અવધ નજીક ટીજીબી સર્કલ પાસે 31મીની રાતે બનેલી ઘટનાએ ભોગ બનનાર અને તેના પરિવારજનોને ભયભીત કરી મુક્યા

યુવાનનું મંગેતર સાથે તેની જ કારમાં અપહરણ: બેફામ માર મારી લૂંટ

પોલીસના નામે કાર લઇને આવેલા ચાર નશાખોરોનો ખોફનાક ઇરાદો હતો: કારને અવાવરૂ સ્થળે લઇ જઇ યુવતિને અંદર જ બેસી રહેવા કહ્યું, યુવાનને બહાર કાઢવા બેફામ માર માર્યો: આધારકાર્ડ મંગાવવા યુવાને પરિવારજનને ફોન કરતાં લોકેશનને આધારે બધા ત્યાં જવા નીકળ્યા: એ દરમિયાન ચારેય રોકડ પડાવી ભાગી ગયા: પોલીસે શકમંદોને ઉઠાવ્યા

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 31
શહેરમાં થર્ટી ફર્સ્ટ નાઇટની ઉજવણી આમ તો પોલીસના બંદોબસ્તને લીધે શાંતિપુર્વક થઇ હતી. પરંતુ આ વચ્ચે રાતે એકાદ વાગ્યા આસપાસ કાલાવડ રોડ અવધ નજીક એક એવી ઘટના બની હતી જેણે એક યુવાન અને તેની મંગેતરને ખળભળાવી મુક્યા હતાં. તો આ બંનેના પરિવારજનો પણ ફફડી ગયા હતાં. સદ્દનસિબે ન થવાનું થતાં રહી ગયું હતું. થર્ટી ફર્સ્ટ ઇવેન્ટમાંથી યુવાન તેની મંગેતરને લઇ કારમાં બેસી ઘરે જવા નીકળ્યો ત્યારે અન્ય કારમાં આવેલા ચાર લુખ્ખા નશાખોરોએ આ બંનેની કાર આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી બાદમાં તેની જ કારમાં બંનેનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ યુવાનને મારકુટ કરી કારમાંથી ઉતરી જવા અને યુવતિને અંદર જ બેસી રહેવા કહ્યું હતું. પણ યુવાન કાર લોક કરીને બેસી રહ્યો હતો અને માર સહન કર્યો હતો. એ દરમિયાન તેણે પરિવારજનને ફોનથી વાત કરી હોઇ લોકેશન શોધતા પરિવારજનો બંને પાસે જવા નીકળ્યા ત્યારે ચારેય લુખ્ખા પકડાઇ જવાની બીકે અને બદઇરાદો બર ન આવતાં રોકડ લૂંટી ભાગી ગયા હતાં. ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી શકમંદોને ઉઠાવ્યા છે.
જાણવા મળેલી માહિતી પર નજર કરીએ તો 31મી ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો વ્યવસ્થાનું ચીરહરણ ન થાય એ માટે પોલીસ જગ્યાએ જગ્યાએ તૈનાત હતી. આમ છતાં અમુક નશાખોરો ભાન ભુલી ગયા હતાં અને એક ચોંકવાનારી ઘટનાને અંજામ આપ્યો હતો. વિગતો પર નજર કરીએ તો નાના મવા રોડ વિસ્તારમાં રહેતો આશરે પચ્ચીસ વર્ષનો યુવાન કે જેની હાલમાં જ સગાઇ નક્કી થઇ છે તે પોતાની મંગેતરને લઇને ગત રાતે કાર મારફત ટીજીબી તરફ થર્ટી ફર્સ્ટ ઇવેન્ટમાં ગયો હતો. બંને રાતે એકાદ વાગ્યે ત્યાંથી ઘરે જવા નીકળ્યા ત્યારે સર્કલ નજીક તેની કારને અન્ય કારમાં આવેલા ચાર શખ્સોએ આંતરી પોલીસ તરીકે ઓળખ આપી હતી.
