાલીબોર, તા.બાલી, જી.પાલી અને 2મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા કા ચોરા થાના-બેકરીયા, તા.કોટડા જી. ઉદેપુરના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આમ સમગ્ર ગુજરાતમાં મંદિરોમાં ત્રાટકતી ટોળકી ઝડપાઇ જતાં પોલીસે પણ રાહત અનુભવી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:57 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech