ચાર દાયકા બાદ બે ધાડપાડુને વેશપલ્ટો કરી દબોચી લેવાયા
યુવાનીમાં 1981માં હોટેલ-પંપ ઉપર ગુનો આચર્યો હતો: હવે પકડાયા ત્યારે બંનેની ઉમર 65 અને 74 વર્ષની છે: ત્રણ આરોપી પામી ચુક્યા છે મૃત્યુ
રાજકોટ: પોલીસ ધારે તો શું ન કરી શકે? તેની પ્રતીતિ કરાવતુ વધુ એક ડિટેક્શન થયું છે. પોલીસે એવુ કામ કર્યુ છે જાણીને એમ કહી શકાય કે વાહ આ તો ખરેખર નોંધપાત્ર કામગીરી છે. ચુમાલીસ વર્ષ પહેલા એક પેટ્રોલ પંપ અને હોટેલ પર ધાડ પાડવામાં આવી હતી. જેમાં હોટેલ માલિકને માર મારી ઇજા પહોંચાડી લૂંટ ચલાવી હતી. ચડ્ડી બનીયાધારી એવી ગેંગ અંગે જે તે વખતે પોલીસે થોડીઘણી વિગતો મેળવી હતી અને કેટલાકને પકડી લીધા હતાં. જો કે બે મુખ્ય આરોપી હાથમાં આવ્યા નહોતાં. આ બંને જે તે વખતે યુવાન હતાં તે હવે વયોવૃધ્ધ થયા પછી ઝડપાઇ ગયા છે. પોલીસે વેશપલ્ટો કરીને બંનેને મહારાષ્ટ્રમાંથી દબોચી લીધા છે.
વિગતો પર નજર કરીઓ તો વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર એક પેટ્રોલપંપ તેમજ હોટલ ઉપર પથ્થરમારો કરી ધાડ પાડ્યા બાદ હોટેલ માલિકને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયેલી ચડ્ડી બનીયન ગેંગના બે ધાડપાડુઓ ચુમાલીસ વર્ષ બાદ પોલીસે વેશપલટો કરી મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આલમગીર ગામ પાસે નેશનલ હાઈવે ઉપર તારીખ 26 એપ્રિલ 1981ના રોજ પાંડે હોટલ તેમજ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પથ્થરમારો કરી કેબિનમાં ઘુસી જઈ રોકડ 12,952ની લૂંટ ચડ્ડી બનીયનધારી ટોળકીએ કરી હતી. ધાડપાડુઓએ કેબિનના કાચ તોડી પાડી માર્કંડે રઘુનાથ પાંડે નામના હોટલ માલિકને દંડાથી માર મારી ઇજા પહોંચાડી હતી. આ અંગેનો ગુનો વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
વધુ માહિતી અનુસાર પોલીસે અગાઉ નવ ધાડપાડુંની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ 1984માં વધુ એક ધાડપાડુને ઝડપી પાડી પુરવણી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી જ્યારે અન્ય છ ધાડપાડુઓ ફરાર હતા. તેઓ નહીં ઝડપાતા કોર્ટે સીઆરપીસી કલમ 82 મુજબ ફરારી જાહેરનામું બહાર પણ પાડ્યું હતું. દરમિયાન વરણામા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. વાઘેલાએ ફરાર આરોપીઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ઉપરોક્ત ગુનાના આરોપીઓ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. છેક વર્ષ 1981માં થયેલી ધાડના ગુનામાં ફરાર આરોપીઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોટલીખુર્દ ગામે રહે છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસ સ્ટેશનની એક ટીમ કોટલિખુદ ગામે પહોંચી ગઈ હતી અને તે ગામના લોકોના પહેરવેશ મુજબ વેશ પલટો કરી બે દિવસ સુધી ગામમાં રહીને ખેતરો તેમજ ગામની સીમમાં વોચ રાખી તપાસ કરી હતી.
જેમાં ફરાર ધાડપાડુઓ પૈકી કરણસિંહ માકડીયા વસાવેનું માર્ચ 2023, અંબુ બાવલીયા ગાવીતનું સપ્ટેમ્બર 2014 તેમજ તુકારામ સૂકા કોકણીનું સપ્ટેમ્બર 2022માં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વરણામા પોલીસના સ્ટાફે સ્થાનિક ઉપનગર પોલીસ સ્ટેશનની મદદ લઈને ત્રણે મૃતક ધાડપાડુઓના મરણના દાખલા મેળવ્યા હતા ત્યાર પછી પણ વેશ પલટો ચાલુ રાખીને ફરાર અન્ય બે ધાડપાડુઓ પાંસઠ વર્ષના મગન ઉર્ફે મંગુ બારકીયા વસાવે અને ચિમોતેર વર્ષના જાલમસિંહ ઉર્ફે જેલમા સેલા વસાવેને ઝડપી પાડ્યા હતા. લૂંટ કર્યા બાદ યુવાન વયના ધાડપાડુઓ વયો વૃધ્ધ થતાં ઝડપી પાડ્યા બાદ તેઓને વરણામા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 1981થી 1984 દરમિયાન ગેંગ બનાવીને આ ધાડપાડુઓ હાઇવે પરના પેટ્રોલ પંપ તેમજ હોટલોને નિશાન બનાવી પથ્થર મારો કરતા હતા અને લૂંટફાટ કરી આતંક મચાવ્યો હતો. અગાઉ પણ રાજ્યની અલગ અલગ પોલીસની ટુકડીઓ આ રીતે વર્ષો જુના હત્યા, લુંટ, ચોરી સહિતના ગુનાઓમાં આરોપીઓને બીજા રાજ્યોમાંથી પકડી લાવી હતી. જેમાં આ ડિટેકશન સોૈથી વધુ નોંધપાત્ર કહી શકાય તેવું હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.