બાદમાં તેની જ કારમાં બંનેને અપહરણ કરી નજીકની અવાવરૂ જગ્યાએ લઇ જઇ યુવાનને નીચે ઉતરી જવાનું કહી બેફામ મારકુટ કરી હતી. જો કે યુવાન નીચે ન ઉતરતા આ નશાખોરોનો ઇરાદો બર આવ્યો નહોતો. દરમિયાન આધારકાર્ડ માટે યુવાને પરિવારજનને ફોન કરતાં સ્વજનને શંકા જતાં લોકેશનને આધારે પગેરૂ દબાવતાં છેલ્લે ચારેય લુખ્ખાઓ રોકડ પડાવી ભાગી ગયા હતાં. ભોગ બનનાર યુવાનના સગાએ વિગતો આપતાં કહ્યું હતું કે અમારા દિકરાનું સગપણ થોડા સમય પહેલા જ સગપણ થયું છે. એકત્રીસમી ડિસેમ્બરની રાતે અમારો દિકરો તેની મંગેતરને લઇને કારમાં ટીજીબી પાસે થર્ટી ફર્સ્ટના ફંકશનમાં ગયો હતો. બંને રાતે એકાદ વાગ્યે ત્યાંથી ઘરે આવવા નીકળ્યા ત્યારે ટીજીબી સર્કલ નજીક બીજી એક કાર આવી હતી અને અમારા દિકરાની કારને આંતરી હતી. સામેની કારમાં ચાર જણા હતાં.
આ ચારેયએ પોતે પોલીસ છે તેમ કહી કાર ચેક કરવાના બહાને અમારા દિકરાને બહાર નીકળી જવાનું કહ્યું હતું. પણ તેને શંકા જતાં તે ન ઉતરતાં ખેંચીને બહાર કાઢી પાછળની સીટમાં બેસાડી દીધો હતો અને તેની સાથે બીજા બે બેસી ગયા હતાં. કાર અજાણ્યાએ ચલાવી હતી. ત્યારે પછી બંને કારને ટીજીબી નજીક જ અવાવરૂ સ્થળે લઇ જવાઇ હતી. જ્યાં બંને કાર ઉભી રાખી ફરીથી લુખ્ખાઓએ અમારા દિકરાને નીચે ઉતરી જવાનું કહેતાં તે ન ઉતરતાં અને દરવાજો લોક કરી દેતાં આ લુખ્ખાઓએ તેને કારની અંદર જ બેફામ મારકુટ ચાલુ કરી હતી. મંગેતર વચ્ચે પડતાં તેને પણ માર મારી લીધો હતો. આ પછી ચારેયએ ઓળખ માટે આધાર કાર્ડ આપવાનું કહેતાં તેણે આધારકાર્ડ ભેગા ન હોઇ ઘરેથી મંગાવવાનું કહેતાં અમારા દિકરાએ ફોન કરી પોલીસે રોક્યા છે અને આધારકાર્ડ માંગે છે તેમ કહેતાં અમે લોકેશન જાણી લીધુ હતું. પોલીસ આ રીતે આધારકાર્ડ ન માંગે નક્કી કંઇક બીજુ છે એવી શંકા ઉપજતાં અમે લોકેશન તરફ જવા નીકળી ગયા હતાં.
ભોગ બનનારના સ્વજને કહ્યું હતું કે અમારા દિકરા અને તેની મંગેતરના ફોન પણ પડાવી લેવાયા હતાં. બીજી તરફ આ ચારેય લુખ્ખાઓનો ઇરાદો કંઇક જુદો જ હોય તેમ તે અમારા દિકરાને કારમાંથી બહાર જવાનું કહેતાં અને માર મારતાં હતા અને તેની મંગેતરને અંદર જ રહેવાનું કહેતાં હતાં.
પણ અમારો દિકરો સતત માર પડતો હોવા છતાં બહાર નીકળ્યો નહોતો. એ દરમિયાન તેણે ફરીથી પરિવાર સાથે વાત કરી આ લોકો પોલીસ જેવા લાગતાં નથી તેમ કહેતાં પરિવારજને અમે પહોંચવા જ આવ્યા છીએ તેમ જણાવતાં ચારેય લુખ્ખા પોતાના બદઇરાદામા સફળ ન થતાં સત્તરસો જેટલા રૂપિયાની રોકડ પડાવી ભાગી ગયા હતાં. બીજી તરફ પરિવારના લોકો પણ લોકેશન તરફ પહોંચવા આવ્યા હોઇ પોલીસ રસ્તામાં મળતાં પોલીસને પણ જાણ કરી હતી.
પોલીસે આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર પાસેથી વિગતો મેળવી રાતોરાત લુખ્ખાઓને શોધી કાઢવા દોડધામ કરી હતી. વહેલી સવાર સુધીમાં ચારેયની ઓળખ થઇ ગઇ હતી અને હાથવગા કરી લેવા તજવીજ શરૂ થઇ હતી. જેમાં એક મુસ્લિમ હોવાની ચર્ચા છે. આ ઘટનામાં પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી કરી લુખ્ખાઓની ખો ભુલાવી દે તેવી ભોગ બનનાર અને પરિવારજનો માંગણી કરી રહ્યા છે. પોલીસે શકમંદોને શોધી કાઢ્યાની વિગતો પણ ભોગ બનનારના પરિવારજનોએ જણાવી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:15 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech