હોટેલ સંચાલક-આગેવાન પર ચાલુ વાહને ધોકાવાળી કરી

વ્યાજંકવાદને ડામવા સરકાર, પોલીસની ઝુંબેશ વચ્ચે કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટના

મોરબી રોડ પર રહેતાં કારખાનેદાર, એસપીજી રાજકોટ પ્રમુખ માલિયાસણની હોટેલે જતાં હતાં ત્યારે અગાઉ જેના વિરૂધ્ધ

વ્યાજખોરીની ફરિયાદ કરી હતી તેણે બાઇક પર આવી બેફામ ફટકારતાં અર્ધબેભાન થઇ ગયા: બે શખ્સને શોધતી કુવાડવા પોલીસ

(દર્શનસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ મિરર તા. 30

વ્યાજંકવાદને ડામવા સરકાર પોલીસ ભારે જહેમત ઉઠાવે છે અને દર વર્ષે ખાસ ઝુંબેશ શરૂ કરી વ્યાજખોરોને જેલભેગા કરે છે. આમ છતાં આવી ઘટનાઓ યથાવત રહી છે. વ્યાજંકવાદના કિસ્સા અવાર-નવાર સામે આવે છે. દરમિયાન રાજકોટ શહેરમાં વ્યાજખોરીના બનાવમાં ફરિયાદ નોંધાવનારા ઇમિટેશનના કારખાનેદાર, હોટેલ સંચાલક અને એસપીજી રાજકોટ શહેરના પ્રમુખ એવા યુવાન પર કુવાડવા રોડ દરગાહ નજીક ચાલુ વાહને ધોકાથી હુમલો કરી પાડી દઇ બેફામ માર મારવામાં આવતાં તે અર્ધબેભાન થઇ ગયેલ. જેના વિરૂધ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી તે સામા કાંઠાનો શખ્સ અજાણયા શખ્સના બાઇક પાછળ બેસીને આવ્યો હતો અને ચાલુ વાહને જ ફિલ્મી ઢબે ધોકાવાળી કરી દીધી હતી.

કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતી આ ઘટનામાં પોલીસનો ડર જ ન હોય તે રીતે સરાજાહેર ફિલ્મી ઢબે હુમલો કરાયો હતો. વ્યાજની ઉઘરાણી માટે અને વ્યાજખોરીની ફરિયાદ કરી હોઇ તો તેનો ખાર રાખી જે તે લેણદાર ઘણીવાર હુમલા પણ કરતાં હોય છે. સામા કાંઠે ઇમિટેશનનું કારખાનુ ચલાવતાં અને માલિયાસણ ચોકડીએ હોટેલ ધરાવતાં  તેમજ સરદાર પટેલ સેવાદળ એટલે કે એસપીજીના રાજકોટ શહેર પ્રમુખને રાતે તે ટુવ્હીલર પર પોતાની હોટેલ ખાતે જતાં હતાં ત્યારે કુવાડવા રોડ જલાલશા પીરની દરગાહ પાસે તેના પર બાઇકમાં આવેલા બે પૈકી પાછળ બેઠેલા શખ્સે ધોકાથી હુમલો કરી પછાડી દઇ પડી ગયા પછી પણ આડેધડ માર મારી અર્ધબેભાન જેવો કરી નાખતા હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું હતું.

આ બનાવને પગલે દેકારો મચી ગયો હતો અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બે મહિના પહેલા જેના વિરૂધ્ધ વ્યાજખોરીની ફરિયાદ કરી હતી એ શખ્સ તથા અજાણ્યાએ આ હુમલો કર્યો હતો. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ ન્યુ સેટેલાઇટ ચોક રાજમોતી સોસાયટીમાં રહેતાં અને ઇમિટેશનનો ધંંધો કરવા સાથે રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ચોકડી પાસે યુકે બાઇટ નામે હોટેલ ચલાવતાં ત્રીસ વર્ષિય વિશાલભાઇ કાંતિભાઇ રીબડીયા ની ફરિયાદ પરથી સામા કાંઠે આર્યનગર-3માં મગનભાઇની મીલવાળી શેરીમાં રહેતાં ધીરૂ ટોળીયા અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. વિશાલભાઇ રાબડીયા રાતે સાડા નવેક વાગ્યે સાત હનુમાથી આગળ ગેસના પ્લાન્ટ નજીક દરગાહ પાસે બાઇક લઇને જતો હતો ત્યારે પાછળ ધીરૂ અને અજાણ્યાએ બાઇક પર આવી ચાલુ બાઇકે જ ધોકાવાળી કરતાં વિશાલને ઇજાઓ થતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ધીરૂ અને અજાણ્યો ભાગી ગયા હતાં. વિશાલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં એએસઆઇ પ્રવિણભાઇ આર. મકવાણાએ હોસ્પિટલે આવી પોલીસ ઇન્સ્પેક્ટર બી. પી. રજયાના માર્ગદર્શન હેઠળ હુમલાખોરો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

હુમલામાં ઇજા પામનારા વિશાલભાઇએ જણાવ્યું હતું કે હું રાતે સાડા નવેક વાગ્યે પેડક રોડ પર મારુ ઇમિટેશનનું કારખાનુ છે તયાંથી મારી હોટેલ કે જે માલિયાસણ ચોકડીએ છે ત્યાં જવા નીકળ્યો હતો. સાત હનુમાન મંદિર પછી રવેચી હોટેલ સામે પૂલ નીચે રોંગ સાઇડમાં હું બેટરીવાળુ બાઇક હંકારીને જતો હતો તે વખતે જલાલશા પીરની દરગાહ પાસે પહોંચતા પાછળથી એક બાઇકમાં ધીરૂ ટોળીયા અને અજાણ્યો શખ્સ આવ્યા હતાં. ધીરૂ તેમાં પાછળ બેઠો હતો. તેણે ચાલુ બાઇકે જ મને માથા પાછી ધોકો ફટકારતાં તમ્મર ચડી જતાં હું મારા બાઇક સહિત પડી ગયો હતો. આ વખતે ધીરૂને મેં મને મારો નહિ તેવી વિનંતી કરવા છતાં તેણે ધોકાથી માર માર્યો હતો. આ વખતે મેં મિત્ર રાહુલ અકબરીને ફોન કરી દીધો હતો. ત્યારે પણ ધીરૂ અને અજાણ્યએ મને મારકુટ ચાલુ રાખતાં હુ઼ અર્ધબેભાન જેવો થઇ ગયો હતો. ત્યારપછી દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. મારો મોબાઇલ ફોન ચાલુ હોઇ કોઇએ તેમાં મારા ભાઇ રાહુલને ફોન જોડી જતા રાહુલ આવી ગયો હતો અને ત્યારે કોઇએ 100 નંબર તથા 108ને પણ જાણ કરી દીધી હતી. બાદમાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાઇકચાલકને હું ઓળખતો નથી, પાછળ ધીરૂ ટોળીયા બેઠો હતો જે આર્યનગર-3માં રહે છે. મેં બે મહિના પહેલા ધીરૂ વ્યાજખોરીની ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી તેણે મારો પીછો કરી ચાલુ વાહને જ ધોકાવાળી કરી હતી. જેમાં મને માથા, શરીરે, હાથે-પગે ઇજાઓ થઇ હતી. માથામાં ટાંકા આવ્યા હતાં. વિશાલભાઇએ કહ્યું હતું કે હું સરદાર પટેલ સેવાદળમાં રાજકોટ શહેર પ્રમુખનો હોદ્દો પણ ધરાવું છું. મેં ધંધાના કામ માટે ધીરૂ ટોળીયા પાસેથી છ લાખ બે કટકે વ્યાજે લઇ તેની સામે 11.78 લાખ ચુકવી દીધા છતાં તેણે વ્યાજ અને મુળીની ઉઘરાણી ચાલુ રાખતાં મેં તેના વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આમ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવાઇ તેનો ખાર રાખી ફરીવાર હુમલો કરાતાં ચકચાર જાગી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:30 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech